ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ICC વનડે અને T-20 વર્લ્ડ કપ, તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દુનિયાના એકમાત્ર કેપ્ટને પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આભાર. આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે. 19:29 (7 વાગીને 29 મિનિટ)થી મને નિવૃત સમજો."
કેપ્ટન કુલ તરીકે ઓળખાતા માહીએ 199 વનડે અને 72 T-20માં ભારતની કપ્તાની કરી હતી. તેને 2007માં પ્રથમ વખત ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તેની હેઠળ ભારત ટેસ્ટમાં વર્લ્ડ નંબર 1 બન્યું હતું. તેમજ તે એકમાત્ર પ્લેયર છે, જેણે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચમાં ટીમને લીડ કરી છે. ધોનીએ જાન્યુઆરી 2017માં વનડે કપ્તાની છોડી હતી. અને તે પહેલા ડિસેમ્બર 2014માં ટેસ્ટમાંથી કપ્તાની છોડી હતી.
ધોનીએ 2004માં ડેબ્યુ કર્યું હતું અને 2007માં T-20 વર્લ્ડ કપમાં એક્સપરિમેન્ટ રૂપે તેને કપ્તાની સોંપવામાં આવી હતી. ત્યારે બધાને આશા ન હોય તેવામાં સમયે તેણે દક્ષિણ આફ્રિકામાં T-20 વર્લ્ડ કપ જીતાડીને T-20ની ગેમ હંમેશા માટે બદલી નાખી હતી. તે જીતના લીધે આ ફોર્મેટને ગ્લોબલ પોપ્યુલારીટી મળી હતી. તે બાદ ધોનીને રાહુલ દ્રવિડની જગ્યાએ વનડેની અને અનિલ કુંબલેની જગ્યાએ ટેસ્ટની કપ્તાની પણ સોંપવામાં આવી હતી.
ધોનીની અંતિમ વનડે યાદગાર રહી, ફેન્સ ક્યારેય નહિ ભૂલે
ધોની છેલ્લે 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ત્યારે તેણે 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. 240 રનનો પીછો કરતા તે માર્ટિન ગુપ્ટીલના થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. તે 2 ઇંચ માટે રન કમ્પ્લીટ કરી શક્યો નહોતો અને ભારત વર્લ્ડ કપની બહાર થયું હતું. ફેન્સ દુઃખી હતા અને ધોની પણ ભારી હૈયે પેવેલિયન ગયો હતો.
ધોનીએ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું
ધોનીએ તેની પહેલી મેચ 23 ડિસેમ્બર 2004 ના રોજ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં રમી હતી. ગાંગુલી તે સમયે કેપ્ટન હતા. ગાંગુલીએ ધોનીને તેની જગ્યાએ નંબર 3 પર બેટિંગ માટે મોકલ્યો હતો. જો કે, આ શ્રેણીમાં ધોની ફ્લોપ રહ્યો હતો. તેણે ત્રણ વન ડેમાં ફક્ત 19 રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની શ્રેણીમાં પાકિસ્તાન સામે 123 બોલમાં 148 રનની યાદગાર ઇનિંગ રમીને ટીમનો સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી બન્યો હતો.
90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 વનડે મેચ રમ્યો છેધોનીએ અત્યાર સુધી 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 મેચ રમ્યો છે. આમાં તેણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે. IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ CSKએ 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2 વર્ષના પ્રતિબંધ પછી કમબેક કરતા 2018માં પણ ચેમ્પિયન બન્યું હતું.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું-BCCI માહીની ફેરવેલ મેચ રાંચીમાં રાખે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.