• Gujarati News
  • Sports
  • Cricket
  • Most Of The Gujju Players Retained In The Retained List, Hardik GT Captain, Ravindra Jadeja Will Remain Part Of CSK

IPLમાં પણ ગુજરાતીઓનો દબદબો:રિટેઇન લિસ્ટમાં મોટા ભાગના ગુજ્જુ પ્લેયર્સ, હાર્દિક GTના કેપ્ટન, રવીન્દ્ર જાડેજા CSKનો જ હિસ્સો જ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની બધી જ ટીમે પોત-પોતાની રિટેન લિસ્ટ બહાર પાડી દીધી છે. જેમાં આ વખતે પણ ગુજરાતી પ્લેયર્સની બોલબાલા રહી છે. ગઈ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ જીત્યું હતું. જેના કેપ્ટન હાર્દિક પંડ્યા હતા. આ વખતે પણ તેઓને ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેમને હવે ટીમ ઈન્ડિયાની T20 ઈન્ટરનેશનલ ટીમની જવાબદારી સોંપાઈ શકે છે. તો જસપ્રીત બુમરાહને MIએ પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. બીજીબાજુ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને CSKએ રિટેન કર્યા છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે રવીન્દ્ર જાડેજા અને CSKના મેનેજમેન્ટ વચ્ચે બનતું ના હોવાથી તેઓ ટીમને છોડી શકે છે. ત્યારે આ બધી જ અફવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવતા, હવે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જ રમશે.

તો અમુક એવા ગુજરતી પ્લેયર્સ પણ છે, જેને તેમની ટીમે રિલિઝ કર્યા છે. જેમાં સૌરાષ્ટ્રના સ્ટાર ફાસ્ટ બોલર અને કેપ્ટન જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. તેમને મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કરી દીધા છે. તો સૌરાષ્ટ્રના જ સ્ટાર ઓલરાઉન્ડર પ્રેરક માંકડને પણ પંજાબ કિંગ્સે રિલિઝ કરી દીધા છે. ત્યારે આજે આપણે એવા ગુજરાતી પ્લેયર્સ વિશે જાણીશું કે જેઓ રિટેન થયા અને ક્યા પ્લેયર્સ રિલિઝ થઈ ગયા છે!

રિટેન થયેલા ગુજરાતી પ્લેયર્સ...

1. રવીન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સે 16 કરોડમાં રિટેન કર્યા છે. છેલ્લા છ મહિનાથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે તેમની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મેળ પડતો નથી. ત્યારે હવે CSKએ તેમને રિટેન કરીને આ બધી જ ચર્ચાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

રવીન્દ્ર જાડેજા CSKના સ્ટાર પ્લેયર છે.
રવીન્દ્ર જાડેજા CSKના સ્ટાર પ્લેયર છે.

ગત સિઝનમાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન પદ છોડીને જાડેજાને કેપ્ટનશિપ આપવાનું નક્કી કર્યું હતું. જોકે તે સિઝનમાં CSKનું પરફોર્મન્સ સારું રહ્યું નહોતું. અને CSK મેનેજમેન્ટે અધ્ધવચ્ચેથી જ રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશિપમાંથી હટાવીને ફરી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યા હતા. આમ, આ જ કારણથી જાડેજા અને CSK વચ્ચે અણબનાવ વધ્યો હતો, એવા સમાચારો આવ્યા હતા. આ પછી હમણાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા, કે મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ટીમ મેનેજમેન્ટને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે જાડેજા ગમે તેમ કરીને રિટેન થાય, કારણ કે તેઓ માને છે કે ટીમને રવીન્દ્રા જાડેજા જેવા ઓલરાઉન્ડર મળી શકે તેમ નથી. ત્યારે હવે તેઓ તેમની જુની ટીમ તરફથી જ ફરી રમશે.

2. હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઈટન્સને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કરી રાખ્યા છે. તેઓ ફરી એકવાર 16 કરોડમાં ટીમ તરફથી રમશે. તેમની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સે ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. અને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની ટીમ છે, પણ તેઓ એકમાત્ર ગુજરાતી પ્લેયર છે.

હાર્દિક પંડ્યાએ તેમની પહેલી જ સિઝનમાં કેપ્ટન તરીકે IPLની ટ્રોફી જીતી લીધી હતી.
હાર્દિક પંડ્યાએ તેમની પહેલી જ સિઝનમાં કેપ્ટન તરીકે IPLની ટ્રોફી જીતી લીધી હતી.

ાજેના કારણે હવે ટીમ ઈન્ડિયાની T20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ આ વિશે કોઈ સત્તાવાર વાત બહાર આવી નથી. ત્યારે હવે લોકોની નજર ફરી એકવાર હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમને શાનદાર પ્રદર્શન ઉપર રહેશે.

3. જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની સાથે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો પણ આધારસ્તંભ પ્લેયર છે.
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની સાથે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો પણ આધારસ્તંભ પ્લેયર છે.

ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈનઅપના આધારસ્તંભ સમાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યા છે. તેમને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ ખૂબ જ મહત્ત્વ ધરાવતા બોલર છે. તેમની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયાને ખૂબ જ નુક્સાન થયું હતું. ટીમને તેમની ખોટ એશિયા કપ પછી T20 વર્લ્ડ કપમાં પણ લાગી હતી. ત્યારે હાલ તેઓ ઈજામાંથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે MIની ટીમ મેનેજમેન્ટ પણ આ વિશે વિચાર્યું હશે, પણ તેમણે આધારસ્તંભ સમાન જસ્સીને રિટેન કરીને પોતાની બોલિંગ લાઈનઅપ મજબૂત કરી છે.

4. અક્ષર પટેલ

અક્ષર પટેલને ફરી એકવાર દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યા છે.
અક્ષર પટેલને ફરી એકવાર દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યા છે.

ભારતના વધુ એક ઓલરાઉન્ડર અક્ષર પટેલને તેમની ટીમ દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યા છે. તેમને અગાઉ પણ દિલ્હીની ટીમે મેગા ઓક્શન વખતે 9 કરોડમાં રિટેન કર્યા હતા. ત્યારે આ વખતે પણ તેમને 9 કરોડમાં રિટેન કરીને તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અક્ષર પટેલની બોલિંગ તેમની ટીમ માટે સૌથી વધુ મજબૂત પાસું છે. તો બેટિંગમાં પણ તેઓ ફટકાબાજી કરી શકે છે. આ જ કારણથી તેમને દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યા છે.

5. હર્ષલ પટેલ

હર્ષલ પટેલે 2020ની IPLની સિઝનમાં પર્પલ કેપ જીતી હતી.
હર્ષલ પટેલે 2020ની IPLની સિઝનમાં પર્પલ કેપ જીતી હતી.

ગુજરાતના વધુ એક પ્લેયર કે જેઓ હાલ ભારતીય ટીમ તરફથી પણ રમી રહ્યા છે, તેવા હર્ષલ પટેલને RCBએ 10.75 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. ગત વખતની સિઝનમાં તેમને રોયલ ચેલેન્જર બેંગ્લોરે 10.75 કરોડમાં લીધા હતા. 2021ની IPLની સિઝનમાં હર્ષલ પટેલે 33 વિકેટ ઝડપી હતી, અને પર્પલ કેપ જીતી હતી.

તો ગઈ વખતે તેમને 10.75 કરોડમાં લીધા હતા. ત્યારે તેમની IPLની સેલેરીમાં અધધધ 5275%નો વધારો થયો હતો. 2021માં તેમને બેઝ પ્રાઇસ (20 લાખ) મળી હતી. તો 2022માં તેમને 10.75 કરોડ રૂપિયા મળ્યા હતા. આમ, તેમની IPLની સેલેરીમાં 5275%નો વધારો થયો હતો.

6. કૃણાલ પંડ્યા

કૃણાલ પંડ્યા પાસેથી આ વખતે સારા પ્રદર્શનની આશા રહેશે.
કૃણાલ પંડ્યા પાસેથી આ વખતે સારા પ્રદર્શનની આશા રહેશે.

​​​​લખનઉ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેમને ગત સિઝનમાં તેમની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કર્યા હતા. આ પછી નવી ટીમ આવેલી લખનઉ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં લીધા હતા. તેમને બધી જ મેચમાં રમાડવામાં આવ્યા હતા. જોકે જોઈએ એટલું સારું પરફોર્મન્સ આપી શક્યા નહોતા. ત્યારે આ વખતે LSGએ તેમના પર ભરોસો રાખીને તેમને રિટેન કર્યા છે. ત્યારે હવે તેઓ IPLમાં પરફોર્મન્સ આપીને ટીમ ઈન્ડિયામાં ફરી સ્થાન મેળવવા માટેના પ્રયત્નો કરશે.

7. ચેતન સાકરીયા

ચેતન સાકરીયાનું વિકેટ લીધા પછી સેલિબ્રેશન.
ચેતન સાકરીયાનું વિકેટ લીધા પછી સેલિબ્રેશન.

સૌરાષ્ટ્ર ટીમના યુવા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને દિલ્હી કેપિટલ્સે ભરોસો રાખીને રિટેન કર્યા છે. તેમને 4.20 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. 2021ના IPLમાં રાજસ્થાન રોયલ્સે તેમને લીધા હતા. ત્યારે તેમણે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન મેળવ્યું હતું. ત્યારપછી 2022ના મેગા ઓક્શનમાં તેમને દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં લીધા હતા. જોકે તેમને વધુ ગેમ રમવા મળી નહોતી. ત્યારે હવે તેમને ટીમે રિટેન કર્યા છે, તે કદાચ તેમને વધુ ગેમ રમવા મળી શકે છે. અને તેઓ પરફોર્મન્સ કરીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાના પ્રયત્નો કરશે.

8. રિપલ પટેલ

રિપલ પટેલ પર દિલ્હી કેપિટલ્સે વિશ્વાસ રાખીને રિટેન કર્યા છે.
રિપલ પટેલ પર દિલ્હી કેપિટલ્સે વિશ્વાસ રાખીને રિટેન કર્યા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા રિપ પટેલને દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર રિટેન કર્યા છે. તેમને 20 લાખમાં રિટેન કરવામાં આવ્યા છે. દિલ્હીની ટીમે તેમની ઉપર ભરોસો રાખ્યો છે. રિપલ પટેલ બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. તેમને કોઈ હજુ સુધી પુરતી તક આપવામાં આવી નથી. ત્યારે હવે આ વખતે તેઓ તેમને મળેલી તકનો લાભ ઊઠાવવા માગશે.

રિલિઝ થયેલા પ્લેયર્સ...

1. જયદેવ ઉનડકટ​​​​​​​​​​​​​​

જયદેવ ઉનડકટે 2017માં પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમતા 12 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.
જયદેવ ઉનડકટે 2017માં પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમતા 12 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.

​​​​​​​સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન અને લેફ્ટ આર્મ પેસર જયદેવ ઉનડકટને મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કરી દીધા છે. તેમને 2022ના મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 1.3 કરોડમાં લીધા હતા. તેમણે પ્રદર્શન પણ આપ્યું હતું. જોકે MI મેનેજમેન્ટે તેમને રિલિઝ કરવાનો નિર્ણય લીધો હતો. જયદેવ ઉનડકટે 2017માં પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.

તેમણે 13ની એવરેજથી 24 વિકેટ ઝડપી હતી. આના કારણે તેમને 2018ની સિઝનમાં 11.5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે લીધા હતા. તે વખતે તેઓને સૌથી વધુ રૂપિયા મેળવનાર ખેલાડી બન્યા હતા. આ પછી તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. પરંતુ હવે તેઓને IPLની મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કરતા, જોવાનું રહેશે કે તેમની પાછળ કઈ ટીમ બિડ કરશે.

2. પ્રેરક માંકડ

પ્રેરક માંકડ રવીન્દ્ર જાડેજા સાથે. (ફોટો સોર્સ- પ્રેરક માંકડ ટ્વિટર અકાઉન્ટ).
પ્રેરક માંકડ રવીન્દ્ર જાડેજા સાથે. (ફોટો સોર્સ- પ્રેરક માંકડ ટ્વિટર અકાઉન્ટ).

​​​​​​​સૌરાષ્ટ્રના વધુ એક સ્ટાર પ્લેયર અને ઓલરાઉન્ડર પ્રેરક માંકડને પંજાબ કિંગ્સે 20 લાખમાં રિલિઝ કરી દીધા છે. તેમણે ડોમેસ્ટિક સર્કિટમાં શાનદાર પરફોર્મન્સ થકી IPLમાં એન્ટ્રી મારી હતી. જોકે તેમને પંજાબ કિંગ્સે આખી IPL સિઝનમાં બેન્ચમાં જ બેસાડી રાખ્યા હતા. તેમને એક જ મેચ રમવા મળી હતી. જેમાં તેમણે પહેલા બોલે જ ચોગ્ગો ફટકાર્યો હતો. અને IPLની સિઝનમાં 400ની સ્ટ્રાઈક રેટ ધરાવનાર એકમાત્ર પ્લેયર બન્યા હતા.

ડોમેસ્ટિકમાં તેમનું નામ હંમેશા ચર્ચાતું રહે છે. ત્યારે આ વખતના IPLમાં તેમના બેઝ પ્રાઇસ (20 લાખ) કરતા પણ વધુ રકમ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે તેમનું પ્રદર્શન શાનદાર રહે છે.

3. શેલ્ડન જેક્સન​​​​​​​​​​​​​​

શેલ્ડન જેક્સને કમાલનું સ્ટંપિંગ કર્યું હતું.
શેલ્ડન જેક્સને કમાલનું સ્ટંપિંગ કર્યું હતું.

સૌરાષ્ટ્રના વધુ એક પ્લેયર IPLમાં રમે છે. તે છે શેલ્ડન જેક્સન. ગત સિઝનમાં KKRએ 60 લાખમાં લીધા હતા. જોકે તેમને કેકેઆરએ રિલિઝ કરી દીધા છે. તેમને શરૂઆતની મેચમાં કેકેઆરએ તક આપી હતી. પરંતુ તેઓ તે તકને ઝડપી શક્યા નહોતા. જોકે તેઓ ડોમેસ્ટિકમાં ઓપનિંગ અથવા તો વન ડાઉન બેટિંગ કરવા આવે છે. જ્યારે કેકેઆર મેનેજમેન્ટે તેમને ફિનિશરનો રોલ આપ્યો હતો. જે, તેમના માટે સાવ નવો હતો.

ડોમેસ્ટિકમાં મોટું નામ ધરાવતા શેલ્ડન જેક્સનને આ વખતે કઈ ટીમ બિડ કરશે, તે જોવાનું રહેશે.

4. અંશ પટેલ

અંશ પટેલને પંજાબ કિંગ્સે 20 લાખમાં લીધો હતો.
અંશ પટેલને પંજાબ કિંગ્સે 20 લાખમાં લીધો હતો.

વડોદરામાં જન્મેલા અંશ પટેલને ગત સિઝનમાં પંજાબ કિંગ્સે બેઝ પ્રાઇસ (20 લાખ)માં લીધા હતા. જોકે તેમને એકપણ મેચ રમવા મળી નહોતી. તેઓ હજુ યુવા હોવાથી તેમને ઓક્શનમાં કોઈપણ ટીમ ખરીદી શકે છે.

અન્ય સમાચારો પણ છે...