ભારત વિ. ન્યૂઝીલેન્ડઃ:બેક-અપ ક્ષમતાને ચકાસવાની તક

મુંબઈ3 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • પ્રથમ ટેસ્ટ આજ સવારે 9.30થી કાનપુરમાં, અહીં 5 વર્ષમાં પ્રથમ ટેસ્ટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનની ફાઈનલિસ્ટ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો ગુરુવારથી ફરી ક્રિકેટના લાંબા ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. આ ભારતની બીજી સિઝનમાં બીજી જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ સીરિઝ છે. વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને રનરઅપ ભારત વચ્ચે કાનપુરના ગ્રીનપાર્ક ખાતે 2 મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ રમાશે. આ મેદાન પર 2016 બાદ પ્રથમ ટેસ્ટ રમાશે.

અહીં અંતિમ 2 ટેસ્ટ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ નબળી લાગી રહી છે, પરંતુ ભારતીય ટીમ પણ ઘણા સ્ટાર્સ વિના મેદાનમાં ઉતરશે. ઓપનર રોહિત, રાહુલ, નિયમિત કેપ્ટન કોહલી, રિષભ પંત અને બોલરોમાં શમી-બુમરાહ ટીમમાં નથી. તેથી કોચ દ્રવિડ પાસે બેક-અપ બેન્ચ સ્ટ્રેન્થની ક્ષમતા ચકાસવાની તક છે. આ સીરિઝ બાદ ભારત દ.આફ્રિકા પ્રવાસે જશે. તે ટૂર પહેલા ખેલાડીઓના પ્રદર્શન પર નજર રહેશે. મયંક, પૂજારા અને રહાણે પર મોટી ઈનિંગ્સ રમવાનું દબાણ રહેશે.

શ્રેયસ ભારતનો 303મો ટેસ્ટ ખેલાડી બનશે
કેપ્ટન રહાણેએ પૃષ્ટિ કરી છે કે, શ્રેયસ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. તે ભારતનો 303મો ટેસ્ટ ખેલાડી બનશે. શ્રેયસનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ સારો છે. તેણે 54 મેચમાં 4592 રન કર્યા છે, જેમાં 12 સદી અને 23 અડધી સદી છે. તેની એવરેજ 52.18ની અને સ્ટ્રાઈક રેટ 81.5નો રહ્યો છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 202* છે.

કેપ્ટન રહાણે અને ચેતેશ્વર પૂજારાના ફોર્મ પર રહેશે નજર
કેપ્ટન રહાણે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. સિઝનની 11 ટેસ્ટમાં તેની એવરેજ 19ની રહી છે. નેટ્સમાં પણ રહાણેનો આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો નહીં. તે જયંત યાદવના ઓફ બ્રેક પર હુક કરવાના પ્રયાસમાં બોલ્ડ થયો. નેટ બોલર શિવમ માવીનો બાઉન્સર તેને છાતીએ વાગ્યો. પૂજારાના પણ 22 મેચ (1055 દિવસ)માં સદી ફટકારી નથી. તેણે 3 જાન્યુઆરી 2019ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 193 રનની ઈનિંગ્સ રમી.

તાકાતઃ અશ્વિન અને જાડેજા સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે

  • ભારતની તાકાત સ્પષ્ટ રીતે સ્પિન બોલિંગ છે. ઘરેલું મેદાન પર રમવા તેમણે પાવર પેક સ્પિન બોલિંગ લાઈન અપની પસંદગી કરી છે. તેમની પાસે બોલિંગમાં ઘમા વિકલ્પ છે. રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિન હંમેશની જેમ મહત્ત્વપૂર્ણ રહેશે. અક્ષર પટેલનો સાથ તેમને મળશે. ઉમેશ-સિરાજના પ્રદર્શન પર પણ નજર રહેશે.
  • બીજી તરફ ન્યૂઝીલેન્ડની તાકાત ઓલરાઉન્ડ રમત છે. જેના દમ પર જ તે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તેના સ્પિનર ભલે મજબૂત ના હોય પરંતુ લડત આપવા સક્ષમ છે. બોલ્ટ અને કૉનવેની ગેરહાજરીમાં અન્ય ખેલાડી પાસે તક રહેશે. ટોમ બ્લન્ડેલના પ્રદર્શન પર નજર રહેશે.

નબળાઈઃ ભારત-ન્યૂઝીલેન્ડ બંને ટીમમાં અનુભવી ખેલાડીઓ ઓછા

  • ભારતની લાઈનઅપમાં અનુભવી ખેલાડીઓ ન હોવાથી તે ટીમની નબળાઈ બની શકે છે. કોહલી, રાહુલ, રોહિત, પંત, બુમરાહ-શમી ટીમમાં નથી. સિનિયર અને નિયમિત ખેલાડીઓની ગેરહાજરીથી ભારત માટે જીતવું સરળ નહીં હોય.
  • બીજી તરફ અનુભવી સ્પિનર્સ ના હોવા કિવી ટીમની નબળાઈ બની શકે છે. ન્યૂઝીલેન્ડે ભારતમાં અંતિમ ટેસ્ટ 1988-89માં મુંબઈમાં જીતી હતી. તે પછીથી કિવી બેટર ભારતીય પરિસ્થિતિમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...