ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં પરત ફર્યા છે. તેઓને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ શ્રીલંકા વિરુદ્ધ યોજાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે સ્ક્વોડમાં સામેલ કર્યા છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને શ્રીલંકા વિરુદ્ધ ભારતની ધરતી પર ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. પહેલી T20 સિરીઝ હશે, જેની પહેલી મેચ મંગળવારે(3 જાન્યુઆરી)ના રોજ રમાશે. ત્યાર પછી વન-ડે મેચની સિરીઝ રમાશે. આ ત્રણેય વન-ડે 10,12 અને 15 જાન્યુઆરીના રોજ રમાશે.
સપ્ટેમ્બર મહિનાથી જ ટીમ ઈન્ડિયાની બહાર છે બુમરાહ
29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી જ ક્રિકેટીંગ એક્શનથી દૂર હતા. તેમણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલો T20 વર્લ્ડ કપ પણ રમ્યો નહતો. ત્યારથી જ તે બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે હતા. પરંતુ NCA દ્વારા હવે તેમને ફીટ જાહેર કરવામાં આવ્યા છે. હવે તેઓ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ થશે.
ઈજાના કારણે વર્લ્ડ કપથી બહાર હતા
જસપ્રીત બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 મેચ રમી હતી. આ મેચમાં બુમરાહે 50 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શક્યા નહતા.
ત્યાર પછી બુમરાહને પીઠની ઈજાના કારણે એશિયા કપથી બહાર થવું પડ્યું હતું. ત્યાર પછી T20 વર્લ્ડ કપ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ઈજાના કારણે તેમાંથી બહાર થવું પડ્યું હતું. હવે ટીમમાં તેઓ પરત ફરશે.
વન-ડે સિરીઝ માટે ભારતીય સ્ક્વોડ
રોહિત શર્મા(કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા(વાઈસ કેપ્ટન), વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મો. શમી, મો.સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.