ભારત-પાકિસ્તાન વચ્ચે દર વર્ષે મુકાબલો થશે:PCB પ્રમુખ રમીઝ રાજા 4 દેશ વચ્ચે ટી-20ની સુપર સીરિઝ રમાડવા માટે ICC સમક્ષ પ્રસ્તાવ મૂકશે

8 દિવસ પહેલા
  • 4 દેશમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ હશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે બંને દેશના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ભારત- પાકિસ્તાન રાજદ્વારી સંબંધોને કારણે બંને વચ્ચે કોઈ સિરીઝ રમાતી નથી. બંને ટીમ માત્ર ICC ઈવેન્ટ્સમાં જ એકબીજા સાથે ટકરાય છે. આ મેચ 2 વર્ષ અને 4 વર્ષ પછી યોજાય છે.

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝને લઈને મોટી પહેલ કરી છે. તે આઈસીસીની સામે એક પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છીએ, જેને સ્વીકારવામાં આવે તો બંને દેશ વચ્ચે દર વર્ષે ટી-20 મેચની સિરીઝ રમાશે.

રમીઝ રાજા આઈસીસી સમક્ષ ચાર દેશ વચ્ચે ટી-20 મેચની સુપર સીરિઝ રમાડવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છે, જે દર વર્ષે એકવાર રમાશે. આ સિરીઝમાં ભારત, પાકિસ્તાન ઉપરાંત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો હશે. આયોજક દેશ દર વર્ષે બદલાતો રહેશે. PCB ચીફ ICCની આગામી બેઠકમાં આ સિરીઝનો પ્રસ્તાવ મૂકશે.

રમીઝ રાજાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી
રમીઝ રાજાએ ટ્વીટ કરીને લખ્યું, 'દર વર્ષે અમે 4 દેશ - ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ટૂર્નામેન્ટના આયોજન બાબતે વિચાર કરી રહ્યા છીએ. એનો પ્રસ્તાવ ટૂંક સમયમાં જ ICC સમક્ષ મૂકવામાં આવશે. આ ટૂર્નામેન્ટ્સનું આયોજન એક બાદ એક ચારેય દેશમાં કરવામાં આવશે.

છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં બંને ટીમ આમને-સામને હતી
2021ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનની ટીમે ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. 1992ના વન-ડે વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી ભારતનો પહેલા કેપ્ટન બન્યો હતો, જેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી ગઈ હતી.

1992થી 2021 દરમિયાન T20 અને વન-ડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 13 વખત મુકાબલો થયા છે, જેમાંથી ભારતે 12 અને પાકિસ્તાને 1 મેચ જીતી છે.

અન્ય સમાચારો પણ છે...