એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફની તેમની કમેન્ટ માટે કરીને આકરી ઝાટકણી કાઢી હતી. ગુરુવારે ACCએ 2023-24નું કેલેન્ડર અને સ્ટ્રકચર બહાર પાડ્યું હતું. ત્યારે PCBના અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેમણે આ કેલેન્ડર અને સ્ટ્રક્ચર બનાવ્યું છે. ત્યારે આજે એશિયન ક્રિકેટ કાઉન્સિલે પલટવાર કરતાં જણાવ્યું હતું કે 'આ કેલેન્ડર અને સ્ટ્રક્ચર વિશે ડિસેમ્બર 2022માં જ પાકિસ્તાન સહિત અન્ય મેમ્બર્સ સાથે શેર કરી દેવામાં આવ્યું હતું. અન્ય મેમ્બર્સે આ અંગે પ્રતિભાવો આપી દીધા હતા. પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહોતો.'
શું હતી PCB ચીફની કમેન્ટ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ ટ્વિટ કર્યું હતું કે 'થેન્ક યુ જય શાહ, તમે ACC કેલેન્ડર અને સ્ટ્રક્ચર બનાવવા માટે. ખાસ કરીને પાકિસ્તાનમાં આયોજીત એશિયા કપ 2023નું કેલેન્ડર બહાર પાડવા માટે ધન્યવાદ. જ્યારે હવે તમે જ આ કેલેન્ડર અને સ્ટ્રક્ચર બનાવ્યું છે, તો તમારે PSL 2023ને પણ આમાંથી બાકાત રાખવાની જરૂર નહોતી. આ અંગેનો જલદીથી જવાબ આપશો તેવી આશા છે.'
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ પલટવાર કર્યો...
નજીમ સેઠીની ટ્વિટ પછી ACCએ કહ્યું હતું કે 'અમારી જાણકારીમાં એવું જાણવા મળ્યું છે કે PCBના અધ્યક્ષ નજમ સેઠીએ ACC પ્રમુખ પર એકપક્ષીય રીતે કેલેન્ડરને અંતિમ સ્વરૂપ આપવા અને તેની જાહેરાત કરવા અંગેનો નિર્ણય લેવા પર ટિપ્પણી કરી છે. ACC આ વિશે સ્પષ્ટતા કરવા માગે છે કે આ કેલેન્ડરને તેની ડેવલપમેન્ટ કમિટી અને ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગ કમિટીએ 13મી ડિસેમ્બર, 2022ના રોજ યોજાયેલી મીટિંગમાં મંજૂરી આપી હતી.'
'ત્યારપછી 22મી ડિસેમ્બર, 2022ના રોજ એક ઈમેલથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત તમામ સહભાગી સભ્યોને વ્યક્તિગત રીતે કેલેન્ડરની જાણ કરવામાં આવી હતી. જ્યારે અમુક સભ્ય બોર્ડ તરફથી પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા, ત્યારે PCB તરફથી કોઈ ટિપ્પણીઓ અથવા સૂચન કરેલ ફેરફારો પ્રાપ્ત થયા નહોતા.'
'ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેઠીની ટિપ્પણીઓ પાયાવિહોણી છે અને ACC તેમના શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.'
ACCએ 2023-24નું કેલેન્ડર અને સ્ટ્રક્ચર બહાર પાડ્યું
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગઈકાલે 2023-24નું સ્ટ્રક્ચર બહાર પાડ્યું હતું. જેમાં આ વખતનો વન-ડે એશિયા કપનો ઉલ્લેખ કર્યો છે. આ વખતનો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવવાનો છે. પરંતુ પણ થોડા દિવસો પહેલા જ એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે જાહેરાત કરી હતી કે એશિયા કપ પાકિસ્તાન સિવાય ન્યૂટ્રલ વેન્યૂ પર રમાડવામાં આવશે. તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ આનો વિરોધ કર્યો હતો અને તેણે વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. જોકે તે હવે અધ્યક્ષ રહ્યો નથી. તો બીજીબાજુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે હજુ આ વાતની પુષ્ટી કરી નથી કે ટૂર્નામેન્ટ ક્યાં રમાશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
આ વખતના એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત તેમની સાથે ક્વોલિફાયર-1 રહેશે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રહેશે.
6 ટીમ ભાગ લેશે
વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લેશે. એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 છે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. લીગ સ્ટેજમાં કુલ 6 મેચ હશે. લીગ સ્ટેજમાંથી એક ગ્રુપની બે ટીમ આગલા રાઉન્ડમાં જશે. આ પછી રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સુપર-4 મેચ રમાશે. આ દરમિયાન 4 ટીમની વચ્ચે કુલ 6 મેચ રમાશે. પછી ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.