દક્ષિણ આફ્રિકામાં દસમી જાન્યુઆરીથી નવી ક્રિકેટ લીગ એસએ20ની શરૂઆત થશે. આફ્રિકાની આ પહેલી લીગ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન છ ટીમ વચ્ચે 33 મેચ રમાશે. તેમાં ચાહકોને મિની આઇપીએલની ઝલક જોવા મળશે. આ ટુર્નામેન્ટની તમામ ટીમની માલિકી મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સહિત છ આઇપીએલ ફ્રેન્ચાઇઝી પાસે છે. આ ઉપરાંત લીગની સફળતા પણ ભારતીય મેનેજમેન્ટ અને બ્રોડકાસ્ટિંગ કંપનીઓ પર નિર્ભર રહેશે. એટલે કે બધું જ આપણા ભરોસે.
એસએ20 લીગના ડાયરેક્ટર અને પૂર્વ આફ્રિકન ક્રિકેટર ગ્રીમ સ્મિથના મતે, આફ્રિકા આ લીગને આઇપીએલ પછીની મોટી ક્રિકેટ લીગ બનાવવા ઇચ્છે છે. દ. આફ્રિકન બોર્ડના ભવિષ્ય માટે આ લીગ કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની તેની વન-ડે સિરીઝ પણ રદ કરી દીધી છે. આ સિરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો હિસ્સો હતી અને વર્લ્ડ કપ ક્વૉલિફિકેશન માટે મહત્ત્વની હતી.
પ્રાઇમ ટાઇમમાં મેચ, રિલાયન્સ મેન બ્રોડકાસ્ટર
એસએ20 લીગના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ રિલાયન્સની માલિકીની વાયકોમ-18એ ખરીદ્યા છે. દસ વર્ષની ડીલ રૂ. 800 કરોડમાં થઇ છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે પાંચથી રાતના નવ સુધી હશે.
ફ્રેન્ચાઇઝીના કોચ, જર્સી, લોગો, આઇપીએલ જેવા
આઇપીએલની ઇનામી રકમ રૂ. 46.5 કરોડ છે, જ્યારે આ લીગમાં રૂ. 33 કરોડ છે. ફ્રેન્ચાઇઝીએ ટીમોની એક જેવી ઓળખ માટે ગ્લોબલ કોચ નિમ્યા છે. આ ટીમોના લોગો, જર્સી બધું આઇપીએલ જેવું છે.
ખેલાડીઓ એ જ, જે આઇપીએલમાં રમે છે
આ લીગમાં ડઝનબંધ એવા વિદેશી ખેલાડીઓ રમશે, જે આઇપીએલમાં પણ રમે છે. જેમ કે, ડ્વેન પ્રિટોરિયસ, ક્લાસેન, હોલ્ડર, ટોપ્લે, પ્લેસિસ, તીક્ષ્ણા, બ્રુક, ફેરેરા, રબાડા, લિવિંગ્સ્ટન, સેમ કરન, ઓડિયન સ્મિથ, બ્રેવિસ, બટલર, મેકોય, નોર્કિયા, રુસો, સૉલ્ટ, જોશ લિટલ, આદિલ રશીદ, વિલ જેક્સ, મારકમ, યન્સેન, સ્ટબ્સ. જોકે, બીસીસીઆઇની મંજૂરી નહીં મળતા કોઇ ભારતીય ખેલાડી તેમાં રમી નથી રહ્યો.
યુએઇમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારી નવી ટી20 લીગમાં 4 ટીમના માલિક ભારતીય
યુએઇમાં નવી ટી20 લીગ 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.ઇન્ટરનેશનલ લીગ ટી20 નામનીઆ લીગની ફાઇનલ 12 ફેબ્રુઆરીએ યોજાશે, જેમાં છ ટીમ ભાગ લઇ રહી છે. આ લીગમાં અંબાણીની એમઆઇ એમિરેટ્સ, અદાણીની ગલ્ફ જાયન્ટ્સ, શાહરૂખની અબુ ધાબી નાઇટ રાઇડર્સ અને જીએમઆર ગ્રૂપની દુબઇ કેપિટલ્સ છે. લીગમાં સુનીલ નરેન,આન્દ્રે રસેલ, વાનિંદુ હસરંગા, રોબિન ઉથપ્પા, મોઇન અલી, ડ્વેન બ્રાવો અને કિરોન પોલાર્ડ જેવા ખેલાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.