તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistan Team To Come To India After 5 Years, Government Preparing To Issue Visa To Pakistan Cricket Team

ટી-20 વર્લ્ડકપ:5 વર્ષ પછી પાકિસ્તાન ટીમ ભારત આવશે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને વિઝા આપવાની તૈયારીમાં સરકાર

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનલ મેચ મોદી સ્ટેડિયમમાં રમાશે
  • ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડકપ રમાશે, અમદાવાદ સહિત નવ શહેરોમાં મેચ
  • ક્રિકેટ બોર્ડે કહ્યું- ટીમ અને મીડિયાને વિઝા મળી શકશે, દર્શકોને નક્કી નહીં

આ વર્ષે દેશમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભારત સરકાર પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાકર્મીઓને વિઝઆ આપવા તૈયાર થઈ ગઈ છે. બીસીસીઆઈએ શુક્રવારે કરેલી વર્ચ્યુઅલ મીટિંગમાં એપેક્સ કાઉન્સિલને આ માહિતી આપી હતી.

બોર્ડના મતે, પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવા કેન્દ્રએ લીલી ઝંડી આપી દીધી છે. જોકે, ચાહકોને મેચ જોવાની છૂટ અપાશે કે નહીં, એ અંગે અંતિમ નિર્ણય નથી લેવાયો. આ બેઠકમાં સામેલ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ આઈસીસી ઈવેન્ટ છે. તેને જોતા સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાને વિઝાની મંજૂરી આપી છે.

આગામી દિવસોમાં આ મુદ્દે ચર્ચા થશે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહેસાન મનીએ કહ્યું હતું કે, બીસીસીઆઈએ 31 માર્ચ સુધી પાકિસ્તાની ટીમને વિઝા આપવા મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ. ત્યાર પછી 1 એપ્રિલે આઈસીસીએ બોર્ડ મીટિંગમાં આ વિવાદ એક મહિનાની અંદર ઉકેલવાની ખાતરી આપી હતી.

પાંચ વર્ષ પહેલા પાક. ટીમ ભારતમાં રમી હતી
પાકિસ્તાન ટીમ છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. 25 માર્ચ, 2016ના રોજ છેલ્લીવાર મોહાલીમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે રમ્યું હતું. તે ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારતમાં 4 મેચ રમી હતી. ભારત વિરુદ્ધ ભારતમાં જ બે દેશની ટુર્નામેન્ટ રમવા પાકિસ્તાન ટીમ છેલ્લે 2012-13માં આવી હતી, ત્યારે પાકિસ્તાને ત્રણ વન-ડે મેચની સિરીઝમાં 2-1થી જીત હાંસલ કરી હતી.
ટી-20 વર્લ્ડ કપ માટે 9 સ્થળ નક્કી કરાયા
આ દરમિયાન બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોતા ટૂર્નામેન્ટના આયોજનને લઈને પણ વાત થઈ. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટની તૈયારી શરૂ કરીને કુલ નવ સ્થળ પસંદ કર્યા છે. હાલ ફાઈનલ માટે અમદાવાદ પસંદ કરાયું છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાલા, કોલકાતા અને લખનઉ પણ સામેલ છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, હાલ કેટલાક સ્થળ શોર્ટલિસ્ટ કરાયા છે, પરંતુ આખરી નિર્ણય ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોઈને લેવાશે.