શુભમન ગિલે બનાવ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ:તેંડુલકર, ઈશાન અને ફખર ઝમનને પાછળ રાખી દીધા; રોહિત કહેવાશે 'સિક્સર કિંગ'

18 દિવસ પહેલા

ભારતે ત્રણ વનડે સિરિઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં બેટર શુભમન ગિલની બેવડી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે માત્ર 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ભારતીય બેટર અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. આ ઇનિંગ દરમિયાન ગિલે ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. આવો જાણીએ આ તમામ રેકોર્ડ વિશે વિગતવાર...

ગિલના આ છે ત્રણ રેકોર્ડ

1. બેવડી સદી કરનાર સૌથી યુવા પ્લેયરનો રેકોર્ડ
2. 19મી ઇનિંગ પછી સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ
3. ન્યૂઝીલેન્ડ સામે સૌથી લાંબી ઇનિંગ રમવાનો રેકોર્

પહેલો વર્લ્ડ રેકોર્ડ - ડબલ સેન્ચુરી બનાવનાર સૌથી યુવા ખેલાડી
શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટર છે. કુલ 8 બેટરોએ મળીને 10 બેવડી સદી ફટકારી છે. આમાં ગિલ આ સિદ્ધિ મેળવનાર સૌથી યુવા બેટર બની ગયો છે. તેણે 23 વર્ષ 132 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. ગ્રાફિક્સમાં બેવડી સદી ફટકારનાર ટોપ-3 સૌથી યુવા બેટર જુઓ...

સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય
ગિલે આ ઇનિંગ દરમિયાન ODI ક્રિકેટમાં પોતાના એક હજાર રન પૂરા કર્યા છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન સુધી પહોંચનાર ભારતીય બેટર બની ગયો છે. ગિલે 19 વનડેની 19 ઇનિંગ્સમાં આ પરાક્રમ કર્યું છે. અગાઉનો ભારતીય રેકોર્ડ વિરાટ કોહલી અને શિખર ધવનના નામે હતો. બંનેએ 24-24 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. આગળના ગ્રાફિક્સમાં જુઓ કે ODIમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર વિશ્વના ટોચના બેટર કોણ છે.

બીજો વર્લ્ડ રેકોર્ડ - 19 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન
ગિલે 19 ઇનિંગ્સ પછી વિશ્વમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હવે તેના નામે 1102 રન છે. તેણે પાકિસ્તાનના ફખર ઝમનનો રેકોર્ડ તોડ્યો છે. ઝમને 19 ઇનિંગ્સ બાદ 1089 રન બનાવ્યા હતા.

ત્રીજો વર્લ્ડ રેકોર્ડ - ન્યૂઝીલેન્ડ સામેની સૌથી મોટી ODI ઇનિંગ
ગિલે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાના જ દેશના પૂર્વ દિગ્ગજ બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. ગ્રાફિકમાં જુઓ કે કીવી ટીમ સામેની ODI મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ-3 બેટર કોણ છે.

ગિલે એકલાએ 59.77% રન બનાવ્યા
ગિલે એકલા હાથે ભારતની ઇનિંગ્સનો 59.77% સ્કોર કર્યો. ભારતીય બેટર દ્વારા વનડે મેચમાં આ ત્રીજું સૌથી વધુ યોગદાન છે. કપિલ દેવ (65.78%) પ્રથમ અને રોહિત શર્મા (65.34%) બીજા ક્રમે છે. કપિલે આ રેકોર્ડ 1983 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 175 રનની અણનમ ઇનિંગ દરમિયાન બનાવ્યો હતો. તે જ સમયે, રોહિતે 2014માં શ્રીલંકા સામે 264 રનની ઇનિંગ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતમાં સૌથી વધુ સિક્સ રોહિતના નામે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હવે ભારતમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટર બની ગયા છે. રોહિતના નામે 125 સિક્સર છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીએ ભારતમાં 123 સિક્સ ફટકારી હતી. યુવરાજ સિંહ 71 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...