ભારતીય ટીમ પર સંકટના વાદળો ઘેરાયા!:22 વર્ષ પછી ઈંગ્લેન્ડના ગઢમાં NZએ ટેસ્ટ શ્રેણી જીતી, ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું; WTC ફાઇનલ પહેલા કીવી ટીમની ગર્જના
- કીવી ટીમના કેપ્ટન ટૉમ લેથમે બીજી ઈનિંગમાં અણનમ 23 રન નોંધાવીને મેચ જીતાડી હતી
ન્યૂઝીલેન્ડની ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને એના જ ઘરમાં પરાસ્ત કર્યું છે. કીવી ટીમે ઈંગ્લેન્ડને 2 ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચમાં હરાવ્યું હતું. જેથી ન્યૂઝીલેન્ડે 1-0થી શ્રેણી પોતાને નામ કરી દીધી છે. આની સાથે ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. NZ પહેલા ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર યથાવત હતી. બીજી મેચમાં કેન વિસિયમ્સન ઇજાગ્રસ્ત હોવાથી ટૉમ લેથમ કેપ્ટનશિપ કરી રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડે 22 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આની પહેલા જુલાઈ 1999માં 2-1થી હરાવ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડની ટીમે 18 જૂનની WTC ફાઇનલ મેચ પહેલા આ જીત દાખવી છે. ફાઇનલ મેચમાં કીવી ટીમની ભારત સામે ટક્કર થશે.
મેચની ટાઇમ લાઇન
- બર્મિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યા પછી 303 રન બનાવ્યા હતા.
- જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 388 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
- કીવી ટીમે પ્રથમ ઇનિંગમાં જ 85 રનની લીડ મેળવી લીધી હતી.
- ઈંગ્લેન્ડની ટીમે બીજી ઇનિંગમાં 122 રન બનાવ્યા હતા અને ઓલઆઉટ થઈ ગઈ હતી.
- ન્યૂઝીલેન્ડની ટીમને મેચ જીતવા માટે 38 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં કીવીએ 2 વિકેટના નુકસાને 41 રન બનાવીને મેચ તથા શ્રેણી પોતાને નામ કરી હતી.
ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ
- પ્રથમ ઇનિંગમાં ઈંગ્લિશ ટીમના રોરી બર્ન્સ અને ડેન લૉરેન્સે 81-81 રનની ઇનિંગ રમી હતી.
- ત્યારપછી માર્ક વુડે 41 રન અને ડોમ સિબલીએ 35 રન બનાવ્યા હતા. જેથી ઇંગ્લેન્ડની ટીમ 303 રન બનાવી શકી હતી.
- ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 4 અને મેટ હેનરીએ 3 વિકેટ ઝડપી હતી.
- કીવીના સ્પિનર એજાઝ પટેલે 2 અને નીલ વેગરન 1 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ
- કીવી ટીમના 3 ખેલાડીઓએ પ્રથમ ઇનિંગમાં ફિફ્ટી મારી હતી. વિલ યંગે 82 રન, ડેવોન કૉનવે અને ટેલરે 80-80 રન બનાવ્યા હતા.
- ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઈનિંગમાં 388 રન બનાવ્યા હતા.
- ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્ક વુડ અને ઓલી સ્ટોને 2-2 વિકેટ ઝડપી હતી.
- જેમ્સ એન્ડરસન અને ડેન લૉરેન્સે 1-1 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ
- બીજી ઈનિંગમાં કીવીના બોલરનો દબદબો રહ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડે 30 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.
- કીવીના ફાસ્ટ બોલર મેટ હેનરી અને નીલ વેગનરે 3-3 વિકેટ ઝડપીને મધ્યક્રમના બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા.
- બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
- કીવીની ટીમને જીતવા માટે 38 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
- ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં માર્ક વુડે 29 તથા ઓલી પોપે 23 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગ
- 38 રનનો ટાર્ગેટ ચેઝ કરતા સમયે કીવીની ટીમે 10.5 બોલમાં 41 રન પર 2 વિકેટ ગુમાવીને મેચમાં જીત પ્રાપ્ત કરી હતી.
- કીવી ટીમના કેપ્ટન ટૉમ લેથમે અણનમ 23 રન બનાવીને મેચ જીતાડી હતી.
- ઈંગ્લેન્ડના બ્રોડે કૉનવેને 3 રન પર આઉટ કર્યો હતો. જ્યારે ઓલી સ્ટોને વિલ યંગને 8 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો.