ત્રીજી વન-ડેમાં 21 રેકોર્ડ્સ બન્યા!:કોહલીએ 'વિરાટ' રેકોર્ડ્સ તોડ્યા, તો બાંગ્લાદેશે એક અનોખો રેકોર્ડ બનાવ્યો; અન્ય રેકોર્ડ્સ ઉપર પણ નજર કરો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈશાન કિશનની ડબલ સેન્ચુરીની મદદથી ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડેમાં બાંગ્લાદેશને 227 રનથી હરાવ્યું હતું. 3 મેચની સિરીઝને બાંગ્લાદેશે 2-1થી પોતાના નામે કરી લીધી હતી. પરંતુ, ત્રીજી મેચમાં વિરાટ અને ઈશાને સાથે મળીને 17 રેકોર્ડ્સ તોડ્યા હતા. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશે આ દરમિયાન કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

આમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી, સૌથી મોટી પાર્ટનરશિપ અને બાંગ્લાદેશ સામે ભારતની સૌથી મોટી જીત સહિત 21 રેકોર્ડ્સ સામેલ છે. આના વિશે આપણે આ જાણીશું. સૌથી પહેલા તો જુઓ કે અત્યાર સુધી વન-ડેમાં કયા-કયા ખેલાડીઓએ બેવડી સદી ફટકારી છે...

1. પહેલી જ સેન્ચુરી ડબલ સેન્ચુરીમાં કન્વર્ટ કરી
ઈશાન કિશને 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. વન-ડે કરિયરની 10 મેચમાં આ તેની પહેલી સદી હતી. તેણે આ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી દીધી હતી. આવું કરનારો તે પહેલો પ્લેયર બન્યો છે. ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીએ પહેલી જ સદીને 194* રનમાં કન્વર્ટ કરી હતી. ટીમ ઈન્ડિયાના કપિલ દેવે પોતાની પહેલી વન-ડે સેન્ચુરી 175* રનમાં કન્વર્ટ કરી હતી.

2. બાંગ્લાદેશ સામે પહેલી ડબલ સેન્ચુરી
ઈશાને બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ પહેલાં શ્રીલંકા-ઝિમ્બાબ્વે-વેસ્ટઈન્ડિઝની સામે 2-2 અને ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા સામે 1-1 બેવડી સદી લાગી હતી. ઈશાને બેવડી સદી ફટકારીને બાંગ્લાદેશનું નામ પણ આ યાદીમાં ઉમેર્યું હતું. ઈશાનના આ 210 પહેલા બાંગ્લાદેશ સામે સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીના નામે હતો. તેણે 2009માં 194* રનની ઇનિંગ રમી હતી.

3. સૌથી ઝડપી બેવડી સદી
ઈશાન કિશને તેની બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી. આ સાથે તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી બેવડી સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેના પહેલા વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલે 2015ના વન-ડે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તો વુમન્સ ક્રિકેટમાં 134 બોલમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરના નામે છે.

4. સૌથી યુવા ડબલ સેન્ચ્યુરિયન
ઈશાન કિશને 24 વર્ષ 145 દિવસની ઉંમરે જ 210 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો છે. તેણે ભારતના રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 26 વર્ષ અને 186 દિવસની ઉંમરમાં 209 રન બનાવ્યા હતા.

5. સૌથી ઓછી ઇનિંગ્સમાં બેવડી સદી
ઈશાન કિશને તેની વન-ડે કરિયરની 9મી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. તેની પહેલાં પાકિસ્તાનના ફખર ઝમાને 16મી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. ભારત માટે રોહિત શર્માએ 103, વિરેન્દ્ર સહેવાગે 234 રન અને સચિન તેંડુલકરે તેની 431મી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી.

6. બાંગ્લાદેશમાં પ્રથમ બેવડી સદી
બાંગ્લાદેશની ધરતી પર ઈશાન પહેલાં કોઈ પણ બેટર 185નો સ્કોર પાર કરી શક્યો નહોતો. તે અહીં એક ઇનિંગ્સમાં 200થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. બાંગ્લાદેશમાં તેના સિવાય શેન વોટ્સને 185*, વિરાટ કોહલીએ 183, લિટન દાસે 176 અને વિરેન્દ્ર સહેવાગે 175 રન બનાવ્યા હતા.

7. સૌથી ઝડપી 150 રન
ઈશાને 103 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. તેણે સૌથી ઓછા બોલમાં આટલા રન કર્યા હતા. તેની પહેલાં વિરેન્દ્ર સહેવાગના નામે 112 બોલમાં 150 રન બનાવવાનો રેકોર્ડ હતો. સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સના નામે 16 બોલમાં 50 રન અને 31 બોલમાં 100 રન બનાવવાનો રેકોર્ડ છે. સૌથી ઝડપી 250 રન બનાવવાનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે.

8. 35મી ઓવરમાં જ બેવડી સદી
ઈશાને ઇનિંગની 35મી ઓવરમાં જ પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ઓવર્સની વાત કરીએ તો તેણે સહેવાગનો રેકોર્ડ તોડ્યો હતો. સહેવાગે 2011માં વેસ્ટઈન્ડિઝ સામે 43.3 ઓવરમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ઈશાન પણ 36મી ઓવરમાં જ આઉટ થયો હતો. મેચ પછી તેણે કહ્યું કે તે 300 રન બનાવવા માગતો હતો.

9. બાઉન્ડ્રીથી 156 રન બનાવ્યા
ઈશાને 210 રનની ઇનિંગમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે તેણે બાઉન્ડ્રીથી જ 156 રન ફટકાર્યા હતા. વન-ડેની એક ઇનિંગમાં બાઉન્ડ્રીથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે. તેણે 2014માં શ્રીલંકા સામે બાઉન્ડ્રીથી 186 રન બનાવ્યા હતા. તેના પછી ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલે 2015માં વેસ્ટઈન્ડિઝ સામે બાઉન્ડ્રીથી 162 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઈશાન ત્રીજા નંબરે આવ્યો છે.

11. 1214 દિવસ બાદ વિરાટની સદી
વિરાટ કોહલીએ ત્રીજી વન-ડેમાં સદી ફટકારી હતી. તેમણે 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. આ તેમની વન-ડે કરિયરની 44મી સદી હતી, જે તેમણે 1214 દિવસ બાદ ફટકારી હતી. વિરાટે છેલ્લી સદી 14 ઓગસ્ટ 2019ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે ફટકારી હતી. ત્યારે તેમણે 114* રન બનાવ્યા હતા.

12. વિરાટે પોન્ટિંગને પાછળ રાખ્યા
ત્રણેય ફોર્મેટ સહિત વિરાટ કોહલીના નામે 72 ઈન્ટરનેશનલ સેન્ચુરી છે. તેમની પાસે વન-ડેમાં 44, ટેસ્ટમાં 27 અને T20 ઈન્ટરનેશનલ એક સેન્ચુરી છે. ત્રીજી વન-ડેમાં સદીની સાથે વિરાટે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો 71 ઈન્ટરનેશનલ સેન્ચુરીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી

પ્લેયરદેશમેચસેન્ચુરી
સચિન તેંડુલકરભારત664100
વિરાટ કોહલીભારત48272
રિકી પોન્ટિંગઓસ્ટ્રેલિયા56071

13. ટીમની જીતમાં 50મી સદી
ટીમ ઈન્ડિયાએ વિરાટની 72 ઈન્ટરનેશનલ સેન્ચુરીમાંથી 50 મેચ જીતી છે. તેંડુલકર અને પોન્ટિંગ આ લિસ્ટમાં સૌથી આગળ છે. રિકી પોન્ટિંગની સેન્ચુરીના કારણે ઓસ્ટ્રેલિયાએ કુલ 55 મેચમાં જીત મેળવી છે. તો સચિન તેંડુલકરની સેન્ચુરીના કારણે ભારતે 53 મેચ જીતી છે.

14. બાંગ્લાદેશ સામે સૌથી વધુ રન
વિરાટના ત્રણેય ફોર્મેટ સહિત બાંગ્લાદેશ સામે 19 મેચમાં 1392 રન બનાવ્યા હતા. ત્રીજી વન-ડેમાં સદી સાથે, તે બાંગ્લાદેશ સામે ભારતીય તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પછી સચિન તેંડુલકરે 19 મેચમાં 1316 રન બનાવ્યા છે.

15. બાંગ્લાદેશમાં સૌથી વધુ રન
113 રનની ઇનિંગ સાથે વિરાટે બાંગ્લાદેશમાં વન-ડેમાં 1097 રન પૂરા કર્યા હતા. આ સાથે, તે બાંગ્લાદેશમાં કોઈપણ વિદેશી ખેલાડીમાં સૌથી વધુ વન-ડે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પછી શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરનો નંબર આવે છે. સંગાકારાએ 21 મેચમાં 1045 રન અને ટેલરે 33 મેચમાં 874 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશમાં વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ત્રણ વિદેશી પ્લેયર

પ્લેયરદેશમેચરન
વિરાટ કોહલીભારત191097
કુમાર સંગાકારાશ્રીલંકા231045
બ્રેન્ડન ટેલરઝિમ્બાબ્વે21874

16. બાંગ્લાદેશ સામે સૌથી મોટી પાર્ટનરશિપ
ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 190 બોલમાં 290 રનની પાર્ટનરશિપ બનાવી હતી. બાંગ્લાદેશ સામે વન-ડેમાં આ અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટનરશિપ છે. સાઉથ આફ્રિકાના હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કોકે 2017માં બાંગ્લાદેશ સામે 282* રનની પાર્ટનરશિપ બનાવી હતી.

17. બીજી વિકેટ માટેની ચોથી સૌથી મોટી પાર્ટનરશિપ
કોહલી-કિશનની 290 રનની પાર્ટનરશિપ બીજી વિકેટ માટેની ચોથી સૌથી મોટી પાર્ટનરશિપ છે. વિન્ડીઝના ગેલ અને સેમ્યુઅલ્સ આ યાદીમાં ટોચ પર છે. બન્નેએ 2015માં ઝિમ્બાબ્વે સામે બીજી વિકેટ માટે 372 રન જોડ્યા હતા. બીજા નંબર પર સચિન-દ્રવિડના 331 રન અને ત્રીજા નંબર પર ગાંગુલી-દ્રવિડના 318 રન છે.

18. બાંગ્લાદેશ સામે પહેલી વખત 400નો આંકડો પાર કર્યો
બાંગ્લાદેશ સામે વન-ડેમાં પ્રથમ વખત ટીમે 400થી વધુ રન બનાવ્યા છે. ભારત પહેલાં ઇંગ્લેન્ડે 2019માં બાંગ્લાદેશ સામે 4 વિકેટે 391 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ છે. અગાઉનો આ રેકોર્ડ પણ ભારતના નામે હતો. 2011માં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 370 રન બનાવ્યા હતા.

19. વનડેમાં ભારતની સૌથી મોટી જીત
ભારતે બાંગ્લાદેશને 227 રનથી હરાવ્યું. બાંગ્લાદેશ સામે ભારતની આ સૌથી મોટી જીત છે. વનડેમાં બાંગ્લાદેશની કોઈપણ ટીમ સામે આ સૌથી મોટી હાર છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાએ તેને 2003માં 200 રનથી હરાવ્યું હતું. વનડેમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત બરમુડા સામે છે. ભારતે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું.

20. ભારતે 8 વર્ષ પછી 400નો આંકડો પાર કર્યો
બાંગ્લાદેશ સામે 409 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વન-ડેમાં 400 રનનો આંકડો પાર કર્યો હતો. ભારતે છેલ્લે 2014માં શ્રીલંકા સામે 404 રન બનાવ્યા હતા. વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો સ્કોર 418 રન છે. ભારતે 2011માં વેસ્ટઈન્ડિઝ સામે આટલા રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકા સામે બે વખત અને સાઉથ આફ્રિકા-બરમુડા સામે એક-એક વખત 400થી વધુ રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ છઠ્ઠીવાર 400+ રન કર્યા

કુલ રનV/Sવેન્યૂતારીખ
413બરમુડાપોર્ટ ઑફ સ્પેન19 માર્ચ, 2007
414શ્રીલંકારાજકોટ15 ડિસેમ્બર, 2009
401સાઉથ આફ્રિકાગ્વાલિયર24 ફેબ્રુઆરી, 2010
418વેસ્ટઈન્ડિઝઈન્દોર8 ડિસેમ્બર, 2011
404શ્રીલંકાકોલકત્તા13 નવેમ્બર, 2014
409બાંગ્લાદેશચિત્તાગોંગ10 ડિસેમ્બર, 2022

21. બાંગ્લાદેશના નામે અનોખો રેકોર્ડ
બાંગ્લાદેશ એક જ વર્ષમાં ટેસ્ટમાં 300 રનથી, વન-ડેમાં 200 રનથી અને T20માં 100 રનથી હારનારી એકમાત્ર ટીમ બની હતી. ભારત સિવાય એપ્રિલ 2022 દરમિયાન સાઉથ આફ્રિકાએ તેમને ટેસ્ટ મેચમાં 332 રનથી હરાવ્યું હતું. ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ T20માં પણ તેમને 104 રનથી હરાવ્યું હતું.