ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં કેપ્ટનશિપમાં ફેરફાર કરવો હવે એ નિયમિત થઈ ગયું છે. હવે ટીમ મેનેજમેન્ટની રોટેશન પોલિસીને કારણે અલગ-અલગ સિરીઝ માટે અલગ-અલગ કેપ્ટન બની રહ્યા છે. ત્યારે મેજર ટૂર્નામેન્ટમાં હાર મળ્યા પછી અત્યારે ટીમ ઈન્ડિયાની આવી જ હાલત છે. રોહિત શર્માની જગ્યાએ લિમિટેડ ઓવર્સમાં હાર્દિક પંડ્યાનું નામ ચર્ચાઈ રહ્યું છે. આવું મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતા ત્યારે આવો વખત આવ્યો જ નથી, કારણ કે તેમની કેપ્ટનશિપમાં રમવું એ સૌકોઈ નવા પ્લેયરનું સપનું હતું. ટીમ ઈન્ડિયા તેમની કેપ્ટનશિપમાં ફાવી ગઈ હતી. તેમના પછી વિરાટ કોહલીએ આ સ્થાન લીધું હતું.
જોકે આ એક અચરજ પમાડે એવી વાત બહાર આવી છે, જેમાં વિરાટ કોહલી માહી પાસેથી કેપ્ટનશિપ લેવા માગતો હતો. આ વાતનો ઘટસ્ફોટ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરની બુક 'કોચિંગ બિયોન્ડ-માઇ ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ'માં કરવામાં આવ્યો છે.
ક્યારની છે આ વાત?
આ વાત 2014-15ની છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 30 ડિસેમ્બર, 2014ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એમ.એસ.એ અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. આ પછી ચમકતો સિતારો વિરાટ કોહલીને ટેસ્ટની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ધોની હજુ આ પછી લિમિટેડ ઓવર્સના કેપ્ટન તરીકે રહ્યો હતો. વિરાટ કોહલી લિમિટેડ ઓવર્સમાં પણ કેપ્ટન બનવા ઉત્સુક હતો, જોકે ત્યારે રવિ શાસ્ત્રીએ કોહલીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને સમજાવ્યો હતો.
ફોન પર શાસ્ત્રીએ કોહલીને સલાહ આપી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરની બુકમાં જણાવવામાં આવ્યું છે કે 'કોહલી ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા પછી વ્હાઇટ બોલ ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માટે ઉત્સુક હતો. 2016માં એક સમયે વિરાટ વ્હાઇટ બોલનો કેપ્ટન બનવા માટે ખૂબ જ ઉત્સુક હતો. તેણે અમુક વખતે એવી વાતો કરી હતી, જે પરથી ખ્યાલ આવી જતો હતો કે તે કેપ્ટન બનવા માગે છે. જોકે રવિ શાસ્ત્રીએ આ બાબતમાં પડીને કોહલીને સલાહ આપી હતી કે ધોની જાતે જ તેને કેપ્ટનશિપ સોંપશે.'
'એક સાંજે રવિએ વિરાટને ફોન કરીને કહ્યું હતું કે જો વિરાટ, એમ.એસ.એ તને રેડ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સોંપી છે ને! તો તારે માહીનું સન્માન કરવું જોઈએ. તે તને યોગ્ય સમયે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં પણ કેપ્ટન બનવાની તક આપશે. જો તમે તેમનું સન્માન નહિ કરો તો કાલે તું જ્યારે કેપ્ટન બનીશ તો ટીમમાં તને પણ સન્માન નહિ મળે. તમે તેમને આદર આપો છો, ભલે ગમે એ થઈ રહ્યું હોય. વસ્તુઓ તમારી પાસે આવશે, તમારે એની પાછળ દોડવાની જરૂર નથી.'
આર. શ્રીધરની બુકમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો...
30 ડિસેમ્બર, 2014ના રોજ ધોનીએ નિવૃત્તિ લીધી અને 4 જાન્યુઆરી, 2017ના રોજ લિમિટેડ ઓવર્સમાંથી કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું
મહેન્દ્ર સિંહ ધોનીએ 30, ડિસેમ્બર, 2014ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ નિવૃત્તિ જાહેર કરી હતી. ટીમ ઈન્ડિયા ત્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમતી હતી. આ પછી માહીએ 4 જાન્યુઆરી, 2017માં લિમિટેડ ઓવર્સમાંથી કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે પ્લેયર તરીકે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. 15 ઑગસ્ટ, 2020માં ઇન્સ્ટા પોસ્ટથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
વિરાટે 15 જાન્યુઆરી 2022ના રોજ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી હતી
T20 વર્લ્ડ કપ 2021માં ભારતની હાર બાદ વિરાટે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, પરંતુ તે ભારતીય વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખવા માગતો હતો, પરંતુ BCCIએ વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશિપ છીનવી લીધી, કારણ કે વ્હાઇટ બોલ અને રેડ બોલની ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટન હોઈ શકે નહીં, એવું BCCIનું માનવું હતું. ત્યાર બાદ 15મી જાન્યુઆરી, 2022માં સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખતમ થઈ ગયો હતો. એ પછી કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.