બાય..બાય..રવિ શાસ્ત્રી!:T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ક્રિકેટમાં મોટે પાયે ફેરફાર થવાની સંભાવના; છેલ્લાં 4 વર્ષમાં 'શાસ્ત્રીની ટીમ ઈન્ડિયા' એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી

2 વર્ષ પહેલા

ઈન્ડિયન ક્રિકેટમાં મોટે પાયે ફેરફાર થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની સફર પૂરી થઈ શકે છે. આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ટીમ ઈન્ડિયા સાથે છેડો ફાડી શકે છે, કારણ કે ઈન્ડિયન ટીમ છેલ્લાં 4 વર્ષથી એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી. વળી, શાસ્ત્રીના કાર્યકાળમાં તો ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી.

આ મુદ્દે BCCIએ રવિ શાસ્ત્રીને સૂચના પણ આપી દીધી છે. નવેમ્બરમા શાસ્ત્રી સહિત સંપૂર્ણ કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, BCCI, T-20 વર્લ્ડ કપ પછી નવા કોચિંગ સ્ટાફની પસંદગી કરવા માગે છે, જેથી ઈન્ડિયન ક્રિકેટ નવી ઊંચાઈઓ આંબી શકે.

બોલિંગ કોચ ભરત અરુણ, હેડ કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની તસવીર.
બોલિંગ કોચ ભરત અરુણ, હેડ કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની તસવીર.

T20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ પૂરો
વર્ષ 2014માં પહેલી વાર રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. એ સમયે 2016મા તેમનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ જતાં તેમને એક વર્ષ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યાર પછી અનિલ કુંબલેની નિવૃત્તિ બાદ રવિ શાસ્ત્રી 2017મા ટીમ ઈન્ડિયાના ફુલ ટાઇમ કોચ બન્યા હતા. એ સમયે શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ 2019 વર્લ્ડ કપ સુધીનો હતો. 2019માં ઈન્ડિયન ટીમના સારા પ્રદર્શનને કારણે તેમનો કોન્ટ્રેક્ટ રિન્યૂ કરીને 2020 T-20 વર્લ્ડ કપ સુધી લંબાવાયો હતો.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે T-20 વર્લ્ડ કપ સ્થગિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ્સના આધારે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડિરેક્ટર રાહુલ દ્રવિડને ટીમના નવા હેડ કોચ તરીકે પસંદ કરી શકાય છે.

પ્રેક્ટિસ સેશન દરમિયાન વાતચીત કરતા રવિ શાસ્ત્રી અને અન્ય કોચિંગ સ્ટાફ.
પ્રેક્ટિસ સેશન દરમિયાન વાતચીત કરતા રવિ શાસ્ત્રી અને અન્ય કોચિંગ સ્ટાફ.

શાસ્ત્રીના કાર્યકાળમાં ઈન્ડિયન ટીમે એકપણ ICC ટાઇટલ નથી જીત્યું
રવિ શાસ્ત્રીની ટ્રેનિંગમાં જ ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ઈન્ડિયન ટીમ પહોંચી હતી. જોકે શાસ્ત્રી, શ્રીધર અને વિક્રમના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ એકપણ ICC ટાઇટલ જીત્યું નથી. 2019 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ઈન્ડિયાની હાર થઈ હતી.

દ્રવિડની એન્ટ્રી થવાની સંભાવના
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ઈન્ડિયન ટીમના નવા હેડ કોચ તરીકે પસંદ કરાઈ શકે છે. દ્રવિડે પોતાના કોચિંગમાં ઈન્ડિયા-A અને ભારતની અંડર-19 ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરો સર કરાવ્યા હતા. જોકે શ્રીલંકા વિરુદ્ધની સિરીઝમાં રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે પસંદ કરાયા હતા. એમાં પણ ઈન્ડિયન ટીમે 2-0થી વનડે સિરીઝ જીતી હતી, જોકે T-20 સિરીઝમાં કોરોનાનો ફટકો પડતાં ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11માં ઘણા ફેરફારો થયા હતા, જેને કારણે એ સિરીઝ (2-1થી શ્રીલંકાએ જીતી) ગુમાવવાનો વારો આવ્યો હતો.

શ્રીલંકા સિરીઝ દરમિયાન કેપ્ટન ધવન અને રાહુલ દ્રવિડની તસવીર.
શ્રીલંકા સિરીઝ દરમિયાન કેપ્ટન ધવન અને રાહુલ દ્રવિડની તસવીર.

રાહુલ દ્રવિડનો NCA ચીફ તરીકે કોન્ટ્રેક્ટ પણ પૂરો થવા જઇ રહ્યો છે. બોર્ડે NCA ચીફ પદ માટે આવેદન માગ્યા છે. દ્રવિડને જુલાઈ 2019મા NCA ચીફ તરીકે નિયુક્ત કરાયા હતા. જો દ્રવિડ NCA ચીફ માટે ફરીથી આવેદન નહીં આપે તો તેમનું હેડ કોચ બનવું નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...