ભારતે બીજી વન-ડેમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવીને 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ વન-ડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. બીજી વન-ડે દરમિયાન વિરાટ કોહલીનું બોલ્ડ, તેનું સેલિબ્રેશન અને ઉમરાન માટે ફેન્સની અપીલ જેવી અનેક યાદગાર મોમેન્ટ્સ રહી હતી. કોલકાતાના ફેન્સે ફૂટબોલ લેજેન્ડ પેલેને યાદ કર્યો હતો. પેલેનું ગત વર્ષે 22 ડિસેમ્બરે લાંબી બીમારી બાદ નિધન થયું હતું.
જુઓ બીજી વન-ડેની ટોપ મોમેન્ટ્સ...
1. લાહિરુની ઈન સ્વિંગ પર બોલ્ડ થયો વિરાટ
શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વન-ડેમાં સદી ફટકારનાર ભારતનો વિરાટ કોહલી બીજી વન-ડેમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેને લાહિરુ કુમારાએ 10મી ઓવરમાં બીજા બોલમાં શાનદાર ઇન-સ્વિંગ ફેંક્યો હતો. વિરાટ બેકફૂટ પર ઊભો રહીને બોલ્ડ થઈ ગયો હતો. તેણે 9 બોલમાં 4 રન બનાવ્યા હતા.
2. વિરાટ કોહલીનો શાહરુખ અંદાજમાં ડાન્સ
શ્રીલંકાએ બીજી વન-ડેમાં ટોસ જીતીને બોટિંગ કરી હતી. બોલિંગ દરમિયાન ભારતના ફિલ્ડર વિરાટ કોહલી અનેક વખત ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે મેચ દરમિયાન જુદા-જુદા પ્રકારની રિએક્શન પણ આપ્યા હતા. નીચે ફોટોઝમાં તમે જોઈ શકો છે કે મેચ દરમિયાન વિરાટ કોહલીનો ડાન્સ...
3. ઉમરાનને ચાહકોએ કહ્યું- 160KMPH લોડિંગ...
ભારતના ઉમરાન મલિકે પ્રથમ વન-ડેમાં 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તે કોઈપણ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઝડપી રેકોર્ડેડ બોલ હતો. બીજી વન-ડેમાં ઘણા ચાહકો ઉમરાનને સપોર્ટ કરવા આવ્યા હતા. ચાહકોએ ઉમરાનના સમર્થનમાં પોસ્ટર પર '160KMPH લોડિંગ...' લખ્યું હતું. એટલે કે ફેન્સ આગળની મેચોમાં તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે એવી અપેક્ષા રાખી રહ્યા છે.
4. અક્ષરે 2 શાનદાર કેચ ઝડપ્યા
ભરત અક્ષર પટેલે મેચમાં પોઈન્ટ પર ઊભા રહીને 3 કેચ ઝડપ્યા હતા. તેણે ડાઇવ મારીને આમાંથી 2 કેચ ઝડપ્યા હતા. 28મી ઓવરના પાંચમા બોલ પર ઉમરાન મલિકે ઓફ સ્ટમ્પ પર શોર્ટ ઓફ લેન્થ નાખ્યો. શ્રીલંકાના વનિન્દુ હસરંગાએ એના પર કટ કર્યો હતો. જ્યાં પોઈન્ટ પર ઊભેલા અક્ષરે ડાઈવ મારીને કેચ ઝડપ્યો હતો.
34મી ઓવરના છેલ્લા બોલ પર ઉમરાન મલિકે ફરીથી ઓફ-સ્ટમ્પ પર ચમિકા કરુણારત્નેને શોર્ટ ઓફ-લેન્થ બોલ ફેંક્યો. કરુણારત્ને કટ કરવા ગયો, પરંતુ પોઇન્ટ પર ઊભેલા અક્ષરના ડાઇવ માર્યા બાદ તે પણ પેવેલિયન પરત ફર્યો હતો. 40મી ઓવરમાં અક્ષરે મોહમ્મદ સિરાજના બોલ પર દુનિથ વેલાલ્ગેને કેચ આઉટ કરાવ્યો હતો. મેચમાં બોલિંગમાં એક વિકેટ લેવાની સાથે તેણે બેટિંગમાં પણ 21 રન બનાવ્યા હતા.
5. કુમાર સંગાકારા પહોંચ્યો ઈડન ગાર્ડન
શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારા ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ જોવા કોલકાતા પહોંચ્યો હતો. તેણે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઘંટ વગાડીને મેચની શરૂઆત કરાવી હતી. ઈડન ગાર્ડન્સ એ ભારતનું સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ છે. 66 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની સ્થાપના 1864માં કરવામાં આવી હતી. અહીં ઘણી મહત્ત્વપૂર્ણ ક્રિકેટ મેચો રમાઈ છે. એટલા માટે આ ઐતિહાસિક મેદાન પણ અનેક રીતે મહત્ત્વનું છે.
6. કિંગ પેલેનો ટ્રિબ્યુટ
ભારત-શ્રીલંકા મેચ દરમિયાન બ્રાઝિલના દિગગ્જ ફૂટબોલર પેલેને પણ યાદ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2022માં પેલેનું નિધન થયું હતુ. દુનિયાના મહાન ખેલાડીઓમાંથી એક પેલેએ પોતાના દેશને 3 વખત વર્લ્ડ કપ જિતાડ્યો હતો. તે 1977માં કલકત્તામાં પણ એક ફ્રેન્ડલી મેચ રમવા આવ્યો હતો.
રેકોર્ડ બનાવ્યોઃ વન-ડેમાં શ્રીલંકાની સૌથી વધુ હાર
ભારત સામેની બીજી વન-ડેમાં હાર સાથે શ્રીલંકાની ટીમ 437 મેચ હારી ગઈ છે. આ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ હારનો રેકોર્ડ છે. શ્રીલંકા બાદ ભારત 436 અને પાકિસ્તાન 419 વન-ડે હારી ચૂક્યું છે.
ભારતે શ્રીલંકાને 95મી વન-ડેમાં હરાવ્યું. ભારતે એક જ ટીમ સામે સૌથી વધુ વન-ડે જીતમાં ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 95 મેચમાં હરાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.