ટીમ ઈન્ડિયાના કોચ કોણ?:ટી-20 વર્લ્ડકપ બાદ કુંબલે અથવા લક્ષ્મણ બની શકે છે કોચ; BCCIએ મહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હતો

એક મહિનો પહેલા
  • UAEમાં યોજનારા ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને નવા કોચ મળવાનું નક્કી છે

ટી-20 વર્લ્ડ કપ બાદ કોચ રવિ શાસ્ત્રીના સ્થાને અનિલ કુંબલે કે વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવામાં આવી શકે છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે આગળ આ પદ પર રહેવાનો ઇનકાર કરી દીધો છે.

ન્યૂઝ એજન્સીએ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના હવાલેથી જાણકારી આપી હતી કે ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સાથે જ મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો છે કે આ બંને પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્દનેનો ટીમ ઇન્ડિયાના કોચ બનાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

કુંબલેની દાવેદારી મજબૂત
રવિ શાસ્ત્રીના કોચપદેથી દૂર થયા બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રહી ચૂકેલા અનિલ કુંબલેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. આ પહેલાં 2016માં કુંબલેને ભારતીય ટીમના કોચ નિમાયા હતા. તેમણે 2017માં આ પદ પરથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે કુંબલેએ ભારતીય કેપ્ટન કોહલીની સાથે અણબનાવને કારણે પોતાના પદ પરથી દૂર થવાનો નિર્ણય લીધો હતો.

કુંબલેએ પોતાના રાજીનામામાં કહ્યું હતું કે તેઓ એ બાબતે પરેશાન હતા કે કોહલીને તેમના વ્યવહારથી મુશ્કેલીઓ હતી. કુંબલેએ કહ્યું હતું કે BCCIએ તેમના અને કોહલીના અણબનાવ બાબતે સમાધાન લાવવાના પ્રયાસ કર્યા હતા. રિપોર્ટ મુજબ વિરાટે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 કેપ્ટનથી દૂર થવાની જાહેરાત કરી હતી. એવામાં હવે અનિલ કુંબલેને ફરીથી તેની જવાબદારી આપવામાં આવી શકે છે.

ગાંગુલી ઇચ્છતો હતો કે કુંબલે કોચ બની રહે
2017માં જ્યારે કુંબલેએ પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે કોહલીએ રવિ શાસ્ત્રીને તેમની જગ્યાએ રિપ્લેસ કરવાનું સમર્થન કર્યું હતું. અહેવાલો અનુસાર, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ઇચ્છતા હતા કે કુંબલે કોચ તરીકે બની રહે. ગાંગુલી એ સમયે ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. આ સમિતિમાં વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર પણ સભ્યો હતા. તેમનું સમર્થન કુંબલે માટે પણ હતું. હવે ફરી એક વખત BCCI કુંબલેને કોચ તરીકે પરત લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ કુંબલેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કુંબલેના કોચિંગમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી
કુંબલેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી. કુંબલે હાલમાં યુએઈમાં છે અને તેઓ આઈપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે.

મહેલા જયવર્દનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIએ કુંબલે અને લક્ષ્મણનો સંપર્ક કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હતો. જયવર્દને શ્રીલંકા ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સને કોચિંગ આપવામાં રસ ધરાવે છે.

કોચ બનવા પર લક્ષ્મણ અને કુંબલેને પદ છોડવું પડશે
વીવીએસ લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર છે અને અનિલ કુંબલે પંજાબ કિંગ્સના કોચ છે. એવામાં જો તેમને રવિ શાસ્ત્રીના સ્થાને કોચ બનાવવામાં આવે છે તો તેમણે IPLથી હટવું પડશે, કારણ કે BCCI નિયમ અનુસાર, ભારતીય મુખ્ય કોચ કોઈ અન્ય ક્રિકેટની જવાબદારી લઈ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...