અત્યારે હોળીનો પર્વ છે. દેશભરમાં અત્યારે લોકો આ રંગોનો તહેવાર ઊજવી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ પણ અમદાવાદમાં રંગોથી આ તહેવારની ઊજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ આજે પ્રેક્ટિસ સેશન પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ ફર્યા ત્યારે બસમાં હોળી રમી હતી. અને હોટેલ પર પહોંચીને પણ સેલિબ્રેશન ચાલુ રાખ્યું હતું. ઓપનર શુભમન ગિલે સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
કોહલી-રોહિતે ઉડાડ્યો ગુલાલ
શુભમન ગિલે જે વીડિયો શેર કર્યો છે, જેમાં ગિલની પાછળ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ડાન્સ કરતા નજર આવે છે. તો તેમની પાછળ કેપ્ટન રોહિત શર્મા પણ દેખાય છે, જેમણે ગિલનો વીડિયો બનાવતા જોઈને બન્ને પર ગુલાલ ઊડાડ્યો હતો. ટીમના અન્ય પ્લેયર્સ પણ બસમાં જ એકબીજા પર ગુલાલ ઊડાડતા નજરે આવે છે.
ઈશાન-સૂર્યાએ હોટલમાં રમી ધુળેટી
ટીમ બસમાં હોળી રમ્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં પણ હોળી રમી હતી. બધા જ ગુલાલથી રમતા નજરે પડ્યા છે. ડ્રેસિંગ રૂમમાં હોળી રમ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની તસવીરો પણ સામે આવી છે.
ગુરુવારથી ચોથી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારત સિરીઝની પ્રથમ 2 ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં છેલ્લી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
બન્ને દેશના વડાપ્રધાનો હાજર રહેશે
ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ પણ નિહાળશે. ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝ ટૂંક સમયમાં ભારત પહોંચશે, જ્યારે ભારતના PM નરેન્દ્ર મોદી મેચના દિવસ એટલે કે 9 માર્ચે અમદાવાદ આવશે. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. અહીં 1 લાખ 32 હજાર દર્શકો એકસાથે બેસીને મેચ જોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.