ભારત વિ. ન્યૂઝીલેન્ડ:ઈડનમાં બેન્ચ સ્ટ્રેન્થને તક મળવાની શક્યતા

કોલકાતા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીરિઝની અંતિમ મેચ આજે સાંજે 7 વાગ્યાથી
  • ઈડન ગાર્ડનમાં 3 વર્ષ બાદ ટી-20 ઈન્ટરનેશનલ મેચ ​​​​​​​

ઐતિહાસિક સ્થળ ઈડન ગાર્ડનમાં 3 વર્ષ બાદ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ અહીં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-0થી આગળ છે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં બેન્ચ સ્ટ્રેન્થને તક આપી શકે છે.

આ મેચમાં ઈશાન, આવેશ અને ચહલને તક મળી શકે છે. ભારતે સંપૂર્ણ સીરિઝ દરમિયાન ઓલરાઉન્ડ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કર્યું છે. ઈડન ગાર્ડન પર 70 ટકા દર્શકોની હાજરીમાં મેચ રમાશે.

રોહિતે ‘સિટી ઓફ જૉય’ તરીકે જાણીતા કોલકાતામાં જ વન-ડેમાં 264 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. ત્રીજી ઈન્ટરનેશનલમાં ટીમને જીત અપાવી તે કેપ્ટન્સી યુગને વધુ શાનદાર શરૂઆત આપવા માગશે. આ ઉપરાંત ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં વધારો થશે.

બીજી તરફ ન્યૂઝીલેન્ડનો કાર્યક્રમ વ્યસ્ત રહ્યો છે. તેમણે 2 સપ્તાહથી ઓછા સમયમાં 5 મેચ રમવી પડી છે. તેના કારણે ખેલાડીઓ પર થાકની અસર જોવા મળી રહી છે. નિયમિત કેપ્ટન વિલિયમ્સનની ગેરહાજરીમાં કિવી ટીમની બેટિંગ નબળી લાગી રહી છે.

ઝાકળને કારણે ફરી ટોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે
કોલકાતામાં પણ ઝાકળને કારણે મેચ પર અસર જોવા મળી શકે છે. ગત 2 મેચની જેમ અહીં પણ એન્ટી-ડ્યૂ સ્પ્રેનો ઉપયોગ કરાશે. ટોસ જીતનાર ટીમ બોલિંગનો વિકલ્પ પસંદ કરે છે. આ પિચ આમ તો બેટિંગ ફ્રેન્ડલી રહે છે, પરંતુ અહીં મોટા સ્કોર વધુ જોવા મળતા નથી. ટી-20 ઈન્ટરનેશનલમાં આ મેદાન પર એવરેજ સ્કોર 142નો રહ્યો છે. અહીં ભારતે 3 મેચ રમી છે, જેમાંથી તેણે 2 મેચ જીતી છે અને 1 ગુમાવી છે. ભારતને 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી 2016માં પાક.ને 6 વિકેટે અને 2018માં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...