• Gujarati News
  • Sports
  • Cricket
  • India's Serious Mistake Cost The Team Heavily, From Rohit Sharma's Captaincy To Poor Fielding; Find Out How

ટીમ ઈન્ડિયાની હારનાં 6 કારણ:ભારતની આ ગંભીર ભૂલ ટીમને ભારે પડી, રોહિત શર્માની કેપ્ટનશિપથી માંડીને નબળી ફિલ્ડિંગ જવાબદાર; જાણો કઈ રીતે

4 દિવસ પહેલા

મોહાલીમાં રમાયેલી 3 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું હતું, જેમાં કેમરુન ગ્રીનના 61 રન અને મેથ્યુ વેડના 45 રનની ધમાકેદાર ઇનિંગની મદદથી ભારતને હરાવ્યું હતું. જોકે આ મેચમાં ભારતની હારનું કારણ ખુદ ટીમ ઈન્ડિયા જ છે. આ મેચમાં ટીમે ઘણી ભૂલો કરી હતી, જે પોતાને જ ભારે પડી હતી. તો ચાલો... જાણીએ...

1. ભુવનેશ્વર કુમારને 19મી ઓવર આપવી

ભુવનેશ્વર કુમારે પહેલીવાર T20 ઈન્ટરનેશનલમાં 50+ રન આપ્યા હતા.
ભુવનેશ્વર કુમારે પહેલીવાર T20 ઈન્ટરનેશનલમાં 50+ રન આપ્યા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપની ભૂલનું ઓસ્ટ્રેલિયા સામે પણ પુનરાવર્તન કર્યું હતું. તેણે રનચેઝમાં ફરી એકવાર બીજી ઇનિંગની 19મી ઓવર ભુવનેશ્વર કુમારને આપી હતી. આ ઓવરમાં ભુવીએ 15 રન આપી દીધા હતા. ભુવનેશ્વર કુમારનો ડેથ ઓવર્સમાં દેખાવ છેલ્લાં થોડાં વર્ષોથી ખરાબ રહ્યો છે, એટલે અન્ય કેપ્ટન ભુવીની બોલિંગનો ઉપયોગ પાવરપ્લેમાં જ કરી લેતા હતા. જ્યારે રોહિત એન્ડ ટીમ મેનેજમેન્ટ હજુ સુધી તેની પાસે ડેથ ઓવર્સમાં બોલિંગ કરાવે છે. એશિયા કપમાં પણ ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે અનુક્રમે 19 અને 14 રન આપી દીધા હતા.

2. ખરાબ ફિલ્ડિંગ હારનું મુખ્ય કારણ

ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ નબળી ફિલ્ડિંગ રહ્યું હતું. ટીમને રવીન્દ્ર જાડેજા જેવા ચપળ ફિલ્ડરની ખોટ વર્તાઈ હતી. ભારતીય ટીમના ફિલ્ડર્સે આ મેચમાં ખૂબ જ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન આપ્યું હતું. કેમરુન ગ્રીન જ્યારે 41 રને હતો, ત્યારે હાર્દિકની બોલિંગમાં અક્ષરે મિડ વિકેટ પર આસાન કેચ છોડ્યો હતો. તો સ્ટિવ સ્મિથ જ્યારે 19 રને હતો, ત્યારે અક્ષરની બોલિંગમાં કેએલ રાહુલે લોંગ ઑફ પર કેચ છોડ્યો હતો. આમ, ખરાબ ફિલ્ડિંગ ટીમ ઈન્ડિયાની હારનું કારણ રહી હતી.

3. દિનેશ કાર્તિકની જગ્યાએ અક્ષર પટેલને બેટિંગમાં મોકલવો

ટીમ ઈન્ડિયાએ જ્યારે સૂર્યકુમારના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી ત્યારે બધાને લાગતું હતું કે દિનેશ કાર્તિક ક્રીઝ પર આવશે, પણ આશ્ચર્યજનક રીતે ટીમ મેનેજમેન્ટે નંબર 6 ઉપર દિનેશ કાર્તિકની જગ્યાએ અક્ષર પટેલને બેટિંગમાં મોકલ્યો હતો. અક્ષર પટેલ ચાલ્યો નહોતો અને તે 5 બોલમાં માત્ર 6 રને આઉટ થયો હતો. જો દિનેશ કાર્તિકને અક્ષરની જગ્યાએ બેટિંગમાં મોકલ્યો હોત, તો ટીમનો સ્કોર કંઈક વધુ હોત, કારણ કે છેલ્લા થોડા મહિનાઓથી કાર્તિકે ફિનિશરનો રોલ ખૂબ જ બખૂબીથી નિભાવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલી જગ્યાએ દિનેશ કાર્તિકને બેટિંગમાં મોકલવાની જરૂર હતી.

4. ખરાબ ટીમ સિલેક્શન

ભારતીય ટીમ મેનેજમેન્ટે વધુ એક ગંભીર ભૂલ કરી હતી. પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં તેમણે ભારતના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહનો પ્લેઇંગ-11માં સમાવેશ કર્યો નહોતો. તેની બદલે તેણે એ પ્લેયરને લીધો હતો, જેણે છેલ્લાં બે વર્ષથી T20 ઈન્ટરનેશનલ મેચ જ રમી નહોતી! તેણે ઉમેશ યાદવને ટીમમાં લીધો હતો. ઉમેશ યાદવે મેચમાં 2 ઓવરમાં 27 રન આપી દીધા હતા. હા, ચોક્કસ તેણે બે મહત્ત્વની વિકેટ લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બુમરાહને આરામ આપી દીધો હતો, જે આખરે આ ભૂલ ટીમને જ ભારે પડી હતી.

5. બોલિંગમાં નબળું પ્રદર્શન

આ હાઇસ્કોરિંગ મેચમાં અક્ષર પટેલની માત્ર 4.2ની ઇકોનોમી રહી હતી.
આ હાઇસ્કોરિંગ મેચમાં અક્ષર પટેલની માત્ર 4.2ની ઇકોનોમી રહી હતી.

ટીમ ઈન્ડિયાએ 208 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ 19.2 ઓવરમાં જ 6 વિકેટે પાર પાડી લીધો હતો. આ ચેઝ ઓસ્ટ્રેલિયાની T20માં ભારત સામેની સૌથી સફળ ચેઝ રહી હતી. 209 રનના ટાર્ગેટને ભારતીય બોલિંગ લાઈનઅપ ડિફેન્ડ કરી શકી નહોતી. ભારતે કુલ 6 બોલરને યુઝ કર્યા હતા, જેમાંથી માત્ર અક્ષર પટેલે 4.2ની ઇકોનોમીથી રન આપ્યા હતા, જ્યારે અન્ય 5 બોલરે 11+ની ઇકોનોમીથી રન દીધા હતા. ભુવનેશ્વર કુમારે 13ની ઇકોનોમીથી, ઉમેશ યાદવે 13ની ઇકોનોમીથી, યુઝવેન્દ્ર ચહલે 12.6ની ઇકોનોમીથી, હર્ષલ પટેલે 12.2ની ઇકોનોમીથી અને હાર્દિક પંડ્યાએ 11ની ઇકોનોમીથી રન દીધા હતા.

6. ટૉસે મહત્ત્વનો રોલ ભજવ્યો

મોહાલીના આઈ.એસ.બિન્દ્રા સ્ટેડિયમની પિચમાં ટૉસ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટૉસ હાર્યો હતો, એટલે કે ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મોહાલીની પીચ ઉપર ટૉસ જીતનાર હંમેશાં પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લે છે. તેનું કારણ એ કે મોહાલીમાં ઝાકળ ખૂબ જ હોય છે, જેને કારણે બીજી ઇનિંગમાં બોલિંગ નાખવી અને કેચ પકડવો ખૂબ જ અઘરો થઈ જાય છે. આ જ કારણથી અહીં ચેઝ કરવું આસાન રહે છે.

આ પિચ પર T20 ઈન્ટરનેશનલમાં પહેલા ટૉસ જીતીને ફિલ્ડિંગ લેનાર ટીમે 60% મેચ જીતી છે. આ પિચ ઉપર 8+ પર ઓવર રન આવે છે. અહીની પિચ એકદમ સપાટ હોય છે, જેને કારણે મોહાલીમાં હંમેશાં હાઇસ્કોરિંગ મેચ બને છે.

આ ભૂલો જો ના સુધારી તો વર્લ્ડ કપ હાથમાંથી જઈ શકે છે...

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે જો આ ભૂલો ના સુધારી, તો ફરી એકવાર ભારતને વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનો વારો આવી શકે છે. કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતે ટીમ કોમ્બિનેશન મેળવવા માટે ઘણાં ઓપ્શન અજમાવી લીધા છે, જે અંતે ટીમને જ ભારે પડે છે. જો તેઓ આ ભૂલ વર્લ્ડ કપમાં રિપીટ કરી છે, તો ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાંથી એક્ઝિટ થઈ શકે છે.