WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી જીત:યુપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત કૌરની ફિફ્ટી; સાઇકા ઈશાકે 3 વિકેટ ઝડપી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની વચ્ચે મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં UPWએ આપેલા 160 રનના ટાર્ગેટને MIએ 17.3 ઓવરમાં 2 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. શરૂઆતમાં વિકેટ પડ્યા પછી કેપ્ટન હરમનપ્રીત કૌર અને નેતાલી સીવર બ્રન્ટે ટીમની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 63 બોલમાં 106 રનની પાર્ટનરશિપ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 બોલમાં 53* રન બનાવ્યા હતા. જ્યારે નેતાલી સીવર બ્રન્ટે 31 બોલમાં 45* રન બનાવ્યા હતા. યાસ્તિકા ભાટિયાએ 42 રન કર્યા હતા. યુપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટન અને રાજેશ્વરી ગાયકવાડને 1-1 વિકેટ મળી હતી.

આ જીત સાથે જ મુંબઈએ સતત ચોથી મેચ જીતી લીધી છે. ઉપરાંત પોઇન્ટ્સ ટેબલમાં 4 મેચમાં 4 જીત સાથે હવે તેમના 8 પોઇન્ટ્સ થઈ ગયા છે અને મજબૂત સ્થાન બનાવીને ટૉપ પર રહ્યા છે.

યુપી વોરિયર્સની ઇનિંગ...
યુપી વોરિયર્સે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા છે. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ 46 બોલમાં 58 રન અને તાહિલીયા મેક્ગ્રાએ 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ સાઇકા ઈશાકે 3 વિકેટ ઝડપી હતી. અમિલીયા કેરને 2 વિકેટ, જ્યારે હેલી મેથ્યૂઝે 1 વિકેટ લીધી હતી.

હીલીએ આક્રમક શરૂઆત આપી હતી
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા યુપી વોરિયર્સે કેપ્ટન એલિસા હીલી દ્વારા આક્રમક શરૂઆત કરી હતી. તેણે 23 બોલમાં 30 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 6 ઓવરમાં 48 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન દેવિકા વૈદ્ય 6 રન બનાવીને સાયકા ઈશાકનો શિકાર બની હતી.

બન્ને ટીમે ફેરફાર કર્યો
બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. યુપીની ટીમે ગ્રેસ હેરિસની જગ્યાએ શબનિમ ઇસ્માઇલને સ્થાન આપ્યું છે. જ્યારે મુંબઈએ પૂજા વસ્ત્રાકરની જગ્યાએ ધારા ગુજ્જરને સ્થાન આપ્યું છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11
યુપી વોરિયર્સ (UPW): યુપી વોરિયર્સ (UPW): એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, તાહિલીયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગિરે, દેવકી વૈધ, શબનિમ ઇસ્માઇલ, સોફી એક્લેસ્ટન, અંજલિ સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.

મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નેતાલી સીવર બ્રન્ટ, એમિલિયા કેર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમાની કલિતા અને સાઇકા ઈશાક.

મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટની બધી જ મેચ જીતી છે. તેઓ 3 મેચમાં 6 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. તો વોરિયર્સે 3 મેચમાંથી 2 મેચ જીતી છે અને 4 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે છે.

મુંબઈએ ટૂર્નામેન્ટમાં દિલ્હી, બેંગ્લોર, ગુજરાતને હરાવ્યું છે, તો યુપીએ બેંગ્લોર અને ગુજરાતને હરાવ્યું છે, તો દિલ્હીની સામે તેમને હાર મળી છે.

મુંબઈ ટેબલ ટોપર્સ
હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં જ પોતાનો દબદબો શરૂ કરી દીધો હતો. ટીમે ગુજરાતને 143 રનથી હરાવ્યું હતું. બેંગ્લોરે બીજા મેચમાં આપેલા 156 રનના ટાર્ગેટને 14.2 ઓવરમાં 1 વિકેટે જ ચેઝ કરી લીધો હતો. આ પછી ત્રીજી મેચમાં દિલ્હીને 105 રનમાં ઓલઆઉટ કરીને 8 વિકેટે જીતી લીધી હતી.

ટીમવી સાઇકા ઈશાક 3 મેચમાં 9 વિકેટ લઈને પર્પલ કેપ પર કબજો જમાવ્યો છે. તો હેલી મેથ્યૂઝે પણ 3 મેચમાં 6 વિકેટ લઈને અને 156 રન બનાવીને મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર બની છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત, ઇસાબેલ વોંગ, અમીલિયા કેર અને નેતાલી સીવર બ્રન્ટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

વોરિયર્સમાં ઘણા ગેમચેન્જર ખેલાડીઓ
ટૂર્નામેન્ટમાં જો કોઈ ટીમ મુંબઈ જેવી શક્તિશાળી ટીમને હરાવી શકે છે તો તે યુપી વોરિયર્સ છે. ટીમ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ છે, પરંતુ ટીમે જે રીતે ગુજરાત અને બેંગ્લોર સામે 2 મેચ જીતી છે, તે સ્પષ્ટ છે કે ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે કોઈપણ મેચને પલટી શકે છે.

યુપીએ ગુજરાત સામેની પ્રથમ મેચમાં છેલ્લા 17 બોલમાં 58 રન બનાવીને 3 વિકેટે મેચ જીતી લીધી હતી. ત્યારબાદ બેંગ્લોર તરફથી મળેલ 139 રનનો ટાર્ગેટ 13 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો હતો. ટીમને દિલ્હી સામે 42 રનથી હાર મળી હતી, ત્યારે ટીમ 212 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી.

કેપ્ટન એલિસા હીલી, તાહિલીયા મૈક્ગ્રા, ગ્રેસ હેરિસ, સોફી એક્લેસ્ટન, દીપ્તિ શર્મા અને કિરણ નવગિરે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમ પિચ પર એવરેજ સ્કોર 171 છે. આ બેટિંગ ફ્રેન્ડલી પિચ પર સ્પિનરોને મદદ મળી છે. ટૂર્નામેન્ટમાં ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી રહી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરીને બોર્ડ પર મોટો સ્કોર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અન્ય સમાચારો પણ છે...