UAE T20 લીગ:IPLમાં ટીમ ન ખરીદી શકનારા અદાણીએ UAEમાં ક્રિકેટ ટીમ ખરીદી લીધી, અંબાણીએ પણ ફ્રેન્ચાઈઝી ખરીદી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં T20 લીગ ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે UAEના અમીરાત ક્રિકેટ બોર્ડે તેની UAE T20 લીગ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. IPLના ફોર્મેટમાં રમાતી આ લીગ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થઈ શકે છે. બોર્ડે એ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ આ લીગમાં રિલાયન્સ ગ્રુપ અને અદાણી ગ્રુપ દ્વારા ટીમો ખરીદી છે.

અમીરાત ક્રિકેટ બોર્ડે (ECB) સોમવારે જાહેર કરેલા તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી સ્પોર્ટ્સલાઇન કંપનીએ UAEની ફ્લેગશિપ T20 લીગમાં તેની ફ્રેન્ચાઇઝી ખરીદી છે અને તે આ લીગ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. કોઈપણ વિદેશી ટૂર્નામેન્ટમાં અદાણી જૂથનું આ પહેલું મોટું રોકાણ હશે. અદાણી ગ્રુપ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની માલિકી ધરાવતા રિલાયન્સ ગ્રુપે પણ આ લીગમાં પોતાની ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી છે.

IPLમાં ટીમ ખરીદવા અદાણી-CVC વચ્ચે બિડિંગ રેસ હતી
CVC કેપિટલે ગુજરાત ટીમની બિડ જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ 6 મહિના પહેલા IPLની બે નવી ટીમ માટે બિડિંગ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તો CVC કેપિટલ્સે 5,166 કરોડ રૂપિયામાં ગુજરાતની ટીમ ખરીદી હતી. જોકે આ બિડિંગ પ્રોસેસ દરમિયાન અદાણી ગ્રુપ અને CVC કેપિટલ્સ વચ્ચે ટીમ ખરીદવા માટે ભારે રસાકસી જોવા મળી હતી. અંતે કેપિટલ્સે આ બિડ જીતી ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી હતી.

માન્ચેસ્ટર પણ મેદાનમાં
ટૂર્નામેન્ટ માટે દિલ્હી કેપિટલ્સ, માન્ચેસ્ટર યુનાઈટેડ અને સિડની સિક્સર્સ જેવી ટીમો પણ કન્ફર્મ થઈ ગઈ છે, જેમાં અદાણીએ UAE T20 લીગમાં ટીમ ખરીદવાની પુષ્ટિ કરી છે, જેમાં લીગની તમામ છ ફ્રેન્ચાઈઝીઓની પુષ્ટિ થઈ છે. આ લીગ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થઈ શકે છે.

  • અદાણી-અંબાણી ઉપરાંત, માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમ સાથે સંકળાયેલા ગ્લેઝર ગ્રુપ અને દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા GMR ગ્રુપે પણ આ લીગમાં ટીમો ખરીદી છે.
  • KKRના માલિક શાહરૂખ ખાન પણ આ લીગમાં જોડાઈ શકે તેવી શક્યતા છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
  • ઓસ્ટ્રેલિયાની બિગ-બેશ લીગની ટીમ સિડની સિક્સર્સ પણ આ લીગમાં પોતાની ટીમને મેદાનમાં ઉતારશે.

એક ટીમમાં આઠ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ એકસાથે રમી શકશે, રમતનો ઉત્સાહ વધશે

  • ECB તરફથી સત્તાવાર રીતે મંજૂર કરાયેલી UAE T20 લીગમાં છ ટીમો હશે અને કુલ 34 મેચો રમાશે.
  • આ લીગમાં વિશ્વભરની વિવિધ ટીમોના સ્ટાર ખેલાડીઓ ભાગ લઈ શકશે.
  • આ લીગમાં આઠ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને એક ટીમમાં રમવાની મંજૂરી આપવામાં આવશે, જેના કારણે આ લીગ ઘણી સ્પર્ધાત્મક બની શકે છે.
  • IPLમાં એક ટીમમાં માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રમવાની મંજૂરી છે.

બોર્ડના સચિવ મુબશીર ઉસ્માનીએ જણાવ્યું હતું કે રોમાંચક હોવા ઉપરાંત, આ લીગ નવા ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની પણ શ્રેષ્ઠ તક હશે.

ઝી મીડિયા આ લીગનું જીવંત પ્રસારણ કરશે
UAE T20 લીગનું જીવંત પ્રસારણ ઝી મીડિયા દ્વારા કરવામાં આવશે. આ માટે, ECBએ પહેલાથી જ 120 મિલિયન ડોલરમાં ઝી મીડિયા ગ્રુપ સાથે 10 વર્ષનો કરાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...