ભારતને સેમિફાઈનલમાં પહોંચાડનાર ટોપ-4 પ્લેયર:કોહલીએ 123ની એવરેજથી રન બનાવ્યા, સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 193 રહ્યો

23 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. એક વર્ષ પહેલા એટલે કે 2021ના વર્લ્ડ કપમાં આ જ ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ચૂકી હતી. ત્યાર પછી રોહિત શર્માના રૂપમાં ટીમને નવો કેપ્ટન મળ્યા અને તસવીર બદલાઈ.

ભારતને સેમિફાઈનલમાં પહોંચાડનાર ટોપ-4 સ્ટાર્સ
4. મોહમ્મદ શમી
ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત તેની પહેલી મેચમાં પાકિસ્તાન સામે હારી ચૂકી હતી. મેચમાં શમીએ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા. શમી એક પણ વિકેટ લઈ શક્યો નહતો. ત્યાર પછી સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં શમી કોવિડ પોઝિટિવ આવ્યો હતો. રિકવર થયા પછી ટીમમાં તેણે વાપસી કરી હતી. છેલ્લી પાંચ મેચોમાં શમીએ પોતાના પર્ફોર્મન્સથી પોતાના ટીકાકારોને કરારો જવાબ આપ્યો છે અને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવા પોતાની ભૂમિકા ભજવી છે.

ભલે શમીએ વર્લ્ડ કપમાં વધારે વિકેટ લીધી નથી, પરંતુ જેટલા પણ ઓવર કર્યા છે તેમાં બેટર્સને રન બનાવતા રોક્યા છે. ટીમમાં જ્યારે ભારતીય કેપ્ટનને વિકેટની જરૂર પડી છે શમીએ વિકેટ લઈ વિપક્ષી ટીમના હોંશ ઉડાડ્યા છે. શમીની ઓવર મેચમાં નિર્ણાયક સાબિત થઈ છે. ખાસ કરીને શમીએ ભારત-પાકિસ્તાન મેચમાં ઈફ્તિખાર અહેમદની વિકેટ ત્યારે ઝડપી, જ્યારે ટીમને વિકેટની જરૂર હતી. ત્યાર પછી ગેમ ભારતના પક્ષમાં આવી ગઈ હતી.

3. સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ પહેલાથી જ લયમાં નજર આવી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં પણ તેણે પોતાનો જલવો બતાવ્યો છે. સૂર્યા એક વર્ષમાં T20માં 1000 રન બનાવનાર બીજો બેટર બન્યો છે. સૂર્યાએ 2022માં આ કામનામું કરી બતાવ્યું છે. આ પહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને T20માં 1000 રન બનાવ્યા છે. આ સિવાય સૂર્યા ICCની રેન્કિંગમાં T20નો નંબર-1 બેટર બન્યો છે.

T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવની ત્રણ અડધી સદી અને 360 ડિગ્રી શોટ માત્ર ચર્ચાનો વિષય જ નહોતા, પરંતુ સૂર્યાએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ મેચમાં સૂર્યાનું બેટ ચાલ્યું નહીં, પરંતુ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વિરુદ્ધ સૂર્યા અણનમ હતો. તેણે નેધરલેન્ડ વિરુદ્ધ 25 બોલમાં 51 અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 25 બોલમાં 61 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે છેલ્લી ઓવરમાં સૂર્યાના બે છગ્ગા દર્શાવે છે કે સુર્યા દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ પછી બીજો 360-ડિગ્રી બેટર બની શકે છે. જો કે, સૂર્યાના આ શોટ્સે સેમિફાઇનલમાં ભારતનો રસ્તો આસાન બનાવી દીધો હતો.

2. અર્શદીપ સિંહ
એશિયા કપ 2022માં ભારત-પાકિસ્તાન સુપર-4ની મેચ. 18મી ઓવરનો ત્રીજો બોલ રવિ બિશ્નોઈ દ્વારા ફુલ ઓફ સાઈડમાં ફેંકવામાં આવ્યો હતો. સ્ટ્રાઈક પર આસિફ અલી હતો. આસિફ સ્લોગ સ્વીપ રમવા ઈચ્છતો હતો, પરંતુ ટોપ-એજ વાગી અને બોલ શોર્ટ થર્ડમેન તરફ ગયો. ત્યાં ઉભેલા ફિલ્ડર અર્શદીપે કેચ છોડ્યો અને મેચ હારનો જવાબદાર તેને ગણવામાં આવ્યો. અર્શદીપ ટ્રોલ થયો. તેની વિરુદ્ધ ખાલિસ્તાની જેવા શબ્દો વાપરવામાં આવ્યા.

અર્શદીપે આને જવાબ T20માં પોતાના પર્ફોર્મન્સથી આપ્યો. સુપર-12માં ભારત-પાકિસ્તાન મેચમાં અર્શદીપ બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના પહેલા બોલે અર્શદીપે પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કર્યો. ત્યાર પછી મોહમ્મદ રિઝવાન અને આસિફ અલીને પણ પેવેલિયન મોકલ્યા. તેણે 4 ઓવરમાં 32 રન આપી 3 વિકેટ લીધી હતી. ભારત મેચ જીત્યું.

નેધરલેન્ડ વિરુદ્ધ પણ અર્શદીપનું પર્ફોર્મન્સ સારું રહ્યું. તેણે ટીમને 2 વિકેટ અપાવી. જો કે, ટીમ ઈન્ડિયા પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી, પરંતુ અહિંયા પણ અર્શદીપે વિરોધી ટીમના બે મહત્વના બેટર ક્વિન્ટન ડી કોક અને રિલે રુસોને આઉટ કર્યા હતા.

આગામી મેચમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જોરદાર મુકાબલો શરૂ હતો. આ મેચમાં પણ અર્શદીપે કમાલ કર્યો અને 2 વિકેટ ઝડપી. તેણે શાકિબ-અલ-હસનની મહત્વપૂર્ણ વિકેટ લીધી ત્યાર પછી બાંગ્લાદેશની ટીમની સ્થિતિ નબળી પડી હતી.

ભારત-પાકિસ્તાન મેચમાં પાવરપ્લેમાં બાબર આઝમ અને ભારત-બાંગ્લાદેશ મેચમાં ડેથ ઓવરમાં શાકિબ-અલ-હસનની વિકેટ લઈ સાબિત કર્યું કે, તે પાવરપ્લે અને ડેથ ઓવર બંનેમાં ભારત માટે સારો વિકલ્પ છે. આ વર્લ્ડ કપ પહેલા, ભારતની બોલિંગ લાઇનઅપ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરી વિશે ભારે ચર્ચા થઈ હતી. અર્શદીપના આ પ્રદર્શનથી બુમરાહની કમી વર્તાઈ નથી.

1. વિરાટ કોહલી
T20 વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી લગભગ 3 વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. તેણે એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી અને તે પછી બધું બદલાઈ ગયું. T20 વર્લ્ડ કપમાં સુપર-12ની પ્રથમ મેચમાં વિરાટે પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી.

19મી ઓવરમાં હરિસ રઉફના બોલ પર કોહલીના બે છગ્ગાએ મેચને પલટાવી નાખી હતી. ઓવરનો પાંચમો બોલ... હરિસ રઉફ સ્લો શોર્ટ ઓફ લેન્થ બોલ કરે છે. કોહલીએ બોલને બોલરના માથા પરથી બાઉન્ડ્રીની બહાર માર્યો હતો. રઉફ બોલને જોતો રહી ગયો અને ટીમ ઈન્ડિયાને છગ્ગો મળ્યો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ ઈનિંગને ટી-20 ફોર્મેટમાં કોહલીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ કહેવાય છે.

ભારત-નેધરલેન્ડ મેચમાં વિરાટે 44 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી અને પછી ટીકાકારોને ચૂપ કરી દીધા. કોહલી બાંગ્લાદેશ સામે 44 બોલમાં 64 રન બનાવીને અણનમ રહ્યો અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...