પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું છે કે 'જો 2023 એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય તો તેમની ટીમ ટૂર્નામેન્ટ નહીં રમે. ટૂર્નામેન્ટનું સ્થળ માત્ર એટલા માટે ન બદલવું જોઈએ કારણ કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ન આવી શકે. જો ભારત નહીં આવે તો તે યોગ્ય નથી, પરંતુ જો સ્થળ બદલાશે તો સૌથી પહેલા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે.'
હોસ્ટિંગ રાઇટ્સ ભીખમાં નથી મળ્યા
રાવલપિંડીમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ મેચ દરમિયાન પીસીબી ચીફે કહ્યું કે 'અમે ટૂર્નામેન્ટની યજમાની કરવા માટે મરી રહ્યા નથી. અમને ભીખ હોસ્ટિંગ રાઇટ્સ ભીખમાં મળ્યા નથી. ICCની ન્યાયી પ્રક્રિયાથી અમને એશિયા કપની યજમાનીની જવાબદારી મળી છે.'
એશિયા કપ 50 ઓવરનો હશે
2023 એશિયા કપ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે. આ પછી ઓક્ટોબરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. વન-ડે વર્લ્ડ કપને કારણે આ વખતે એશિયા કપ 20 ઓવરની જગ્યાએ 50 ઓવરનો હશે. છેલ્લો એશિયા કપ ઓગસ્ટ 2022માં UAEમાં યોજાયો હતો. જોકે તેના હોસ્ટિંગ રાઇટ્સ શ્રીલંકાની પાસે હતા. તેમના દેશમાં આવેલી રાજકીય કટોકટીના કારણે સ્થળ બદલવું પડ્યું હતું.
ACC ચીફે કહ્યું- ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે
એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે કહ્યું હતું કે રાજકીય કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જઈ શકે. એશિયા કપના હોસ્ટિંગ રાઇટ્સ પાકિસ્તાન પાસે છે, પરંતુ ટૂર્નામેન્ટનું સ્થાન બદલીને તટસ્થ સ્થળોએ પણ મેચ યોજી શકાય છે. જય શાહ BCCIના સેક્રેટરી પણ છે.
પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ પણ નહીં રમે!
જય શાહના નિવેદન પછી ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે 'ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીને પાકિસ્તાન મોકલવા અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલયની પરવાનગી પછી જ લેવામાં આવશે.' આ પછી PCB ચીફે કહ્યું હતું કે, 'જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં નહીં રમે.'
ટીમ ઈન્ડિયા 2008થી પાકિસ્તાન ગઈ નથી
ટીમ ઈન્ડિયા છેલ્લી વખત 2008માં એશિયા કપ રમવા પાકિસ્તાન ગઈ હતી. તો પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ રમવા માટે 2016માં છેલ્લી વખત ભારત આવી હતી. 2022માં બન્ને ટીમ 3 વખત આમને-સામને આવી ચુકી છે. બન્ને દેશ એશિયા કપમાં દુબઈમાં બે વખત અને T20 વર્લ્ડ કપમાં મેલબોર્નમાં એક વખત આમને-સામને ટકરાઈ હતી.
છેલ્લી બાઈલેટરલ સિરીઝ 2012માં રમાઈ હતી
2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં બાઈલેટરલ સિરીઝ રમાઈ નથી. ત્યારે પાકિસ્તાન 3 વન-ડે અને 2 T20 રમવા ભારત આવ્યું હતું. તો ટીમ ઈન્ડિયા છેલ્લે 2007માં ટેસ્ટ સિરીઝ રમવા માટે પાકિસ્તાન ગઈ હતી. 2012 પછી, બન્ને ટીમ માત્ર ICC મલ્ટી-નેશન ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં સામ-સામે રમી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.