• Gujarati News
  • Sports
  • Cricket
  • Pujara Rahane's Poor Form Is A Matter Of Concern, How Long Will The Team Carry The Burden Of Both ?; The Hashtag 'PURANE' Is Trending

પૂજારા-રહાણેનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય:યુઝર્સે કહ્યું- શું આ સરકારી નોકરી છે? ટીમ ક્યાં સુધી બંનેનો ભાર ઉઠાવશે; #PURANE ટ્રેન્ડિંગ

14 દિવસ પહેલા

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા ફરીથી ફેલ થયા છે. આ બંને બેટરનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સોમવારે મેચના પહેલા દિવસે પણ ઈન્ડિયન ટીમે એક જ ઓવરમાં પૂજારા અને રહાણેની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ચોંકાવનારી વાત તો એ રહી છે કે કેટલાક બોલર્સની બેટિંગ એવરેજ પણ આ બંને ખેલાડી કરતાં વધારે છે, જેને કારણે હવે આ બેટરના ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. તો ચલો, આપણે રહાણે-પૂજારાનાં પ્રદર્શન અને યુઝર્સની પ્રતિક્રિયા સામે નજર ફેરવીએ....

ઓસ્ટ્રેલિયા ટૂર પછી પૂજારાનાં વળતાં પાણી
જ્યારે પૂજારા ટીમમાં આવ્યો ત્યારે તેને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડના સ્થાને માનવામાં આવ્યો હતો અને તેને ધ વોલ પણ કહેવામાં આવતો હતો. જોકે ઘણીવાર ચાહકોએ તેનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે આ યોગ્ય નથી અને આટલી જલદી કોઈની સાથે સરખામણી ન કરવી જોઈએ.

હવે પૂજારાનું છેલ્લા એક વર્ષમાં અથવા તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછીનું પ્રદર્શન જોઈએ તો સૌથી ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં ગત વર્ષની શાનદાર ઇનિંગ્સ બાદ પૂજારા હાઈસ્કોર નોંધવવામાં સતત નિષ્ફળ રહ્યો છે. ધીમી બેટિંગને કારણે તે ઘણીવાર ટ્રોલ પણ થયો છે.

વર્ષ 2021માં પૂજારાએ 14 ટેસ્ટમાં 28.08ની એવરેજથી 702 રન કર્યા હતા. તેણે ચોક્કસપણે 6 ફિફ્ટી ફટકારી હતી, પરંતુ સ્ટ્રાઈક રેટ 34.17નો હતો. આવી સ્થિતિમાં તેનું સ્થાન પણ જોખમમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં પૂજારાએ પહેલી ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં 16 રન કર્યા હતા. એ જ સમયે પૂજારા આ ટેસ્ટમાં માત્ર ત્રણ રન કરી શક્યો હતો.

ચેતેશ્વર પૂજારા છેલ્લી 44 ઈનિંગથી સદી મારી શક્યો નથી

  • અજિંક્ય રહાણે 10મી વાર શૂન્ય રને આઉટ.
  • રહાણે પણ છેલ્લી 24 ઈનિંગથી સદી મારી શક્યો નથી.
  • રહાણેને આઉટ કરી ડેન ઓલિવિયરે પોતાની 50મી ટેસ્ટ વિકેટ લીધી.
  • સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારો ઓલિવિયર (1486 બોલ) બીજો આફ્રિકન બોલર બની ગયો છે. જેમાં પહેલો નંબર વર્નન ફિલેન્ડર (1240 બોલ)નો આવે છે.

રહાણે ગત વર્ષે ફેલ, વાઈસ કેપ્ટનશિપ પણ ગુમાવી
ગત વર્ષે રહાણેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. તેણે 13 ટેસ્ટની 23 ઈનિંગમાં 20.82ની એવરેજથી 479 રન કર્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 43.40 રહ્યો અને સર્વશ્રેષ્ઠ સ્કોર 67 રહ્યો છે. આ ઈનિંગ દરમિયાન તેણે 2 વાર 50+ સ્કોર નોંધાવ્યો છે. તેના આ ખરાબ ફોર્મને પરિણામે જ રહાણેએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાંથી વાઈસ કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી.

હવે રહાણે સામે પણ સવાલો ઊઠ્યા છે અને તેના સ્થાને શ્રેયસ અય્યરને તક આપવા માટે ફેન્સ ટકોર કરી રહ્યા છે. અત્યારે ફેન્સ શ્રેયસને ફરીથી ટીમમાં પસંદ કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે અનુભવના નામે ક્યાં સુધી રહાણેને તક મળતી રહેશે અને તે નિષ્ફળ જતો રહેશે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં રહાણેએ પહેલી ઈનિંગમાં 48 અને બીજીમાં 20 રન કર્યા હતા, પરંતુ જોહાનિસબર્ગની પહેલી ઈનિંગમાં તે 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

કરિયર બચાવવા માટે પૂજારા અને રહાણે પાસે છેલ્લી તક- ગાવસ્કર
મેચમાં કોમેન્ટરી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે આ બંને અનુભવી બેટર પાસે હવે માત્ર 1 ઈનિંગ જ છે. જો તેઓ આ મેચમાં ફરીથી ફેલ થશે તો ઘણા યુવા ખેલાડીઓ ઈન્ડિયન ટીમમાં પસંદગી પામવા માટે મહેનત કરી રહ્યા છે, તેમને સિલેક્ટર્સ એન્ટ્રી આપી શકે છે. હવે તેમનું પ્રદર્શન ભારતની આગામી ઈનિંગ સામે નિર્ભર કરે છે. અયાઝ મેમણે પણ ટ્વીટ કરી રહાણે અને પૂજારા માટે આ મેચ કરો અથવા મરોના જંગ સમાન રહેશે એની માહિતી આપી હતી.

શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ સારો વિકલ્પ
ઈન્ડિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શિપના બીજા ફેઝામાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ અત્યારે કેટલાક અનુભવી બેટરની ભૂલો બોલિંગ ડિપાર્ટમેન્ટ છાવરી લે છે. જો કોઈ મેચમાં અથવા નિર્ણાયક મેચમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ ફેલ રહેશે ત્યારે પૂજારા અને રહાણે જેવા અનુભવી ખેલાડીનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય બની શકે છે.

હવે જો વિકલ્પોની વાત કરીએ તો પૂજારા અને રહાણેના સ્થાને શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવને તક આપવી જોઈએ. અય્યરે તો 2 મેચમાં 202 રન કરી 1 સદી અને 1 ફિફ્ટી પણ મારી છે. આ દરમિયાન તેની એવરેજ 50.5 રનની છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ઈજાગ્રસ્ત
દ.આફ્રિકા ટૂર પહેલાં જ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, તેથી તે આખા પ્રવાસમાં આવશે નહીં. તેવામાં હવે વિરાટ કોહલી બીજી ટેસ્ટમાંથી બહાર થતાં પૂજારા અને રહાણેને વધુ એક તક મળી ગઈ છે. જોકે આ લાંબો સમય સુધી ચાલશે નહીં, કારણ કે જ્યારે ભારત બીજી ટેસ્ટ સિરીઝ રમશે ત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી હાજર હશે તેવામાં સિલેક્ટર્સ સામે કોની પસંદગી કરવી એ પડકારરૂપ રહેશે.

વિરાટ અને રોહિતનું સ્થાન નિશ્ચિત છે, તેવામાં હવે મયંક અગ્રવાલ, હનુમા વિહારી અને શ્રેયસ અય્યરમાંથી કોઈ ખેલાડીને પહેલા તક મળી શકે છે. આ દરમિયાન જો કોઈ બેટર ઈજાગ્રસ્ત થયો તો સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થઈ શકે છે. રિષભ પંત પણ ઓસ્ટ્રેલિયા ટૂર પછી કંઈ ખાસ પ્રદર્શન દાખવી શક્યો નથી. તેવામાં વિકેટકીપર તરીકે પણ ટીમ કોમ્બિનેશમાં ફેરફાર થઈ શકે છે.

ફેન્સ ભડક્યા...
સોશિયલ મીડિયામાં ફેન્સ પૂજારા અને રહાણેની જોડીને 'PURANE' (પુરાને) તરીકે સંબોધી ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સના મત મુજબ હવે આ 2 બેટરને વધારે તક ન આપી યુવા ખેલાડીને ટીમમાં પસંદ કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...