પૃથ્વી શોએ રણજીમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી:400 રન બનાવવાથી થોડો ચૂકી ગયો, રણજી ટ્રોફીના ઈતિહાસની બીજી સૌથી મોટી ઇનિંગ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના ઓપનર પૃથ્વી શોએ રણજી ટ્રોફી કરિયરમાં પોતાની પહેલી ત્રિપલ સેન્ચુરી ફટકારી છે. તેણે 383 બોલમાં 379 રનની ઇનિંગ રમી હતી. આ રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજી સોથી મોટી ઇનિંગ છે. આ પહેલા 1948-49 સિઝનમાં બીબી નિંબાલકરે મહારાષ્ટ્ર તરફથી રમતા નોટઆઉટ 443 રનની ઇનિંગ રમી હતી.

પૃથ્વી શોનો સ્કોર રણજી ટ્રોફીમાં ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર છે. તેણે ત્રિપુરા તરફથી રમતા સમિત ગોહેલનો રેકોર્ડ તોડ્યો હતો. સમિત ગોહેલે 2016માં ગુજરાત તરફથી રમતા ક્વાર્ટર ફાઈનલમાં ઓડિશા સામે નોટઆઉટ 359 રનની ઇનિંગ રમી હતી.

326 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી, માત્ર 4 છગ્ગા માર્યા
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પહેલા દિવસે મુંબઈએ પહેલી બેટિંગ કરતાં 2 વિકેટે 397 રન બનાવ્યા હતા. દિવસના અંતે પૃથ્વી શો 240 રને નોટઆઉટ રહ્યો હતો. આજે પહેલા સેશનમાં જ તેણે 326 બોલમાં જ ત્રેવડી સદી પૂરી કરી હતી. તે 379 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 49 ચોગ્ગો અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

રણજી ટ્રોફીમાં આ તેનો બેસ્ટ સ્કોર પણ છે. આની પહેલા તેણે 2019-20ના રણજી સિઝનમાં બરોડા સામે 202 રન બનાવ્યા હતા. મુંબઈએ 687 રને 4 વિકેટના નુક્સાને ઇનિંગને ડિક્લેર કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણેએ 302 બોલમાં 191 રન બનાવ્યા હતા.

સંજય માંજરેકરનો 33 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
આ ઇનિંગની સાથે જ પૃથ્વીએ રણજી ટ્રોફીમાં મુંબઈના કોઈ ખેલાડીએ સૌથી મોટો સ્કોરનો પણ રેકોર્ડ બનાવ્યો છે. આની પહેલા 1990-91ની સિઝનમાં સંજય માંજરેકરે મુંબઈ તરફથી રમતા હૈદરાબાદનીન સામે 377 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈની ટીમ આ સિઝનની 4માંથી 2 મેચ જીતીને એલિટ ગ્રુપમાં બીજા નંબરે છે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમ પહેલા નંબરે છે. આ ગ્રુપની ટૉપ-2 ટીમ નોકઆઉટ રાઉન્ડ રમશે.