તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપલ ભાસ્કર:મિતાલી ક્રિકેટની રેકોર્ડ ક્વીન, સૌથી લાંબી કરિયર, પુસ્તકો-સંગીતનો શોખ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જન્મ- 3 ડિસેમ્બર 1982 (જોધપુર)
શૈલી- રાઇટ હેન્ડ બેટ્સવુમન
સન્માન- પદ્મશ્રી, અર્જુન એવોર્ડ, વિઝડન લીડિંગ વુમન ક્રિકેટર (2017)
કુલ સંપત્તિ- 37 કરોડ રૂ.
(મીડિયા રિપોર્ટ્સ મુજબ)

38 વર્ષની મિતાલી દોરાઇ રાજ ક્રિકેટની દુનિયામાં રેકોર્ડ ક્વીન ગણાય છે. ક્રિકેટમાં બે દાયકાથી પણ લાંબી કરિયર ધરાવતી તે વિશ્વની એકમાત્ર મહિલા ક્રિકેટર છે. પુરુષ ક્રિકેટર્સમાં પણ તે માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે. સચિનની કરિયર 22 વર્ષ 91 દિવસની રહી જ્યારે મિતાલીને આં.રા. ક્રિકેટ રમતા 22 વર્ષ અને 8 દિવસ થઇ ચૂક્યા છે. તે વનડે ફોરમેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાયેલી સીરિઝમાં શાનદાર દેખાવ બાદ મિતાલી આઇસીસી વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઇ છે. 2018માં પણ તે ટોપ પર હતી. કરિયરમાં 8મી વખત ટોપ પર પહોંચી છે. તાજેતરમાં તે વિશ્વની સૌથી વધુ વનડે મેચ જીતાડનારી મહિલા કેપ્ટન પણ બની છે. વનડે ફોરમેટમાં કેપ્ટન તરીકે તેની 84મી જીત હતી. મિતાલીએ 1999માં 16 વર્ષની ઉંમરે વનડે ડેબ્યૂ કર્યું હતું. તેણે માત્ર ટી20 ફોરમેટમાંથી નિવૃત્તિ લીધી છે. મિતાલી કહે છે કે તેની આટલી લાંબી કરિયરનું રહસ્ય તેની ફિટનેસ અને હેલ્ધી ફૂડ છે. 2022માં ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું તેનું સપનું છે. તે બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-બીમાં છે. તેને વાર્ષિક 30 લાખ રૂ. સેલરી મળે છે. તે હૈદરાબાદમાં દક્ષિણ-મધ્ય રેલવેના હેડક્વાર્ટરમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી પણ છે.

વનડે ડેબ્યૂ પર સદી સહિત 13 રેકોર્ડ મિતાલીના નામે
મિતાલી ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડીને ઇન્ટરનેશનલ વિમેન્સ ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં સૌથી વધુ રન કરનારી ક્રિકેટર બની ગઇ છે. તેણે અત્યાર સુધીમાં 8 સદી અને 79 અર્ધસદી સાથે 10,337 રન કર્યા છે. ટેસ્ટની એક ઇનીંગ્સમાં સૌથી વધુ 214 રન કરવાનો રેકોર્ડ મિતાલીના નામે છે. સૌથી ઓછી ઉંમરે ટેસ્ટમાં બેવડી સદી કરવાનો તેનો વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી શક્યો નથી. મિતાલી ક્રિકેટમાં 22 વર્ષ વીતાવી ચૂકી છે, જે વિશ્વમાં કોઇ પણ મહિલા ક્રિકેટરની સૌથી લાંબી કરિયર છે. કેપ્ટન તરીકે તે 140થી વધુ વનડે મેચ રમી છે, જે પણ વર્લ્ડ રેકોર્ડ છે. 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ મેચમાં જ તે 114 રનની ઇનીંગ્સ રમી હતી, જે વર્લ્ડ રેકોર્ડ પણ હજુ તૂટ્યો નથી. આ સિવાય પણ ઘણાં રેકોર્ડ તેના નામે છે.

આળસથી બચાવવા પિતા મેદાનમાં લઇ જતા, સંજોગવશ ક્રિકેટર બની
તમિળ મૂળની મિતાલીનો જન્મ જોધપુરમાં થયો છે. પિતા દોરાઇ એરફોર્સમાં ચેરમેન હતા. માતા લીલા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. પિતા એર ફોર્સની ક્રિકેટ ટીમમાં હતા. મિતાલીના મોટા ભાઇ મિથુન ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લેવા જતા. પિતા ઇચ્છતા હતા કે મિતાલી સવારે સૂતી ન રહે, જેથી તેમણે મિતાલીને પોતાની સાથે એકેડમીમાં પરાણે લઇ જવાનું શરૂ કર્યું. તે પિતાના કહેવાથી ક્યારેક પ્લાસ્ટિકના તો ક્યારેક ટેનિસ બોલથી બોલિંગ-બેટિંગ કરતી.

ગ્રાઉન્ડ પર કોચ જ્યોતિ કુમારને પહેલીવાર મિતાલીની ટેલેન્ટ દેખાઇ. તેમણે જોયું કે નાની ઉંમરમાં બોલ પર મિતાલીની ગ્રીપ મજબૂત હતી. તેમણે મિતાલીના પિતાને તેના પર ધ્યાન આપવા આગ્રહપૂર્વક કહ્યું. ત્યાર બાદ કોચ સંપત કુમારે મિતાલીને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. 9 વર્ષની ઉંમરે મિતાલી સ્ટેટ સબ-જુનિયર ટુર્ના.માં સિલેક્ટ થઇ હતી.

મેદાન પર બુક્સ વાંચે છે, ગિટાર વગાડવું ગમે છે
સામાન્ય તમિળ પરિવારોની જેમ મિતાલીએ પણ બાળપણથી ભરતનાટ્યમની તાલીમ લીધી. 8 વર્ષ નૃત્ય શીખવા દરમિયાન તેણે ઘણાં શોમાં પરફોર્મ પણ કર્યું. તેની માતા ઇચ્છતી હતી કે દીકરી નૃત્યમાં જ આગળ વધે. મિતાલીની માતા લીલાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મિતાલીએ નાની ઉંમરે રમવાનું શરૂ કર્યું પણ આટલા વર્ષોમાં ક્યારેય પ્રેક્ટિસ કરવા જવાનું ટાળ્યું નથી. તેના આ કમિટમેન્ટના કારણે જ પરિવારજનોએ પણ તેની પાછળ ઘણી મહેનત કરી. મિતાલીને પુસ્તકો વાંચવા બહુ ગમે છે. 2017માં મેદાન પર પુસ્તક વાંચતી તેની તસવીર વાઇરલ થઇ હતી. તેની પર્સનલ લાઇબ્રેરી પણ છે, જેમાં 500થી વધુ પુસ્તકો છે. તેને મહાન લોકોની આત્મકથા વાંચવાનો બહુ જ શોખ છે. જેફરી આર્ચરની બુક પાથ્સ ઑફ ગ્લોરી તેમ જ રિક રિયોરડેન, ઑર્સોન સ્કોટ કાર્ડ અને રવિ મનોરમની કેટલીક બુક્સ તેને ખૂબ પસંદ છે.

અન્ય સમાચારો પણ છે...