ઘણા દિવસોની અટકળો બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના મોટાભાગના ખેલાડી IPL 2021ના ફેઝ -2માં રમશે. બંને દેશોના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને મંજૂરી આપી દીધી છે. IPLમાં ઇંગ્લેન્ડના 14 અને ઓસ્ટ્રેલિયાના 20 ખેલાડીઓ છે. IPL-2021નો ફેઝ-2 UAEમાં 17 સપ્ટેમ્બરથી રમાશે.
BCCIને જાણ કરી
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ BCCIને જણાવ્યું હતું કે જો તેમના ખેલાડીઓ IPLમા ભાગ લેશે તો એમનો કંઇ વાંધો નથી. IPLના CEO હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઈઝીને કોલ કરીને આ અંગે સૂચના આપી હતી.
ખેલાડી ઇચ્છે તો નામ પરત લઇ શકે છે
BCCIએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બોર્ડે પોતાના ખેલાડીઓને IPL ફેઝ-2માં રમવાની અનુમતિ આપી દીધી છે. પરંતુ જો કોઇ ખેલાડી અંગત કારણોસર પોતાનું નામ પરત લેવા માગતો હોય તો તે લઇ શકે છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે પણ IPL ફેઝ-2માંથી નામ પરત લેવાનો નિર્ણય કર્યો છે. તો બીજી બાજુ ઇંગ્લેન્ડના ખેલાડી જોફ્રા આર્ચરે પણ આમા ભાગ ન લેવાની વાત કરી છે. હવે રસપ્રદ વાત એ રહેશે કે શું બેન સ્ટોક્સ આ ફેઝ-2માં ભાગ લેશે કે નહીં. તેણે માનસિક સ્વાસ્થ્યને ટાંકીને ઈન્ડિયા વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો.
CSKએ પણ કન્ફર્મ કર્યું
ચેન્નઈ ટીમના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે અમારી ટીમના ઓસ્ટ્રેલિયન અને ઇંગ્લિશ ખેલાડી ફેઝ-2 દરમિયાન હાજર રહેશે. ટીમમાં ઓસ્ટ્રેલિયાના જેસન બેહરેનડ્રોફ અને ઇંગ્લેન્ડના સેમ કરન તથા મોઇન અલી ભાગ લેશે. ચેન્નઈની ટીમ અત્યારે દુબઈ પહોંચી ગઈ છે. પંજાબ કિંગ્સે આ મુદ્દે તમામ વિદેશી ખેલાડીઓનો સંપર્ક સાધ્યો છે. થોડ સમય પછી તે પણ જાણ કરશે કે કોણ-કોણ સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે.
ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને સ્ટોઇનિસ પણ રમશે
સનરાઇઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ બીજા તબક્કામાં રમવાની પુષ્ટિ કરી છે. એ જ રીતે, સ્ટીવ સ્મિથ અને માર્કસ સ્ટોઇનિસ પણ દિલ્હી કેપિટલ્સ માટે ઉપલબ્ધ રહેશે. દિલ્હીની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
પાકિસ્તાન ટૂરમા ઇંગ્લેન્ડની B ટીમ જશે
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હવે પાકિસ્તાન ટૂર માટે B ટીમ મોકલશે. ઈંગ્લેન્ડે 13 અને 14 ઓક્ટોબરે રાવલપિંડીમાં પાકિસ્તાન સામે 2 T-20 મેચ રમવાની છે. આની પહેલા ન્યૂઝીલેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ પર B ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.