ખરાબ ફોર્મ છતાં કોહલીનો દબદબો:2020 પછી સૌથી વધુ રન બનાવવામાં દુનિયામાં ટૉપ-10માં સામેલ, રોહિત-પંતથી પણ ઉપર

3 મહિનો પહેલા
  • ટૉપ-10 ખેલાડીઓમાં નંબર-7 પર

છેલ્લા એક દશકામાં વર્લ્ડ ક્રિકેટમાં નામના મેળવનાર વિરાટ કોહલીને આજે ટીમથી બહાર કરવાની માંગ ઉઠી છે. સોશિયલ મિડીયા યુઝર્સથી લઈને ક્રિકેટનાં અનેક દિગ્ગજોને લાગે છે કે કિંગ કોહલીનો દબદબો ખતમ થઈ ચૂક્યો છે.

જે ખેલાડીએ ભારતીય ફેન્સને ખુશી મનાવાનાં ઘણાં મોકા આપ્યા, આજે એજ લોકો તેની પાછળ પડી ગયા છે, પરંતુ શું સાચે જ કોહલી આટલા ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે, કે તેને ટીમની બહાર કરી દેવો જોઈએ?

શું સાચે જ કોહલીનો જાદુ ખતમ થઈ ગયો છે? જો આપણે આંકડા ઉપર જઈએ તો હકિકત કંઈક અલગ જ છે. કોહલી આજે પણ ટીમ ઈન્ડિયાનો બેસ્ટ બેટ્સમેન છે. એવું અમે કેમ કહીએ છીએ તે તમને જણાવીએ...

2020 પછી સૌથી વધુ રન બનાવવા વાળો ભારતીય બેટ્સમેન

વિરાટે 2020 પછી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ટી-20માં તેના બેટમાંથી 663 રન, વનડેમાં 702 રન અને ટેસ્ટમાં 767 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટને મળીને વિરાટે 2237 રન ફટકારેલા છે. જે 2020 પછી ભારતીય બેટ્સમેનોમાં વધુ છે. કોહલી પછી રિષભ પંત છે, તેણે 2213 રન બનાવ્યા છે, અને રોહિત શર્માએ 2039 રન બનાવ્યા છે. વિરાટે આ રનો 60 મેચોની 71 ઇનિંગ્સમાં બનાવ્યા છે. રોહિતે 47 મેચોમાં 58 ઇનિંગ્સમાં, જ્યારે પંતે 54 મેચોમાં 64 ઇનિંગ્સમાં બનાવેલા છે.

ટૉપ-10 ખેલાડીઓમાં નંબર-7 પર
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આ લિસ્ટમાં નંબર-1 પર છે. તેણે ત્રણેય ફોર્મેટમાં 3508 રન ફટકારેલા છે. તો કોહલી એ લિસ્ટમાં નંબર-7 પર છે. જ્યારે પંત 9માં નંબર પર અને રોહિત 10માં નંબર પર છે. જોકે વિરાટની એવરેજ રોહિત અને પંત કરતાં ઓછી છે. વિરાટે 34.95ની એવરેજથી રન ફટકારેલા છે. પંતની એવરેજ 39.05ની છે, અને રોહિત શર્માની એવરેજ 39.21ની છે.

તો પછી કેમ થઈ રહી છે કોહલીને ટીમમાંથી કાઢવાની માંગ?
વિરાટે છેલ્લા ત્રણ વર્ષથી એક પણ સદી ફટકારી નથી. બધાને ખબર છે કે વિરાટનું લેવેલ ઘણું જ ઊંચુ છે. તેણે 2008થી 2021 સુધીમાં ત્રણેય ફોર્મેટમાં મળીને 70 સદીઓ ફટકારેલી છે. તેનાથી આગળ હવે માત્ર સચિન તેંડુલકર અને રિકી પોન્ટીંગ જ છે. જેમણે 100 અને 71 સદીઓ ફટકારી છે. તેવામાં ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો એવું માની રહ્યા છે કે સદી માર્યા વગર કોહલીનું ટીમમાં રહેવાનો કોઈ મતલબ નથી.

જે ખેલાડીએ આપણને ખુશી મનાવવાનાં ઘણાં મોકા આપ્યા હોય, તેની આટલી જલ્દી વિરૂદ્ધ જવું સાચું નથી. વિરાટનાં મેદાન પર રહેવાથી જે દબાવ વિપક્ષની ટીમ પર જે બને છે, તે તો જગજાહેર છે. ટીમનાં આટલા મોટા મેચ વિનર માટે થોડી ધીરજ તો રાખી શકાય છે.