ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તેને બે વર્ષથી વધારે સમય થઈ ગયો. પણ તેની લોકપ્રિયતામાં ઓટ નથી આવી. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ત્રણવાર આઈસીસી એવોર્ડ મેળવવામાં સફળ રહી છે. આ સાથે જ ધોની આઈપીએલમાં પોતાની ટીમ સીએસકેને અત્યાર સુધીમાં ચારવાર ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.
પોતે જ ડિઝાઇન કર્યું ફાર્મ
મહેન્દ્રસિંહ ધોનીનું પોતાનું ફાર્મ હાઉસ પણ છે અને અવાર નવાર તેના ફાર્મ હાઉસની ચર્ચા થયા કરે છે. રાંચીના રિંગરોડ પર આ ફાર્મ હાફસ છે. આ ફાર્મ હાઉસ એટલું આલિશાન અને વિશાળ છે કે તેને બનાવવામાં જ ત્રણ વર્ષનો સમય લાગ્યો. 7 એકરમાં ફેલાયેલા આ ફાર્મને માહીએ પોતે જ ડિઝાઈન કર્યું હતું. ફાર્મમાં તમામ પ્રકારની સુવિધા છે.
ડોગ અને ઘોડા પણ છે
આ ફાર્મમાં ડોગ અને ઘોડા પણ પાળેલા છે. ધોનીનો પ્યારો ડોગ જર્મન શેફર્ડ છે તો સ્કોટલેન્ડથી મગાવેલો શેટલેન્ડ પોની પ્રજાતિનો ઘોડો પણ છે. વિશ્વની નાની પ્રજાતિનો આ ઘોડો છે. ધોનીના આ ફાર્મમાં અનેક ભારતીય ક્રિકેટર્સ પણ આવી ચૂક્યા છે. ફાર્મની અંદર મોટું ગેરેજ છે અને આ ભાગમાં ધોનીની લક્ઝુરિયસ કાર અને બાઈક્સ પણ હોય છે.
જિમ અને સ્વિમિંગ પુલ પણ છે
ધોનીનું ફાર્મ હાઉસ ઈર્જા ફાર્મના નામથી જાણીતું છે. ધોનીના ફાર્મમાં તરબૂચ, જામફળ, પપૈયું અને સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજી છે. ફાર્મમાં મોટું જિમ, સ્વિમિંગ પુલ, પ્રેક્ટિસ માટે પાર્ક અને ઇન્ડોર એક્ટિવિટીની સુવિધા પણ છે. ફાર્મનો મોટો ભાગ લીલી લોન અને વિવિધ પ્રકારના ઝાડપાનથી આચ્છાદિત છે. ફાર્મમાં રહેવું હોય તો પણ તમામ વ્યવસ્થા છે. લિવિંગ રૂમ પણ છે. ધોનીની પત્ની સાક્ષી અવાર નવાર ફાર્મના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.