PAK-BAN મેચનો લાસ્ટ ઓવર ડ્રામા:બોલ્ડ થયા બાદ પણ પિચ પરથી ખસ્યો નહી નવાઝ, પછી છેલ્લા બોલે ચોગ્ગો મારી જીત અપાવી

14 દિવસ પહેલા

સોમવારે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી, જે પાકિસ્તાને છેલ્લા બોલ પર 5 વિકેટે જીતી લીધી હતી. PAK ચોક્કસપણે મેચ જીતી ગયું, પરંતુ છેલ્લી ઓવર કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નહોતી. વાસ્તવમાં પાકિસ્તાનને છેલ્લા 6 બોલમાં 8 રનની જરૂર હતી. પ્રથમ 5 બોલમાં માત્ર 6 રન બનાવી શક્યા અને 3 વિકેટ પડી. હવે અંતિમ બોલ પર બંને ટીમોની જીત-હારનો નિર્ણય થવાનો હતો, પરંતુ તે પહેલા જ આ બોલ પર મોટો ડ્રામા સર્જાયો હતો.

મહમુદુલ્લાહે છઠ્ઠો બોલ નાખ્યો, પરંતુ મોહમ્મદ નવાઝ અચાનક જ દૂર થઈ ગયો અને બોલ સ્પમ્પ સાથે અથડાયો અને નવાઝ બોલ્ડ થયો. આના પર BAN ટીમના ખેલાડીઓએ અપીલ કરી હતી, જેને અમ્પાયરે ઠુકરાવી દીધી હતી. બાદમાં અમ્પાયરે બોલને ડેડ બોલ ગણાવ્યો હતો. હવે મહમુદુલ્લાહ ફરીથી બોલિંગ કરવા માટે તૈયાર હતો, પરંતુ તે બોલિંગ કરે તે પહેલા નોન-સ્ટ્રાઈકરના છેડે રોકાઈ ગયો, એવું લાગતું હતું કે તે નોન સ્ટ્રાઈકર પર ઊભેલા ખુશદિલને માંકડ કરવા માગતો હતો.

જો કે, તેણે તેમ ન કર્યું અને ખુશદિલને ઈશારામાં ચેતવણી આપીને છોડી દીધો. બાંગ્લાદેશી કેપ્ટને ફરી બોલ નાખ્યો અને આ વખતે નવાઝે ફોર ફટકારીને ટીમને જીત અપાવી.

મહમુદુલ્લાહે ખુલાસો કર્યો
મેચ પૂરી થયા બાદ મહમુદુલ્લાહે પોતાના નિવેદનમાં કહ્યું- 'મેં અમ્પાયરને પૂછ્યું કે શું આ બોલ યોગ્ય હતો, કારણ કે નવાઝ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. અમ્પાયરે તેને ડેડ બોલ આપ્યો અને અમે અમ્પાયરોના નિર્ણયનું સન્માન કરીએ છીએ. હા, આ હાર અમારા માટે ખૂબ જ ખરાબ હતી. અમે જીતની ખૂબ જ નજીક પહોંચ્યા, પરંતુ કમનસીબે જીત નોંધાવી શક્યા નહીં.

નવાઝે પણ પોતાનો બચાવ કર્યો અને કહ્યું- 'હું નીચે જોઈ રહ્યો હતો અને મહમુદુલ્લાહે બોલ ડિલીવર કર્યો. જ્યારે બોલ અડધે આવી ગયો ત્યારે મેં બોલ જોયો, તેથી હું દૂર ગયો.

ફેન્સ નાખુશ થયા
મોહમ્મદ નવાઝના આવુ કર્યા બાદ ફેન્સ ખૂબ જ નાખુશ હતા. સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે લખ્યું - તમે જે કર્યું તે સંપૂર્ણપણે ખોટું છે. બોલ પિચ કર્યા પછી કોઈ બહાર નથી થઈ શકતું. તમે ક્રિકેટની રમત જીતી લીધી, પરંતુ મહમુદુલ્લાએ ન તો સમીક્ષા કરી અને ન તો ઈનકાર કરીને લાખો લોકોના દિલ જીતી લીધા.

3-0થી જીત્યું PAK
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પાકિસ્તાન સામે 125 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને પાકિસ્તાનની ટીમે છેલ્લા બોલે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં વિજય સાથે પાકિસ્તાને 3 મેચમાં 3-0થી શ્રેણી જીતીને પોતાના નામે કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...