વેસ્ટઈન્ડિઝ ટૂર ઓફ ઈન્ડિયા સામે કોરોનાનું ગ્રહણ ન લાગે એના માટે BCCIએ પ્લાન-B બનાવી લીધો છે. દેશમાં વધતા જતા ઓમિક્રોનના સંકટના કારણે હવે અમદાવાદમાં ત્રણેય વનડે મેચ તથા કોલકાતામાં ત્રણેય T20 મેચ રમાશે. આના કારણે ટીમે વિવિધ શહેરોમાં પ્રવાસ કરવાની જરૂર નહીં રહે અને ટીમો ચુસ્ત પ્રોટોકોલ સાથે માત્ર 2 ગ્રાઉન્ડ પર જ બંને સિરીઝ રમતી જોવા મળશે.
મીટિંગમાં ખેલાડીની સુરક્ષાને પ્રાથમિકતા
આ અંગે BCCIની ટૂર અને ફિક્સચર કમિટિએ બુધવારે એક બેઠક કરી હતી. જેમાં વનડે અને T20 સિરીઝ માટે અલગ-અલગ 6 સ્થળે ફરવાને બદલે માત્ર 2 શહેરના ગ્રાઉન્ડને જ આનું આયોજન સોંપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેવામાં બોર્ડને પણ આ પ્લાન-B પસંદ આવતા આજે શનિવારે અમદાવાદ અને કોલકાતામાં જ સિરીઝનું આયોજન થશે એ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
વેસ્ટ ઈન્ડિઝ ટૂર ઓફ ઈન્ડિયા, 2022
બોર્ડના જૂના પ્લાનમાં 6 સ્થળોનો ઉલ્લેખ
BCCIએ આ સિરીઝ માટે પહેલા 6,9,12 ફેબ્રુઆરીના દિવસે વનડે મેચ અમદાવાદ, જયપુર, કોલકાતામાં આયોજન કરવાનો પ્લાન બહાર પાડ્યો હતો. જ્યારે T20 મેચ 15,18 અને 20 ફેબ્રુઆરી પૈકી કટક, વિશાખાપટ્ટનમ અને ત્રિવેંદ્રમમાં રમાવાની હતી. પરંતુ દેશમાં અત્યારે કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ પ્રમાણેનું આયોજન જોખમી રહેશે. તેવામાં ટૂર અને ફિક્સચર કમિટિએ અમદાવાદ અને કોલાકાતામાં જ આયોજન કરવાનો પ્લાન બનાવ્યો છે. આ અંગે સત્તાવાર માહિતી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ માહિતી બહાર પાડી દીધી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બેઠક-ક્ષમતા 1 લાખ 32 હજાર
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલાં 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક-ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે, એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે.
આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે કેમેરા અને અન્ય ટેક્નિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુપડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક-ક્ષમતા 1 લાખ 10 હજાર નહીં, પરંતુ 1 લાખ 32 હજાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.