ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને BCCIએ વાર્ષિક કોન્ટ્રેક્ટમાં પણ ડિમોશન આપ્યું છે. આ સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પણ ઝટકો આપ્યો છે. પહેલાં આ ત્રણ ખેલાડીને ગ્રેડ A કોન્ટ્રેક્ટ મળ્યો હતો. હવે રહાણે અને પૂજારા ગ્રેડ Bમાં આવી ગયા છે. તો પંડયાને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને ગ્રેડ Bથી ડિમોટ કરીને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે.
BCCI કોન્ટ્રેક્ટની ચાર કેટેગરી
હાલના સમયમાં BCCI કોન્ટ્રેક્ટની ચાર કેટેગરી છે. સૌથી ઊંચી કેટેગરી A+ છે, જેમાં સામેલ ખેલાડીઓને 7-7 કરોડ રૂપિયા મળે છે. A કેટેગરીના ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ Bમાં 3 કરોડ અને ગ્રેડ Cમાં 1 કરોડ રૂપિયા મળે છે. ખેલાડીઓનું ફોર્મ અને ટીમ ઈન્ડિયામાં તેમની જરૂરિયાતના આધારે ગ્રેડ નક્કી કરવામાં આવે છે.
લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ છે પૂજારા અને રહાણે
ચેતેશ્વર પૂજારાએ વર્ષ 2021માં 16 ટેસ્ટ મેચમાં માત્ર 810 રન બનાવ્યા. આ દરમિયાન તેની સરેરાશ 27.93 રહી અને તેમાં એક પણ સેન્ચુરી નથી. રહાણેની પણ આવી હાલત છે.તેને 2021થી અત્યાર સુધીમાં 15 ટેસ્ટ મેચમાં 20.25ની સરેરાશથી 547 રન બનાવ્યા છે. તેના નામે પણ કોઈ સેન્ચુરી નથી.
ફિટનેસ અને ફોર્મમાં નથી પંડયા
હાર્દિક પંડયા પીઠની ઈજામાંથી બહાર આવ્યા બાદ બોલિંગ નથી કરી શકતો. ટીમ ઈન્ડિયામાં તે ઓલરાઉન્ડર તરીકે રમતો હતો, પરંતુ માત્ર બેટ્સમેન તરીકે તે જગ્યા નથી બનાવી શક્યો. પંડયાએ કહ્યું કે તે IPLની આગામી સીઝનમાં બોલિંગ કરવાનો પ્રયાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.