ક્રિકેટની 'એલ-ક્લાસિકો' IND v/s PAK:ઈન્ડિયન ટીમે 15 વર્ષથી UAEમાં એકપણ T-20 મેચ રમી નથી; પાકિસ્તાન અહીં છેલ્લા 5 વર્ષથી અજેય

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PAK ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ; ઈન્ડિયન ટીમની બેટિંગ લાઈનઅપ સ્ટ્રોંગ

17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. આ ટૂર્નામેન્ટની હાઈવોલ્ટેજ એલ-ક્લાસિકો મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ઈન્ડિયાને ક્યારેય હરાવી શકી નથી. બંને ટીમ T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે અને આ તમામ મેચમાં ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

જોકે આ વખતે વર્લ્ડ કપ UAEમાં રમાશે. ઈન્ડિયન ટીમ છેલ્લા 15 વર્ષમાં અહીં એકપણ T-20 મેચ રમી નથી, જ્યારે પાકિસ્તાની ટીમ UAEમાં 36 મેચ રમી ચૂકી છે. પાકિસ્તાનના રેકોર્ડ્સની વાત કરીએ તો એણે 36માંથી 21 મેચ જીતી છે જ્યારે 13 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ તમામ સ્ટેટ્સને વધુ વિગતવાર જોઇએ તો UAEમા છેલ્લા પાંચ વર્ષની અંદર પાકિસ્તાને 11 મેચ રમી છે અને તે તમામ મેચમાં એણે જીત પ્રાપ્ત કરી છે.

દુબઈમાં પાકિસ્તાનનું પ્રશંસનીય પ્રદર્શન
દુબઈમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. પાકિસ્તાની ટીમે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ મેચ જીતી છે. આ સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમે 25 મેચમાંથી 14 જીતી છે તો 10માં હારનો સામનો કર્યો છે. વળી ઈન્ડિયન ટીમે દુબઈમાં એકપણ T-20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જોકે ઈન્ડિયન પ્લેયર્સે IPLમા ભાગ લેવાની સાથે પિચની કંડિશન વિશે વિગતવાર માહિતી જરૂર મેળવી લીધી છે પરંતુ હવે આ અનુભવ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલો કામ લાગશે એ જોવા જેવું રહેશે.

પાકિસ્તાન છેલ્લા 5 વર્ષથી UAEમાં અજેય
પાકિસ્તાની ટીમે છેલ્લા 5 વર્ષમાં UAEમાં એક પણ T-20 મેચ હારી નથી. ટીમે ત્યાં 6 મેચ રમી અને તમામ મેચ જીતી છે. એકંદર T-20ની વાત કરીએ તો ઈન્ડિયા અને પાકિસ્તાને 8 મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 અને પાકિસ્તાને 1 મેચ જીતી હતી. ઈન્ડિયન ટીમે 1 મેચ ટાઇ થતા બોલઆઉટ દરમિયાન જીત દાખવી હતી.

પાકિસ્તાની ટીમની T-20માં બોલબાલા

 • પાકિસ્તાની ટીમે બાબર આઝમની કેપ્ટનશિપમાં અત્યારસુધી સારુ પ્રદર્શન દાખવ્યું છે.
 • પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને તેમના જ ઘરઆંગણે T-20 સિરીઝમાં હરાવી પોતાનો ડંકો વગાડ્યો હતો.
 • જોકે પાકિસ્તાની ટીમ 2-1થી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ હારી ગઈ હતી. આટલું જ નહીં પાકિસ્તાને વેસ્ટઈન્ડિઝની ટીમને પણ 4 મેચની સિરીઝમાં 1-0થી હરાવી હતી.

PAK ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ
પાકિસ્તાની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. બાબર આઝમ ઉપરાંત ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શાદાબ ખાન, સરફરાઝ અહમદ અને હસન અલીના રૂપમાં અનુભવી ખેલાડીઓ છે. જ્યારે શાહીન આફ્રિદી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવી, ઉસ્માન કાદિર અને મોહમ્મદ નવાઝના રૂપમાં કેટલાક મહાન યુવા ખેલાડીઓ પણ સામેલ છે. આ ટીમનું કોમ્બિનેશન જોતા આ ટર્મના વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમ ઈન્ડિયાને ટક્કર આપી શકે છે.

ઈન્ડિયન ટીમની બેટિંગ લાઈનઅપ સ્ટ્રોંગ
ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો IPLના કારણે ટીમને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી કેટલાક ટેલેન્ટેડ યુવા ક્રિકેટરો મળ્યા છે, જેઓ પોતાના એક એન્ડથી જ આખી મેચ ઈન્ડિયન ટીમને જીતાડવા માટે સક્ષમ છે. ઈન્ડિયન ટીમની બેટિંગમાં રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ટેલેન્ટેડ ખેલાડીઓ છે. આ ખેલાડીઓ મેચની વિવિધ કંડિશન પ્રમાણે ગમે ત્યારે પોતાની ગેમ બદલી શકે છે.

ઇન્ડિયન ટીમની પાસે છે આક્રમક બોલિંગ લાઇનઅપ

 • છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઇનઅપ વિશ્વની શ્રેષ્ઠ બોલિંગ લાઇનમાંની એક છે.
 • ટીમમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારના રૂપમાં ત્રણ અનુભવી પેસ બોલર્સ છે.
 • સ્પિન બોલિંગમાં રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડીઓ હોવાથી ઈન્ડિયન ટીમ મિડલ ઓવર્સમાં પણ વિકેટ્સ લઇ શકવા માટે સક્ષમ છે.
 • હવે આવી પરફેક્ટ કોમ્બિનેશનવાળી ટીમને હરાવવા માટે પાકિસ્તાને પણ લોઢાના ચણા ચાવવા પડશે.

શું આ વખતે પણ પાકિસ્તાનની બોલિંગ અને ઈન્ડિયાની બેટિંગ વચ્ચે જંગ થશે?

 • છેલ્લા બે દશકામાં જ્યારે પણ પાકિસ્તાન અને ઈન્ડિયા મેદાન પર એકબીજાનો સામનો કરે છે, ત્યારે પાકિસ્તાનના બોલર્સ અને ઈન્ડિયન બેટ્સમેન વચ્ચે મેચ રમાતી હોય તેવું લાગતું હોય છે.
 • જોકે, આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળી હતી અને મોટાભાગની મેચમાં ઈન્ડિયન ટીમનું પલડું ભારે જોવા મળ્યું હતું.
 • 2007 T-20 વર્લ્ડ કપની બંને મેચ અને 2016 વર્લ્ડ કપની મેચમાં બંને ટીમો વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા જોવા મળી હતી.

શાદાબ સિવાય પાકિસ્તાની ટીમમાં એકપણ વર્લ્ડ ક્લાસ સ્પિનર ​​નથી

 • ઈન્ડિયન બોલિંગ હવે વિશ્વની શ્રેષ્ઠ બોલિંગ લાઇનઅપ્સમાંથી એક છે. તે જ સમયે, પાકિસ્તાન પાસે શાદાબ સિવાય કોઈ વર્લ્ડ ક્લાસ સ્પિનર ​​નથી.
 • દુબઇની સપાટ પિચ પર પાકિસ્તાની બોલર્સે ઈન્ડિયાની આક્રમક બેટિંગ લાઇનઅપ સામે સંઘર્ષ કરવો પડી શકે છે.
 • નિષ્ણાતોના મત મુજબ પાકિસ્તાનની બોલિંગ એટલી મજબૂત નથી જેટલી 90ના દશકામાં જોવા મળતી હતી.

પ્રેશરના કારણે પાકિસ્તાન મેચ જીતી શક્યું નથી

 • વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની હારનું મુખ્ય કારણ મેચ પ્રેશર રહ્યું છે.
 • મહત્ત્વપૂર્ણ છે કે ઈન્ડિયન ટીમ સામે જ્યારે પણ મેચ હોય ત્યારે પાકિસ્તાની પ્લેયર્સ કંઇક અલગ જ પ્રેશર અનુભવતા હોય છે.
 • જોકે પાકિસ્તાનની યુવા ટીમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર બેટિંગ કરીને ઈન્ડિયન ટીમને હરાવી હતી.
અન્ય સમાચારો પણ છે...