• Gujarati News
  • Sports
  • Cricket
  • PM Modi And Australian PM May Visit To Watch India Vs Australia Fourth Test Of Border Gavaskar Trophy In Narendra Modi Stadium

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા PM મોદી આવી શકે છે:ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદમાં 9મી માર્ચે સ્ટેડિયમમાં હાજર રહી શકે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન 9મી માર્ચે અમદાવાદમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ જોવા ભારતના PM નરેન્દ્ર મોદી પણ ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી શકે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 8મી માર્ચે અમદાવાદ આવશે અને આ પછી કદાચ બન્ને દેશના PM ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝની ચોથી ટેસ્ટ મેચ જોઈ શકે છે. આ પછી એ જ દિવસે અલ્બેનીઝ મુંબઈ જશે અને ત્યાંથી દિલ્હી જશે, જ્યાં પછી વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વાર્ષિક શિખર સંમેલન યોજશે, એમાં બન્ને દેશની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારક્ષેત્ર પર ચર્ચા થઈ શકે છે.

તેમના નામનું સ્ટેડિયમ બન્યા પછી પહેલીવાર PM મોદી ત્યાં આવી શકે છે
જો PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં જોવા માટે આવી શકે છે. PM મોદી તેમના નામનું સ્ટેડિયમ બન્યા પછી પહેલીવાર સ્ટેડિયમમાં હાજર રહેશે. ત્યારે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં આ બન્ને દેશના વડાપ્રધાન હાજર રહેવાની સંભાવના હોવાથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન PM એન્થની એલ્બેનીઝનો ભારત પ્રવાસ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના PMના ભારત પ્રવાસ વિશે વાત કરવા ગયા હતા. જોકે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે આ વાતનો એ ઉપરથી અંદાજો લગાડી શકાય, કારણ કે અલ્બેનીઝે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે ' હું આવતા અઠવાડિયે ભારતના પ્રવાસે છું. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારી, આર્થિક તકો અને બન્ને દેશના લોકો વચ્ચેના સંબંધો, જે આપણા રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવે છે એના પર ચર્ચા કરીશું.'

ચીનની વધતી જતી સૈન્ય અને ઈન્ડો-પેસિફિક વિશે વાત થઈ શકે છે
લોકોએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ચીનની વધતી જતી સૈન્ય મસલ-ફ્લેક્સિંગની વાત અને ઈન્ડો-પેસિફિકમાં સહકારને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ભારત પ્રવાસ વખતે વાતચીત થવાની સંભાવના છે. લોકોનું માનવું છે કે વડાપ્રધાન મોદી અને અલ્બેનીઝ વચ્ચેની વાટાઘાટોના એજન્ડામાં વેપાર, મૂડીરોકાણ અને જટિલ ખનિજોને પ્રોત્સાહન આપવાનું મુખ્ય રહેશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) ડિસેમ્બરમાં અમલમાં આવ્યો હતો અને એ ટુ-વે ટ્રેડના નોંધપાત્ર વિસ્તરણને સરળ બનાવવાની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...