ઈન્ડિયન ક્રિકેટ માટે 20 જૂનની તારીખ સૌથી ખાસ રહી છે. આ દિવસે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ ટેસ્ટમાં અલગ-અલગ સમયે ડેબ્યુ કર્યું હતું. ગાંગુલી અને દ્રવિડે 1996માં લોર્ડ્સ ટેસ્ટથી ડેબ્યુ કર્યું હતું, જ્યારે 15 વર્ષ પછી એટલે કે 2011માં કોહલીએ ડેબ્યુ કરી કિંગ્સ્ટન ટેસ્ટમાં પોતાની બેસ્ટ ઈનિંગ શરૂ કરી દીધી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરને અત્યારે 11 વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ અવસરે તેણે વિવિધ યાદોને વાગોળતાં એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં લેપટોપના એક ફોલ્ડરમાં સેવ તસવીરો જોવા મળી હતી.
કોહલીએ એક વીડિયો શેર કર્યો
વિરાટે આ વીડિયો શેર કર્યા પછી લખ્યું કે સમય પસાર થતો રહે છે... વિરાટ કોહલીએ જે વીડિયો શેર કર્યો છે એ કોઈ ડેસ્કટોપ કે લેપટોપની સ્ક્રીન જેવો જોવા મળી રહ્યો છે. જ્યાં લોગ-ઈન કર્યા પછી ટેસ્ટ મેચના ફોલ્ડરમાં 11 વર્ષના કરિયરની યાદગાર ક્ષણો જોવા મળી રહી છે.
કોહલીની સફર...
વિરાટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 18 ઓગસ્ટ 2008ના રોજ ડેબ્યુ કર્યું હતું. ત્યારે તે દાંબુલામાં શ્રીલંકા વિરુદ્ધ વનડે મેચ રમી રહ્યો હતો. એનાં ત્રણ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે ડેબ્યુ કરી પોતાની શાનદાર કારકિર્દીની શરૂઆત કરી હતી. કોહલીએ પહેલી ટેસ્ટ 20 જૂન 2011એ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમી હતી, જે મેચ કિંગ્સ્ટનમાં રમાઈ હતી. ડેબ્યુ ટેસ્ટમાં કોહલીએ 4 અને 15 રન કર્યા હતા. આ ટેસ્ટ ભારતીય ટીમે 63 રનથી જીતી લીધી હતી.
કોહલીએ 70 ઈન્ટરનેશનલ સદી ફટકારી
કોહલીએ અત્યારસુધી કરિયરમાં 101 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 27 સદી ફટકારી કુલ 8043 રન ફટકાર્યા છે. તેણે પોતાનો બેસ્ટ સ્કોર આ દરમિયાન 254નો નોંધાવ્યો હતો. આના સિવાય તેણે કરિયરમાં 260 વનડે અને 97 T20 મેચ રમી છે, જેમાં તેણે વન-ડેમાં 12311 અને T20માં 3296 રન કર્યા છે. કોહલીએ વન-ડેમાં 43 સદી પણ મારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.