વોર્નના નિધન પછી ક્રિકેટ જગતમાં શોક:મહિલા વર્લ્ડ કપમાં કાળી પટ્ટી બાંધી ખેલાડી મેદાનમાં ઉતર્યા, MCGનું સદર્ન સ્ટેન્ડ હવે વોર્નના નામે રહેશે

5 મહિનો પહેલા

વર્લ્ડ ક્રિકેટે શુક્રવારે સ્પિનના જાદુગર એવા શેન વોર્નને ગુમાવી દીધા છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું નિધન હાર્ટ અટેકથી માત્ર 52 વર્ષની ઉંમરે થયું હતું. તેવામાં ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વનડે મહિલા વર્લ્ડ કપની મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા વુમન અને ઇંગ્લેન્ડ વુમને એક મિનિટનું મૌન પાળી શેન વોર્નને શ્રદ્ધાંજલી આપી હતી. દરેક ખેલાડી કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતર્યા હતા. એટલું જ નહીં આ દરમિયાન ફેન્સે પણ શેન વોર્નને શ્રદ્ધાંજલી આપી હતી.

વોર્ન અને માર્શને શ્રદ્ધાંજલી

શેન વોર્ને શુક્રવારે સવારે ઓસ્ટ્રેલિયન પૂર્વ વિકેટકીપર બેટર રોડ માર્શના નિધન પર ટ્વીટ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. જોકે આ દરમિયાન કોને જાણ હતી કે વોર્નના જીવનની આ છેલ્લી ટ્વીટ બનીને રહી જશે. તેવામાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે મૌન પાળીને શેન વોર્નની સાથે માર્શના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો હતો.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના સદર્ન સ્ટેન્ડ વોર્નને નામ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વોર્નના સ્ટેચ્યુ પાસે તેના એક ફેને આ બોલ રાખ્યો છે
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વોર્નના સ્ટેચ્યુ પાસે તેના એક ફેને આ બોલ રાખ્યો છે

વિક્ટોરિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર માર્ટિન પાકુલાએ શનિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના ગ્રેટ સદર્ન સ્ટેન્ડને શેન વોર્નના નામે રાખવાની જાહેરાત કરી છે.

વોર્ન થાઈલેન્ડના વિલામાં બેભાન મળી આવ્યા
રિપોર્ટના આધારે શેન વોર્ન થાઈલેન્ડના એક વિલામાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારપછી તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી દેવાયા હતા. આ દરમિયાન ડોકટરના તમામ પ્રયાસો છતા શેન વોર્નને બચાવી શકાયા નહીં.

1992માં ભારત વિરૂદ્ધ ડેબ્યૂ, 2007માં નિવૃત્તિ
શેન વોર્ને 23 વર્ષની ઉંમરે ભારત વિરૂદ્ધ 1992માં સિડની ટેસ્ટથી ડેબ્યૂ કર્યું હતું. જ્યારે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ તેણે જાન્યુઆરી 2007માં ઇંગ્લેન્ડ સામે સિડનીમાં જ રમી હતી.

1999માં વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલનો મેન ઓફ ધ મેચ
શેન વોર્ન વનડે ક્રિકેટમાં પણ સારી બોલિંગ કરતો હતો. 1999ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવામાં શેન વોર્ને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની 2 મુખ્ય મેચમાં સેમીફાઈનલ (વિરૂદ્ધ દ.આફ્રિકા) અને ફાઈનલ (વિરૂદ્ધ પાકિસ્તાન) મેન ઓફ ધ મેચ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...