જન્મ દિવસની 'વિરાટ' શુભેચ્છા:કોહલીનો આજે 33મો જન્મ દિવસ, જાણો ઓસ્ટ્રેલિયા ફતેહ કરનાર પહેલા એશિયન કેપ્ટનના ખાસ રેકોર્ડ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બરે ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો 33મો જન્મ દિવસ છે. તેવામાં કોહલી એન્ડ ટીમ પણ T-20 વર્લ્ડ કપ 2021માં સ્કોટલેન્ડ સામે મહત્ત્વપૂર્ણ મેચ રમવા જઈ રહી છે. ભારત આ મેચ મોટા માર્જિનથી જીતી નેટ રન રેટ વધારી કોહલીને બર્થ ડે ગિફ્ટ આપવા મેદાનમાં ઉતરશે. તેવામાં ભલે અત્યારે ઈન્ડિયન ટીમના કેપ્ટન ઘણા વિવાદોમાં સપડાયા હોય પરંતુ વિરાટે પોતાની કરિયરમાં એવા એવા રેકોર્ડ્સ તોડ્યા છે જેણે દેશનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. તો ચલો આપણે આ ખાસ દિવસ પર કોહલીના વિરાટ રેકોર્ડ્સ પર નજર ફેરવીએ....

વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન
કિંગ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેણે 65 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે અને 38 મેચ જીતી છે. આ મામલામાં વિરાટ કોહલી અત્યારે મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓથી આગળ છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 27 મેચ અને ગાંગુલીની કેપ્ટનશિપમાં 21 મેચ જીતી છે. જ્યારે તેણે ભારતની કેપ્ટનશિપ સંભાળી ત્યારે ટીમ ઈન્ડિયા વિદેશમાં મેચો જીતવા માટે સંઘર્ષ કરી રહી હતી. ત્યારપછી તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને ઘરઆંગણે હંફાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારો પહેલો એશિયન કેપ્ટન

  • વિદેશમાં કેપ્ટનશિપની વાત કરીએ તો વિરાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં શ્રેષ્ઠ કેપ્ટન છે. વિરાટ એવો પહેલો ખેલાડી છે જેણે પોતાની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી છે. જોકે વિરાટ પછી અજિંક્ય રહાણેએ પણ આ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
  • વિરાટની ટીમે 2018-19ની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં સામેલ નહોતા.
  • ભારતે રહાણેની કપ્તાનીમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, ત્યારે ભારતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમ્યા નહોતા અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ ધુરંધરો સામેલ કરવામાં આવ્યા હતા.

વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન - વિરાટ રેકોર્ડ

  • વિરાટ કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન કરનારો બેટર છે. તેણે 205 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
  • બીજી તરફ સચિન તેંડુલકર આ મામલે બીજા નંબર પર છે. સચિને વનડેમાં 10 હજાર રન કરવા માટે 259 ઇનિંગ્સ લીધી હતી.
  • વિરાટે આ રેકોર્ડ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં બનાવ્યો હતો. તેણે વનડેમાં 12169 રન કર્યા છે.
  • આ દરમિયાન તેણે 43 સદી ફટકારી હતી. વિરાટ વનડેમાં 50 સદી ફટકારનાર પહેલો ખેલાડી બની શકે છે.
  • હાલમાં વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેણે 49 સદી ફટકારી છે.
  • વિરાટની બેટિંગ એવરેજ પણ વનડેમાં સૌથી વધુ છે, તેણે 59.07ની એવરેજથી રન કર્યા છે.
  • તે જ સમયે, પાકિસ્તાનના બાબર આઝમ આ મામલે ચોથા નંબર પર છે. તેની એવરેજ 56.92 છે.
  • આની સાથે જ વિરાટ વનડેમાં કોઈપણ એક ટીમ સામે સદી ફટકારવાના મામલે પણ નંબર-1 છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 9 સદી ફટકારી છે. તેના સિવાય સચિન તેંડુલકરે પણ 9 સદી ફટકારી છે.

T20માં સૌથી વધુ રન કરનારો ખેલાડી
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો બેટર છે. તેણે 93 મેચમાં 3225 રન કર્યા છે. તેના પછી ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલે 3069 રન કર્યા છે. જોકે તે અત્યાર સુધી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 94 રન છે.