પાકિસ્તાની ખેલાડી ભારત સાથે ક્રિકેટમાં સંબંધો અંગે નિવેદન આપી રહ્યા છે. કાશ્મીરમાં જોવા જઈએ તો હજુ સ્થિતિ વણસી રહી છે તેવામાં પાક. વિકેટકીપર મોહમ્મદ રિઝવાને અવું કહીને ચોંકાવી દીધા છે કે કેટલાક ભારતીય ખેલાડી PAK સાથે સિરીઝ રમવા ઉત્સુક છે. જોકે તેણે કોઈપણ પ્લેયરનું નામ નથી આપ્યું. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ....
રિઝવાનના નિવેદન પછી સવાલો ઊઠ્યા
ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમીને પરત આવ્યા પછી રિઝવાને કહ્યું કે ઈન્ડિયન પ્લેયર્સ પણ પાકિસ્તાન સામે સિરીઝ રમવા માગે છે. પરંતુ સ્થિતિ તેમના હાથમાં નથી. એવા ઘણા મુદ્દા છે જેનો ઉકેલ ક્રિકેટર્સ લાવી શકે એમ નથી અથવા તેમની પાસે આની સત્તા નથી.
આ નિવેદન પછી ભારતમાં એ સવાલ થયો છે કે કોણે આવું નિવેદન આપ્યું હશે. પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ રમાય એવી ચર્ચા રિઝવાને કોની સાથે કરી હશે? બીજી બાજુ ચેતેશ્વર પૂજારા દ્વારા મળેલી બર્થડે વિશ પછી ઓવર કોન્ફિડન્સમાં રિઝવાને કઈ ખોટા નિવેદનો તો નથી આપી દીધા! જોકે રસપ્રદ વાત એ છે કે અત્યારસુધી પૂજારાની વિશ રિઝવાને પૂરી કરી નથી.
રમીઝ રાજા પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા
PCB ચીફ બનવા મુદ્દે રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તે BCCI ચીફ સૌરવ ગાંગુલી સાથે તે વાત કરશે. ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ. વધુમાં રમીઝ રાજાએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ ભારતના આધાર પર ચાલે છે. જો BCCI ઈચ્છે તો પાકિસ્તાન ક્રિકેટ બરબાદ થઈ શકે છે.
રમીઝ રાજા જાણતો હતો કે વર્તમાન પરિસ્થિતિમાં ગાંગુલી ક્યારેય દ્વિપક્ષીય સિરીઝ માટે સહમત નહીં થાય. તે 2019ના વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના પક્ષમાં નહોતા.
રિઝવાનના નિવેદનનું ચેતેશ્વર પૂજારા સાથે કનેક્શન
રિઝવાન સારી રીતે જાણે છે કે તેના નિવેદનનો અર્થ શું છે અને 'પાકિસ્તાન તરફથી રમવા માંગતો ભારતીય ક્રિકેટર' કહીને કયા ખેલાડીનો ઉલ્લેખ કરવામાં આવશે.
બધા જાણે છે કે આ નિવેદન બાદ પૂજારા પર જ આંગળી ઉઠાવવામાં આવશે. બંનેએ સાથે મળીને કાઉન્ટી ટીમ સસેક્સ માટે ડેબ્યુ કર્યું હતું. તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
પૂજારા વિલન બની જાય એવી સંભાવના
રિઝવાનનું નિવેદન પુજારાને ભારતમાં વિલન બનાવી શકે છે. પુજારા એ પણ જાણે છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરવાથી તે ભારતીય ચાહકો માટે વિલન બની જશે. નવજોત સિંહ સિદ્ધુ, યુવરાજ સિંહ અને હરભજન સિંહ તેના ઉદાહરણ છે.
ભજ્જી અને યુવીએ શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને સમર્થન આપ્યું હતું અને ત્યારપછી તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી આફ્રિદીએ કાશ્મીરના મુદ્દા પર ખોટી રજૂઆત કરી હતી અને તેમનો સાચો રંગ બતાવી દીધો હતો. જેના જવાબમાં ભજ્જી અને યુવીએ તેમની મિત્રતા છોડી દેવી પડી હતી.
જ્યાં સુધી પાકિસ્તાન તેના નાપાક કૃત્યથી બચશે નહીં ત્યાં સુધી ક્રિકેટ નહીં રમાય
આ સમગ્ર મામલે ભારતીય ક્રિકેટ ફેન્સ અને સરકાર તેમના જૂના સ્ટેન્ડ પર અડીખમ છે. જ્યાં સુધી પાકિસ્તાન તેના નાપાક ઈરાદા નહીં છોડી દે ત્યાં સુધી કોઈ રમત શક્ય નથી. અત્યારે પણ સરહદ પર સમયાંતરે યુદ્ધવિરામ ભંગના અહેવાલો સામે આવતા રહે છે.
પાકિસ્તાન કાશ્મીર પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરતું આવ્યું છે. કાશ્મીરી પંડિતોની હત્યાથી આખો દેશ ગુસ્સમાં છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટરો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું ઈચ્છે છે તેવું રિઝવાનનું નિવેદન પાકિસ્તાની પ્રોપેગેન્ડા લાગે છે. એવું પણ બની શકે છે કે આ મુદ્દે અન્ય ખેલાડીઓ પણ સામે આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.