ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી મેચનો આજે ચોથો દિવસ હતો. જેમાં આજે સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયાી બીજી ઇનિંગનો સ્કોર 3/0 હતો. ટીમ તરફથી ઓપનિંગમાં નાઇટવોચમેન મેથ્યુ કુહનેમેન અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 91 રનની લીડ લઈને 571 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના રૂપમાં ટીમની છેલ્લી વિકેટ પડી હતી. તેમણે 364 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 186 રન ફટકાર્યા હતા. શુભમન ગિલે 128 રન બનાવ્યા હતા, તો અક્ષર પટેલે 79 રન અને ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરની પીઠમાં દુખાવો હોવાથી બેટિંગમાં નહોતો આવ્યો.
વિરાટ કોહલીની સદી બાદ અમદાવાદ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબુત થઈ ગઈ છે. કોહલીએ ટેસ્ટમાં 1205 દિવસ, 23 મેચ અને 41 ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. કોહલીએ 23 નવેમ્બર 2019માં છેલ્લી વખત બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 27મી સદી કરી હતી. આ કોહલીની 28મી સદી છે. હવે કોહલીના નામે ઈન્ટરનેશનલ મેચમાં 75 સદી થઈ ગઈ છે. તેમણે ટેસ્ટમાં 28, વન-ડેમાં 46 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી કરી છે.
શ્રીકર ભરત 44 રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લાયને પીટર હેન્ડ્સકોમ્બના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભરતે કોહલી સાથે 84 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા, રવિન્દ્ર જાડેજા 23 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ કોહલી સાથે 170 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. તેને ટોડ મર્ફીએ ઉસ્માન ખ્વાજાના હાથે કેચ કરાવ્યો હતો. શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં દુખાવો છે. તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો છે. આથી અય્યરની જગ્યાએ ભરતને મોકલવામાં આવ્યો હતો.
ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 289/3 થી ઈનિંગને આગળ ધપાવી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ સદી
• સચિન તેંડુલકર- 200 મેચ, 51 સદી
• રાહુલ દ્રવિડ- 163 મેચ, 36 સદી
• સુનીલ ગાવસ્કર- 125 મેચ, 34 સદી
• વિરાટ કોહલી- 108 મેચ, 28 સદી
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. આટલા રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.