• Gujarati News
  • Sports
  • Cricket
  • Jaydev Undkat To Get Chance In Test Series Against Bangladesh; Earlier This Year, He Had Tweeted 'Dear Red Ball, I Will Make You Feel Proud'.

સૌરાષ્ટ્રના કેપ્ટનને 12 વર્ષે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે:આ વર્ષની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું 'ડિયર રેડ બોલ, એક તક આપજે, હું પ્રાઉડ ફીલ કરાવીશ'

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝમાં ટીમના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો હતો, જેને કારણે ટીમમાં એક જગ્યા ખાલી પડી હતી. ત્યારે હવે BCCI શમીના સ્થાને સૌરાષ્ટ્રના સ્ટાર પ્લેયર અને કેપ્ટન જયદેવ ઉનડકટને લેવામાં આવી શકે છે.

ક્રિકબઝ (Cricbuzz)ના રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ટીમમાં મોહમ્મદ શમીની જગ્યાએ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટને સ્થાન આપી શકે છે. આ માટે BCCIએ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ જો BCCI આ બાબતે જયદેવને સ્થાન આપશે, તો તે 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન પામશે. તેમણે છેલ્લે વર્ષ 2010માં સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ પછી તેને લેવામાં આવ્યો નહોતો.

12 વર્ષ પછી કમબેક થઈ શકે છે
જો જયદેવ ઉનડકટને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે, તો તે ટેસ્ટ ટીમમાં 12 વર્ષ પછી કમબેક કરશે. તેણે 2010માં છેલ્લે સાઉથ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તેને ટેસ્ટ ટીમમાં તક મળી નહોતી. તેણે છેલ્લે વર્ષ 2018માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. અત્યારસુધીમાં ટીમ ઈન્ડિયા તરફથી તેણે એક ટેસ્ટ, 7 વન-ડે અને 10 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વર્ષની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું
જયદેવ ઉનડકટે આ વર્ષની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું, એમાં તેણે લખ્યું હતું કે 'ડિયર રેડ બોલ, મને વધુ એક વખત ચાન્સ આપી દે, હું પર્ફોર્મ કરીશ, પ્રોમિશ.' ત્યારે આ ટ્વીટના 11 મહિના પછી, એટલે કે વર્ષના અંતે હવે તેને ટેસ્ટ સિરીઝમાં લેવામાં આવે એવી પૂરી શક્યતા છે.

વિજય હઝારે ટ્રોફીમાં કહેર મચાવ્યો હતો
જયદેવ ઉનડકટે હાલમાં જ પૂરી થયેલી વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની કેપ્ટનશિપમાં સૌરાષ્ટ્રની ટીમ 15 વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. જયદેવ ઉનડકટનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું હતું. તેણે વિજય હઝારે ટ્રોફી-2022માં 10 મેચમાં 16.10ની એવરેજથી અને માત્ર 3.33ની ઇકોનોમીથી કુલ 19 વિકેટ ઝડપી હતી. તેણે આ દરમિયાન કુલ 16 મેડન ઓવર નાખી હતી. તો બેસ્ટ બોલિંગ ફિગર 5/23નો રહ્યો હતો.

રણજી ટ્રોફીમાં સફળ પ્લેયર
સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટનો રણજી ટ્રોફીનો રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. તેની કેપ્ટનશિપમાં સૌરાષ્ટ્રએ પહેલીવાર 2019-20ની રણજી ટ્રોફી જીતી હતી. ત્યારે પણ તે સીઝનમાં તેણે રેકોર્ડબ્રેક 67 વિકેટ ઝડપી હતી અને સૌરાષ્ટ્રને મેડન રણજી ટાઇટલ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઓવરઓલ રણજી ટ્રોફીની વાત કરીએ તો જયદેવે 96 મેચમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધત્વ કર્યું છે, જેમાં તેણે 23.04ની એવરેજથી 353 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો બેસ્ટ બોલિંગ ફિગર (એક ઇનિંગમાં) 7/41 છે. તો એક મેચમાં તેનો બેસ્ટ ફિગર 13/103 છે.

જો જયદેવને બે ટેસ્ટમાંથી એકમાં પણ રમવાની તક મળી તો રેકોર્ડ તોડશે
જયદેવ ઉનડકટને જો બે ટેસ્ટ મેચમાંથી એકમાં પણ રમવાની તક મળી, તો તે બે ટેસ્ટ વચ્ચેના લાંબા ગેપના રેકોર્ડને તોડી દેશે. અત્યારે આ રેકોર્ડ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ કેપ્ટન અને ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના નામે બોલે છે. તેણે અંદાજે 8 વર્ષ પછી ટેસ્ટ મેચ રમી હતી.

પાર્થિવ પટેલે 8 વર્ષે ટેસ્ટમાં કમબેક કર્યું હતું. તેણે વર્ષ 2016માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સહાની જગ્યા લીધી હતી.
પાર્થિવ પટેલે 8 વર્ષે ટેસ્ટમાં કમબેક કર્યું હતું. તેણે વર્ષ 2016માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સહાની જગ્યા લીધી હતી.

14મી ડિસેમ્બરથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે
બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ 14મી ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં રોહિત શર્મા હાલ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. જોકે આ વિશે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ જશે તો તેની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશિપ કરશે.

ટેસ્ટ સિરીઝ માટેની ટીમ ઈન્ડિયા
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), રવિંચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, અભિમન્યુ ઈશ્વરન અને સૌરભ કુમાર.

નોટ: અભિમન્યુ ઈશ્વરનને ઈજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ અને સૌરભ કુમારને રવીન્દ્ર જાડેજાના સ્થાને લઈ શકે છે. આ બન્ને પ્લેયર્સ હાલમાં જ બાંગ્લાદેશ-A સામેની અનઑફિશિયલ ટેસ્ટ મેચ રમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...