ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચના ત્રીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 99 ઓવરમાં 289/3 રન બનાવ્યા છે. આજનો દિવસે શુભમન ગિલ, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાના નામે રહ્યો છે. શુભમન ગિલે ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી. તે 235 બોલમાં 128 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2023ના ત્રણ મહિનાઓમાં આ પાંચમી સદી ફટકારી હતી. તો ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 14 મહિના અને 15 ઇનિંગ પછી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તેઓ 59* રને છે. ચેતેશ્વર પૂજારા 42 રન બનાવીને આઉટ થયા હતા. તેમણે BGT એટલે કે ઓસ્ટ્રેલિયા સામે 2 હજાર રન પૂરા કરનાર ચોથા ભારતી. બની ગયા છે. તો કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયા હજુ 191 રને પાછળ છે. ત્રીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં વિરાટ કોહલી (59*) અને રવીન્દ્ર જાડેજા (16*) ક્રિઝ પર છે.
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. આટલા રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા હતા.
તસવીરોમાં જુઓ ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટના ત્રીજા દિવસનો રોમાંચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો બીજા દિવસ ઉસ્માન ખ્વાજા અને કેમરુન ગ્રીનના નામે રહ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખ્વાજા 180 રન બનાવીને આઉટ થયો, જ્યારે ગ્રીને 114 રન બનાવ્યા. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 480 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના રવિચન્દ્રન અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.
શમીને 2 વિકેટ મળી હતી
ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ દાવમાં ખ્વાજા-ગ્રીન ઉપરાંત ટોડ મર્ફીએ 41, કેપ્ટન સ્મિથે 38, નાથન લાયને 34 અને ટ્રેવિસ હેડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
બીજા દિવસની રમત અહીંથી જુઓ...
ખ્વાજા-ગ્રીન વચ્ચે 208ની ભાગીદારી
ઓપનર ઉસ્માન ખ્વાજા અને કેમરોન ગ્રીને 208 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. રવિચંદ્રન અશ્વિને આ ભાગીદારી તોડી હતી. તેણે ગ્રીનને ભરતના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 378 રન હતો.
આ રીતે પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની વિકેટો પડી હતી
પ્રથમ: જાડેજાએ 16મી ઓવરના ત્રીજા બોલ પર ટ્રેવિસ હેડનો કેચ પકડ્યો. હેડ અશ્વિનના આ બોલને હિટ કરવા માંગતો હતો.
બીજી: મોહમ્મદ શમીએ 23મી ઓવરના બીજા બોલ પર માર્નસ લાબુશેનને બોલ્ડ કર્યો. લાબુશેન 20 બોલમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો.
ત્રીજી: રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો હતો.
ચોથી: શમીએ પીટર હેન્ડ્સકોમ્બને અદ્ભુત રીતે બોલ્ડ કર્યો હતો.
પાંચમી: આર અશ્વિનનો બોલ ગ્રીનના બેટની કિનારી પર સ્પર્શ કરતા ભરતના ગ્લોવ્સમાં ગયો.
છઠ્ઠી: એલેક્સ કેરીને અશ્વિને શોર્ટ થર્ડ મેન પર અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો હતો.
સાતમી: શ્રેયસ અય્યરે અશ્વિનના બોલ પર મિચેલ સ્ટાર્કને શોર્ટ લેગ પર કેચ કર્યો.
આઠમી: ત્રીજા સેશનના છેલ્લા બોલ પર અક્ષર પટેલે ઉસ્માન ખ્વાજાને એલબીડબલ્યુ કર્યો હતો.
નવમી: અશ્વિન ટોડ મર્ફીને એલબીડબલ્યુ કર્યો હતો.
દસમી: નાથન લાયન અશ્વિનના બોલ પર સ્લિપમાં કેચ આઉટ થયો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.