કોહલીના બચાવમાં કીર્તિ આઝાદ:વિરાટને હટાવવા અંગે કહ્યું- તમામ સિલેક્ટર્સે ભેગા મળીને જેટલી મેચ રમી છે એટલી કોહલીએ એકલાએ રમી છે

એક મહિનો પહેલા
  • વિરાટ કોહલીએ 97 ટેસ્ટ, 254 વન ડે અને 95 T20 મેચ રમી છે

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ વિરાટ કોહલીને વન-ડેમાં કેપ્ટનપદેથી હટાવી દીધો છે. આ મુદ્દાને લઈને વિરાટ કોહલી અને BCCI દ્વારા કરાયેલા ખુલાસામાં અલગ અલગ વાત સામે આવતાં વિવાદ વધારે વકર્યો છે. હવે 1983માં વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી કીર્તિ આઝાદે એવું નિવેદન આપ્યું છે, જે પસંદગીકારો અને BCCIને ગમશે નહીં.

કીર્તિ આઝાદે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું આવું કહેવા ઈચ્છતો નથી, પણ મારે કહેવું પડી રહ્યું છે. હું પસંદગીકારોનું અપમાન કરવા ઈચ્છતો નથી, તેઓ સારા ખેલાડી છે, પરંતુ તમે તેમની કુલ મેચ પર નજર કરશો તો વિરાટે જેટલી મેચ રમી છે એનાથી અડધી મેચ પણ નથી.

કોઈ ફોર્મેટમાં કેપ્ટન બદલાય તો BCCI અધ્યક્ષને જાણ હોય છે
આઝાદે વધુમાં કહ્યું હતું કે જો તમે કોઈપણ ફોર્મેટમાં કેપ્ટન બદલો છો તો તમારે BCCI અધ્યક્ષને જણાવવું પડે છે. જો ગાંગુલીને આ અંગે જાણ હતી તો તણે અનૌપચારિક રીતે વિરાટ સાથે વાત કરી શક્યા હોત. મને લાગે છે કે વિરાટ નારાજ નથી, પરંતુ જે રીતે તેને કેપ્ટનપદ પરથી હટાવાયો છે એનાથી તેને ખોટું લાગ્યું છે.

હાલ ચેતન શર્મા ભારતના મુખ્ય પસંદગીકાર છે. તેમણે 23 ટેસ્ટ અને 65 વને મેચ રમી છે. ટીમ પસંગી સમિતિના અન્ય સભ્ય દેશાશીષ મોહંતીએ ભારત માટે 2 ટેસ્ટ અને 45 વન ડે રમી છે, જ્યારે અભય કુરુવિલાએ 10 ટેસ્ટ અને 25 વન-ડે મેચ રમી છે. વિરાટ કોહલીએ 97 ટેસ્ટ, 254 વન ડે અને 95 T20 મેચ રમી છે.

કીર્તિ આઝાદે થોડા દિવસ પહેલાં ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ભારત માટે સાથે નહીં રમે તો એ દેશને મોટું નુકસાન થશે. આ બન્ને ખેલાડી સૌથી પહેલા પોતે જ મુશ્કેલીમાં મુકાશે, પછી એક ખેલાડી બીજાને હટાવી દેશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ ખેલાડી એવો નથી, જેને હટાવી ન શકાય. ઘણા મહાન ખેલાડી આવ્યા અને જતા રહ્યા. સુનીલ ગાવસ્કર, કપિલદેવ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી. એટલા માટે આ બન્ને ખેલાડી એકબીજાના સુકાનીપદ હેઠળ નહીં રમે તો પોતે જ મુશ્કેલીમાં મુકાશે.