રેકોર્ડ્સને તોડવા એ લોઢાના ચણા ચાવવા સમાન:કોહલીની 'વિરાટ' એવરેજ, યુવરાજની ફાસ્ટેસ્ટ ફિફ્ટી અને ક્રિસ ગેલના સિક્સરના રેકૉર્ડ તોડવા સૌથી અઘરા

એક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપ-2022 શરૂ થઈ ગયો છે અને સાથે જ તેણે પોતાનો મિજાજ દેખાડી દીધો છે. શરૂઆતના બે દિવસમાં જ બે મોટા અપસેટ જોવા મળ્યા હતા. નામ્બિયાએ શ્રીલંકાને પરાજય આપ્યો હતો, તો સ્કોટલેન્ડે 2 વખતની ચેમ્પિયન વેસ્ટઈન્ડીઝને હરાવ્યું હતું. આને અત્યારસુધીનો સૌથી ઓપન વર્લ્ડ કપ કહેવામાં આવે છે. કોઈપણ ટીમ આ ટૂર્નામેન્ટ જીતી શકે છે.

આમ તો આ વર્લ્ડ કપમાં ભલે કંઈપણ ઊલટફેર થઈ શકે છે, પરંતુ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા અમુક એવા રેકોર્ડ્સ છે, જેમાં કંઈ ઊલટફેર થઈ શક્શે નહિ. એટલે કે તેને તોડવા એવરેસ્ટ ચડવા સમાન રહેશે. જો આ રેકોર્ડ્સ તૂટશે, તો કોઈ ચમત્કાર જ ગણાશે. આવા જ પાંચ રેકોર્ડ વિશે આપણે આજે વાત કરીશું...

5. ગેલે સૌથી વધુ સિક્સ ફટકારી
વેસ્ટઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલના નામે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 63 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. ગેલ પછી બીજા નંબરે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ છે. તેણે T20 વર્લ્ડ કપમાં 33 છગ્ગા ફટકાર્યા છે. તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે 31-31 સિક્સ ફટકારી છે. આ બન્ને ખેલાડીની ઉંમર 35 વર્ષની થઈ ચૂકી છે અને બન્ને હાલ ગેલના સૌથી વધુ છગ્ગા ફટરાવાના મામલે ઘણા જ દૂર છે. તેવામાં ગેલનો આ રેકોર્ડ તૂટવો ઘણો જ અઘરો છે.

  • આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે 5 મેચ રમવાના છે. જો ઓસ્ટ્રેલિયા અને ભારત સેમીફાઈનલ અને ફાઈનલ રમે છે, તો મેચની સંખ્યા વધીને 7 થઈ જશે. ત્યારે બન્ને પ્લેયર્સને ગેલનો રેકોર્ડ તોડવા માટે 32 છગ્ગાની જરૂરિયાત રહેશે. ત્યારે પણ બન્ને માટે ગેલનો આ રેકોર્ડ તોડવો અઘરો થઈ પડશે.

4. સૌથી વધુ માર્જિનથી જીત
વર્ષ 2007ના T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજ દરમિયાન શ્રીલંકા અને કેન્યા વચ્ચે મેચ રમાઈ રહી હતી. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. શ્રીલંકાએ કેન્યાની સામે 260 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. આ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે.

જ્યારે કેન્યા આ ટાર્ગેટને ચેઝ કરવા મેદાને ઊતરી હતી, ત્યારે શ્રીલંકાના બોલર્સે કેન્યાને માત્ર 88 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચ શ્રીલંકાએ 172 રનથી જીતી લીધી હતી. અત્યારસુધી કોઈપણ ટીમ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શકી નથી. સ્કોટલેન્ડ T20 વર્લ્ડ કપમાં 2 વાર 130 રનના માર્જીનથી હાર્યું છે. તો 2012ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 116 રને પરાજય આપ્યો હતો. આ રેકોર્ડને તોડવો પણ અઘરો છે.

3. સૌથી સફળ રન ચેઝ
T20 વર્લ્ડ કપ 2016માં ગ્રુપ સ્ટેજ મેચમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ 4 વિકેટે 229 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 230 રનનો પહાડ જેવો સ્કોર ચેઝ કરી લીધો હતો. આ મેચમાં જો રૂટે 44 બોલમાં 83 રન ફટકાર્યા હતા. તો જેસન રોયે 16 બોલમાં 43 રનની તોફાની ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપની ઈતિહાસમાં અત્યારસુધી માત્ર 2 જ વાર કોઈ ટીમ 200+નો સ્કોર ચેઝ કરી શકી છે. ત્યારે ઇંગ્લેન્ડનો આ રનચેઝના રેકોર્ડને તોડવો અઘરો લાગી રહ્યો છે.

2. યુવરાજની ફાસ્ટેસ્ટ ફિફ્ટી
વર્ષ 2007માં ભારતે લેજેન્ડરી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની સામે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજનો આ રેકોર્ડ ભલે ચર્ચામાં રહ્યો હોય, પરંતુ આ જ મેચમાં યુવીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવા માટે સાત જનમ લાગી જશે. તેણે માત્ર 12 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી હતી. તેણે તે મેચમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 16 બોલમાં 362.50ની સ્ટ્રાઈક રેટથી 58 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર અને યાદગાર ઇનિંગમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા હતા.

  • વેસ્ટઈન્ડીઝના પૂર્વ કેપ્ટન ક્રિસ ગેલ અને અફઘાનિસ્તાન બેટર હઝરતુલ્લાહ ઝઝઈએ પણ 12 બોલમાં ફિફ્ટી ફટકારી છે, પરંતુ તેઓએ T20 લીગમાં આ ફિફ્ટી મારી છે. યુવરાજ પછી નેધરલેન્ડના સ્ટીફન માયબર્ગે 2014ની T20 વર્લ્ડ કપમાં 17 બોલમાં આયર્લેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી.

1. સૌથી વધુ એવરેજ
T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના નામે એક એવો રેકોર્ડ છે, જેને તોડવો અશક્ય છે. કોહલીએ અત્યારસુધી ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટના વર્લ્ડ કપમાં 21 મેચમાં 76.82ની એવરેજથી 845 રન બનાવ્યા છે. તે આ મેગા ટૂર્નામેન્ટમાં 10 ફિફ્ટી મારી ચૂક્યો છે. કોઈપણ પ્લેયર કોહલીની આસપાસ પણ નથી. તેના પછી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પ્લેયર અને મિસ્ટર ક્રિકેટના નામે જાણીતા માઇકલ હસ્સી આવે છે. તેની એવરેજ 54.63ની છે.

અન્ય સમાચારો પણ છે...