પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન કાઉન્ટી ટીમમાં પોતાના સાથી પ્લેયર ચેતેશ્વર પૂજારા જેવી એકાગ્રતા ઈચ્છે છે જેથી તે લાંબા સમય સુધી ક્રિકેટમાં પોતાની રમતમાં સુધારો કરી શકે. પુજારાએ કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવીઝન 2માં સસેક્સ તરફથી રમતા બે સદી અને બે બેવડી સદી બનાવીને ટેસ્ટ ટીમમાં કમબેક માટેનો પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. પૂજારા અને રિઝવાને આ મહિનાની શરુઆતમાં ડરહમ વિરુદ્ધ 154 રનની પાર્ટનરશીપ કરી હતી. બંનેના એક જ ટીમ તરફથી રમવા પર સોશિયલ મીડિયામાં સકારાત્મક ટિપ્પણીઓ પણ જોવા મળી છે.
રિઝવાને ક્રિકવિક સાથેના ઈન્ટરવ્યૂમાં કહ્યું જ્યાં સુધી મારા અને પૂજારાનો સવાલ છે, મને (ભારત-પાકિસ્તાનના સંબંધોના સંદર્ભમાં) કશું પણ નવુ નથી લાગતું. જો તમે તેમને(પૂજરા)ને આ વિશે પૂછશો તો મને આશા છે કે તેમનો જવાબ પણ આ જ હશે. હું તેમની સાથે ઘણીબધી વાતો કરું છું, તેમને હેરાન પણ કરું છું અને ટીમમાં દરેક સભ્ય આ બાબત જાણે છે.
તેઓ ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે
રિઝવાને પૂજારાની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ખૂબ જ સારા અને પ્રેમાળ વ્યક્તિ છે. તેમની એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રશંસનીય છે. જો તમારે તેમની પાસેથી કઈંક શીખવું હોય તો એકાગ્રતા શીખવી જોઈએ. મારા સમગ્ર કરિયરમાં મેં જે-જે ખેલાડીઓને એકાગ્રતાના મામલે સફળ જોયા છે તેમાં યૂનિસ ભાઈ, ફવાદ આલમ અને પૂજારા સામેલ છે.
રિઝવાને આગળ કહ્યું કે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાના મામલે પૂજારા મારી યાદીમાં બીજા નંબરે અને ફવાદ ત્રીજા સ્થાને છે. હું આ ત્રણ ખેલાડીઓને આ મામલે અવ્વલ જોઉં છું. નિયમિત રીતે લીમીડેટ ઓવરોની ક્રિકેટ રમવાથી લાંબા સ્વરુપે બેટિંગ પ્રભાવિત થઈ શકે છે અને રિઝવાને કહ્યું કે પૂજારાની સલાહ મને મદદ કરશે.
પૂજારા પાસેથી ટેક્નિક્સ શીખી
તેણે કહ્યું કે હું જ્યારે વહેલા આઉટ થઉ છું તો હું પૂજારા સાથે વાત કરું છું. તેમણે મને કેટલીક શીખ આપી જેમકે શરીરની નજીકથી રમવું. જેવું કે દરેક જાણે છે કે અમે સતત સીમિત ઓવરોની ક્રિકેટ રમી રહ્યા છે તેથી અમે પોતાના શરીરની ખૂબ નજીકથી નથી રમી શકતા કેમ કે બોલ વધુ સ્વિંગ નથી કરતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.