ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ 2015માં યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સે 50 લાખમાં ચેતેશ્વર પૂજારાને ખરીદ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને તેની બેસ પ્રાઇસ 20 લાખમાં ખરીદ્યો છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 15 કરોડમાં ખરીદ્યો છે.
પ્રીતિ ઝિન્ટાએ શાહરુખ ખાનને ખરીદ્યો
પંજાબની ટીમે તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનને પોતાની ટીમમાં લીધો છે. 20 લાખની બેસ પ્રાઇસ ધરાવતાં શાહરુખને પ્રીતિ ઝિન્ટાની ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો છે. શાહરુખે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલીમાં સારો દેખાવ કર્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરતાં 220ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.
ગૌથમ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર
કર્ણાટકનો કે. ગૌથમ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો કેપ્ડ પ્લેયર બન્યો છે. તેને 9.75 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. અગાઉ સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ કૃણાલ પંડ્યાના નામે હતો. તેને 2018માં મુંબઈ ઇન્ડિયન્સે 8.80 કરોડમાં ખરીદ્યો હતો.
પંજાબે માત્ર 9 T-20 ઇન્ટરનેશનલનો અનુભવ ધરાવતાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જાઈ રિચાર્ડસનને 14 કરોડમાં ખરીદ્યો છે. રિચાર્ડસને ઇન્ટરનેશનલ T-20માં માત્ર 9 વિકેટ લીધી છે. જોકે, તે આ વખતે ઓસ્ટ્રેલિયન T-20 લીગમાં હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. તેણે 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી.
હરભજન સિંહ KKRમાં, ચાવલા મુંબઈ ઇન્ડિયન્સમાં
દિલ્હી કેપિટલ્સની ટીમે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને 1 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે ઓફ-સ્પિનર હરભજન સિંહને કોલકાતા નાઈટ રાઇડર્સે 2 કરોડમાં ખરીદ્યો છે. તો લેગ સ્પિનર પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સે 2.4 કરોડમાં ખરીદ્યો છે.
રાઇલી મેરેડિથ પંજાબ માટે સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ
ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષીય ફાસ્ટ બોલર રાઇલી મેરેડિથે બધાને ચોંકાવ્યા છે. તેને કિંગ્સ ઇલેવન પંજાબે 8 કરોડમાં ખરીદ્યો. તેની બેસ પ્રાઇસ 40 લાખ રૂપિયા હતી. તેણે અત્યાર સુધીઆમ 34 T-20 રમી છે. તેમાં 43 વિકેટ લીધી છે. બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેનસ માટે રમતા તેણે 13 મેચમાં 16 વિકેટ ઝડપી. તે 140ની ઝડપે યોર્કર નાખવા માટે જાણીતો છે.
ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ગઈ સીઝનની 13 મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે 15.42ની એવરેજથી 108 રન કર્યા હતા. એકપણ સિક્સ મારી શક્યો નહોતો. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો છે.
એડમ મિલને મુંબઈમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલનેને પોતાની ટીમમાં લીધો છે. મુંબઈએ 3.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
દુબે રાજસ્થાન રોયલ્સ માટે રમશે
ઓલરાઉન્ડર શિવમ દુબે ગઈ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડમાં ખરીદ્યો છે.
સ્મિથ દિલ્હી માટે રમશે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.20 કરોડમાં ખરીદ્યો છે. તેના માટે બેંગલોરે પણ બોલાવી લગાવી હતી. જોકે અંતે બાજી દિલ્હીએ મારી હતી.
VIVOની IPL સ્પોન્સર તરીકે વાપસી
ઓક્શનની શરૂઆત બેટ્સમેનથી થશે. એ પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર્સ અને બોલર્સ પર બોલી લાગશે. તમામ 292માંથી માત્ર 10 ખેલાડીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસના સ્લોટમાં રાખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.