ગાંગુલીની ગૂગલી:કોહલીનો મુદ્દો અમારી પર છોડી દો, અમે તે યોગ્ય રીતે જોઈ લઈશુંઃ ગાંગુલી

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સના એક દિવસ બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. ગાંગુલીએ જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણ બોર્ડ પોતે જોશે. દ.આફ્રિકા પ્રવાસ પર રવાના થતા અગાઉ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં બીસીસીઆઈ અંગે ઘણા નિવેદન આપ્યા હતા.

કોહલીએ ગાંગુલીના નિવેદનને ખોટું ગણાવ્યું હતું, જેમાં ગાંગુલીએ કોહલીને ટી-20ની કેપ્ટન્સી ન છોડવા માટે કહ્યું હોવાની વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે,‘આ મામલે કોઈ નિવેદન જાહેર નહીં કરીએ. ન કોઈ પ્રેસ કોન્ફરન્સ થશે. તમે આ મુદ્દો બીસીસીઆઈ પર છોડી દો, બોર્ડ આ મામલો જોઈ લેશે.’ અગાઉ એવી અટકળો હતી કે, કોહલીની પ્રેસ કોન્ફરન્સ બાદ સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્મા નિવેદન જાહેર કરશે. જોકે બોર્ડે અંતે આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

કપિલદેવે કહ્યું- કોહલીએ ખોટા સમયે નિવેદન આપ્યું, મોટા પ્રવાસ અગાઉ વિવાદ ઊભો કરવો અયોગ્યઃ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલદેવે કહ્યું કે, કેપ્ટન્સી મામલે બીસીસીઆઈના મતભેદ મુદ્દે કોહલીનું નિવેદન ખોટા સમયે આવ્યું. દક્ષિણ આફ્રિકા જેવા મોટા પ્રવાસ અગાઉ બિનજરૂરી વિવાદ ઉભો થયો છે.

કપિલે કહ્યું કે,‘કોઈની પર આંગળી ઉઠાવવા માટે હાલનો સમય યોગ્ય નથી. દ.આફ્રિકા પ્રવાસ સામે છે અને કોહલીએ તેની પર ધ્યાન દેવાની જરૂર છે. એકબીજા વિશે આમ જાહેરમાં ગમે તે બોલવું સારું નથી. કોહલીએ સ્થિતિ નિયંત્રણમાં કરવાની જરૂર છે. દેશ માટે વિચારવું જરૂરી. ખોટું શું છે તે તો આગામી સમયમાં ખબર પડી જશે, પરંતુ મોટા પ્રવાસ અગાઉ વિવાદ યોગ્ય નથી.’

અન્ય સમાચારો પણ છે...