ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી વન-ડે મેચ આસામના ગુવાહાટીમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 67 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ આપેલા 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ કરી શકી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે છેલ્લે લડત આપી હતી. શનાકાએ 88 બોલમાં 108* રની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઓપનર પથુમ નિસાંકાએ 80 બોલમાં 72 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સ્પીડસ્ટર ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી, અને મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ...
પહેલી: અવિષ્કા ફર્નાન્ડો શોટ મારવા જતા બોલ ખૂબ જ ઉંચો ગયો હતો, પણ હાર્દિક પંડ્યાએ કેચ કરી લીધો હતો. અવિષ્કા 5 રને આઉટ થયો હતો.
બીજી: મોહમ્મદ સિરાજે શાનદાર બોલ નાખતા તેણે કુસલ મેન્ડિસને ઝીરોમાં બોલ્ડ કર્યો હતો.
ત્રીજી: ઉમરાન મલિકે ચરિથ અસલંકાને 23 રને કેચઆઉટ કરાવ્યો હતો. કેએલ રાહુલે વિકેટ પાછળ કેચ કર્યો હતો.
ચોથી: મોહમ્મદ શમીએ ધનંજય ડિ સિલ્વાને 47 રને કેચઆઉટ કરાવ્યો હતો.
પાંચમી: ઉમરાન મલિકે બીજી સફળતા મેળવતા પથુમ નિસાંકાને આઉટ કર્યો હતો. તેણે શોર્ટ લેન્થ બોલ નાખતા પથુમ નિસાંકા પુલ કરવા ગયો હતો. પણ ટાઇમિંગ ના આવતા તેનો કેચ મિડ-વિકેટ પર અક્ષરે કર્યો હતો.
છઠ્ઠી: યુઝવેન્દ્ર ચહલે હસરંગાને 16 રને આઉટ કર્યો હતો. તેનો કેચ લોંગ-ઓન પર શ્રેયસ અય્યરે કર્યો હતો.
સાતમી: સ્પીડસ્ટર ઉમરાન મલિકે દુનિથ વેલ્લાગેને આઉટ કર્યો હતો. તેનો કેચ પહેલી સ્લિપમાં શુભમન ગિલ કર્યો હતો.
આઠમી: હાર્દિક પંડ્યાએ 38મી ઓવરમાં ચમિકા કરુણારત્નેને આઉટ કર્યો હતો. રોહિત શર્માએ કેચ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ...
ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન કર્યા હતા. તો રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કસુન રજીથાએ 3 વિકેટ, જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.
ઘરઆંગણે સૌથી વધુ સેન્ચુરી
વિરાટ કોહલીએ આજે શ્રીલંકા સામે પહેલી વન-ડે મેચમાં ODIની 45મી સદી ફટકારી હતી. આ સાથે જ ઘરઆંગણે તેમણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે ઘરઆંગણે 160 ઇનિંગ્સમાં 20 સદી મારી છે. જ્યારે વિરાટ કોહલીએ 99 ઇનિંગ્સમાં જ ઘરઆંગણે 20મી સદી ફટકારી છે. આ પછી સાઉથ આફ્રિકાના હાસિમ અમલાએ 69 ઇનિંગ્સમાં ઘરઆંગણે 14 સદી ફટકારેલી છે. તો ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 151 ઇનિંગ્સમાં 14 સદી મારી છે.
કોઈ એક જ ટીમ સામે સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ 45મી વન-ડે સેન્ચુરી ફટકારતા રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવ્યા હતા. તેઓએ સચિન તેંડુલકર અને પોતાના જ રેકોર્ડની બરાબરી કરી હતી. તેઓએ એક જ ટીમ સામે વન-ડેમાં સૌથી વધુ સદી મારવાના રેકોર્ડની બરાબરી કરી છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડેમાં 9 સદી ફટકારી છે. તો તેમણે વેસ્ટઈન્ડિઝ સામે પણ 9 સદી મારી છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 9 સદી ફટકારેલી છે. આ પછી રોહિત શર્માએ 8 સદી ઓસ્ટ્રેલિયા સામે મારી છે. તો વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 8 સદી મારી છે. અને સચિન તેંડુલકરે શ્રીલંકા સામે વન-ડેમાં 8 સદી ફટકારી છે. આમ કોહલીએ સચિન તેંડુલકર અને પોતાના રેકોર્ડની બરાબરી કરી અને રોહિત, સચિન અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો પણ હતો.
સૌથી વધુ વન-ડે સેન્ચુરી ફટકારવાથી માત્ર 5 સદી દૂર...
વિરાટ કોહલીએ આજે 45મી વન-ડે સદી મારી હતી. ત્યારે હવે તેઓ આ લિસ્ટમાં બીજા નંબરે તો છે જ. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પહેલા નંબરે છે. તેઓએ વન-ડેમાં 49 સદી ફટકારી છે. ત્યારે હવે કોહલી તેમની બરાબરી કરવામાં માત્ર 4 સદી દૂર છે અને તેમનાથી આગળ નીકળવામાં 5 સદી દૂર છે. જે રીતનું તેમનું ફોર્મ છે, તે જોતા વિરાટ સચિનના આ રેકોર્ડને તોડી લેશે તેવું લાગે છે.
વિરાટ કોહલીની 45મી વન-ડે અને 73મી ઈન્ટરનેશનલ સેન્ચુરી
ટીમ ઈન્ડિયાના લેજેન્ડરી ક્રિકેટર વિરાટ કોહલી હવે ફરી પોતાના જૂના ફોર્મમાં આવી ગયા છે. તેઓએ સતત બીજી વન-ડે સિરીઝમાં સેન્ચુરી ફટકારી છે. આ તેમની વન-ડે કરિયરની 45મી સેન્ચુરી હતી. તો ઈન્ટરનેશનલ કરિયરની 73મી સદી હતી. આમ તો આ તેમની સતત બીજી મેચમાં બીજી સદી કહેવાય, કારણ કે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં પણ તેઓએ સદી મારી હતી.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: શુભમન ગિલ 60 બોલમાં 70 રન કરીને કેપ્ટન દાસુન શનાકાની બોલિંગમાં LBW આઉટ થયો હતો.
બીજી: કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 83 રન કરીને દિલશાન મદુશંકાની બોલિંગમાં બોલ્ડ થયા હતા.
ત્રીજી: શ્રેયસ અય્યર ધનંજય ડિ સિલ્વાના બોલ પર સ્વિપ શોટ ફટકારીને છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શોટમાં ટાઇમિંગ ના હોવાના કારણે તે આઉટ થયો હતો. તેનો કેચ અવિષ્કા ફર્નાન્ડોએ પકડ્યો હતો.
ચોથી: કેએલ રાહુલ કસુન રજીથાની બોલિંગમાં સ્વિપ શોટ મારવા જતા બોલ્ડ થયો હતો.
પાંચમી: હાર્દિક પંડ્યા 14 રને આઉટ થયો હતો. તે રજીથાની બોલિંગમાં લોંગ-ઓન પરથી છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો હતો.
છઠ્ઠી: અક્ષર પટેલ 9 રને ચમિકા કરુણારત્નેની બોલિંગમાં કેચઆઉટ થયો હતો.
સાતમી: વિરાટ કોહલી 87 બોલમાં 113 રન કરીને રજીથાની બોલિંગમાં કેચઆઉટ થયા હતા.
રોહિત-ગિલ વચ્ચે 143 રનની પાર્ટનરશિપ
શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ટૉસ હારતાં ટીમ ઈન્ડિયાને પહેલી બેટિંગ કરી હતી. ત્યાપે બન્ને ઓપનર્સે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ઓપનર રોહિત શર્માએ વન-ડે કરિયરની 47મી ફિફ્ટી ફટકારી હતી. તો શુભમન ગિલે વન-ડે કરિયરની 5મી ફિફ્ટી પૂરી કરી હતી. આ બન્ને પ્લેયર્સ વચ્ચે 118 બોલમાં 143 રનની પાર્ટનરશિપ થઈ હતી.
રોહિતે 27મી વખત ઓપનિંગ કરતાં 100+ રનની પાર્ટનરશિપ કરી હતી. ગિલની પહેલા શિખર ધવન સાથે 18 વખત, 5 વખત કેએલ રાહુલ અને 3 વખત અજિંક્ય રહાણેની સાથે પણ 100 રનની પાર્ટનરશિપ કરી છે.
રોહિત શર્માએ વન-ડે ઈન્ટરનેશનલમાં 9500 રન પૂરા કર્યા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આજે વન-ડે ઈન્ટરનેશનલમાં 9500 રન પૂરા કર્યા છે. તેમણે 49ની એવરેજથી 9500 રન પૂરા કર્યા છે. આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ હોવાથી ટીમ ઈન્ડિયા ઘણી વન-ડે મેચ રમશે. ત્યારે વન-ડે વર્લ્ડ કપ પહેલા 10,000 રન પૂરા કરી લેશે તેવું લાગી રહ્યું છે. જો તેઓ 10 હજાર રન પૂરા કરશે, તો તેઓ છઠ્ઠા ભારતીય પ્લેયર બનશે. અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ 10 હજાર રન પૂરા કર્યા છે.
મેચના ફોટોઝ...
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ઉમરાન મલિક, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાગે, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.
ઈશાન કિશન અને સૂર્યકુમારને પ્લેઇંગ-11માં જગ્યા ના મળી
બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ઈશાન કિશનને આ મેચમાં પ્લેઇંગ-11માં જગ્યા મળી નથી. રોહિત શર્માએ ગઈકાલે જ જાહેર કરી દીધું હતું કે શુભમન ગિલ તેમની સાથે ઓપનિંગમાં ઉતરશે. આ ઉપરાંત શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવને પણ પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. કારણ કે વન-ડેમાં નંબર-4 પર શ્રેયસ અય્યરે ઘણીવાર શાનદાર ઇનિંગ રમીને ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી છે અને મેચવિનિંગ ઇનિંગ પણ કરી છે. ત્યારે અય્યરને પ્લેઇંગ-11માં તક મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.