શ્વાસ થંભાવી દે તેવી મેચમાં ભારતની ભવ્ય જીત:એક બોલ, એક રન... ભારતીય ચાહકોની આંખો બંધ અને ચહેરા આકાશ તરફ હતા, હે ભગવાન જીતાડી દેજે અને....

2 મહિનો પહેલા

રવિવારની રજાનો દિવસ. ભારત-પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચનો સમય થતો આવતો હતો. બપોરે 1 વાગ્યે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન મેદાનમાં ટોસ થયો તો ત્યારે ઇન્ડિયાએ જીત્યો. ઇન્ડિયાએ પહેલાં ફિલ્ડીંગ ભરવાનું નક્કી કર્યું. પાંચ જ મિનિટમાં પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરી ગઈ.
ઇન્ડિયન્સ બોલરની તોફાની બોલિંગ શરૂ થઈ. ત્રણ ઓવર થઈ ત્યાં પાકિસ્તાનની ટીમના આધાર સ્તંભ કેપ્ટન બાબર આઝમ અને મહંમદ રિઝવાન આઉટ થઈ ગયા. ઇન્ડિયામાં ચિચિયારીઓ થતી હતી અને પાકિસ્તાનમાં સન્નાટો છવાઈ ગયો.
મેચ આગળ વધતી ગઈ. રન પણ થતા ગયા. પાકિસ્તાનના બેટર સટાસટ રન બનાવતા હતા ત્યાં 14મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ બે વિકેટ પાડી નાખી. પાકિસ્તાનના 100 રનમાં તો અડધી ટીમ આઉટ થઈ ચૂકી હતી.
મેચ ભારત માટે આસાન બનતી ગઈ. મેચના અંતિમ બોલમાં પાકિસ્તાને 159 રન બનાવ્યા અને 160 રનનો ટાર્ગેટ ભારતને આપ્યો. દસ મિનિટના બ્રેક પછી ભારતનો દાવ આવ્યો. કેપ્ટન રોહિત શર્મા અને કે.એલ.રાહુલ પિચ પર ઉતર્યા. તરત આઉટ થઈ ગયા. ભારતના 32 રન થયા ત્યાં તો 4 વિકેટ પડી ગઈ હતી. ભારતમાં સન્નાટો છવાઈ ગયો અને પાકિસ્તાનમાં ચિચિયારીઓ થવા લાગી. ભારત હારી જ જશે, એવું કરોડો ચાહકોને થઈ ગયું. મેલબર્નના મેદાનમાં 90 હજાર દર્શકો હતા. એમાંથી ભારતના દર્શકો હતા તેના ચહેરા બદલાઈ ગયા. હવે?
પછી વિરાટ કોહલી અને સૂર્યા યાદવ આવ્યા. વિરાટે 'વિરાટ' રૂપ બતાવ્યું. ચોગ્ગા અને છગ્ગાની 'આતશબાજી' કરીને જીતની આશા જીવંત કરી. ભારત હારી જશે, એવું માનીને જે લોકો ફળિયામાં બહાર કે એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં નીચે ચાલ્યા ગયા હતા એ ફરી ટીવી સામે ગોઠવાઈ ગયા. સૂર્યા અને વિરાટે ત્રણ વખત દોડીને ત્રણ-ત્રણ રન લઈ લીધા. સૂર્યા આઉટ થયા પછી અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને આર અશ્વિન મેદાનમાં આવી ગયા પણ વિરાટ અણનમ રહ્યો.
ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાની બોલરોની સરખાઈની ધોલાઈ કરી. કુલ 6 સિક્સ ફટકારી એમાંથી 4 તો કોહલીએ મારી અને બે સિક્સ હાર્દિક પંડ્યાએ ફટકારી.
પાકિસ્તાની ચાહકો મોઢામાં આંગળા નાંખીને નખ કોતરવા લાગ્યા. ભારતના ચાહકોએ નક્કી કરી લીધું, ભલે કાળી ચૌદશ હોય, દિવાળી જ મનાવીશું. પણ એક પછી એક ખેલાડી આઉટ થતા ગયા. ફરી રનની આતશબાજી થઈ. અપ્સ-ડાઉન એટલા આવ્યા કે મેચ જોનારને જાણે 'રોલર કોસ્ટર'માં બેઠાં હોઈએ એવી અનુભૂતિ થઈ. પછી વિરાટની સાથે આર અશ્વિન ઉતર્યો. 2 બોલમાં 5 રન બાકી... અને છેલ્લે તો એક બોલમાં એક રન બાકી....
ભારતના ચાહકોની આંખો બંધ હતી અને ચહેરા આકાશ તરફ હતા. હે ભગવાન... ભારતને જીતાડી દેજે... છેલ્લા બોલ માટે પાકિસ્તાની સ્પીનર મહંમદ નવાઝે દોટ મૂકી.. શ્વાસ થંભી ગયા હતા. એક બોલ અને એક રન.... શું થશે?.... અને આર. અશ્વિને છેલ્લે શોટ ફટકારી ભારતને ભવ્ય જીત અપાવી...
હોહા... દેકારો... ચીચીયારીથી મેદાન ગુંજી ઉઠ્યું. ભારતમાં દિવાળીના બદલે મેચ માટે ફટાકડા ફૂટવા લાગ્યા.... સુરતમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા....
આ મેચ જેણે નથી જોઈ તેણે મિસ કરી....
મેચ માટેના વિસ્તૃત અહેવાલ માટે આગળ વાંચો...

દિવાળીના આગલા દિવસે ભારતે વિરાટ કોહલીની 'વિરાટ' ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની 'ગ્રેટેસ્ટ ઇનિંગ' રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 154.72ની રહી હતી. તેણે એકલા હાથે ટીમને જિતાડીને ગત વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સાથે જ ભારતે આ વર્લ્ડ કપનો પણ કટ્ટર હરિફ એવા પાકિસ્તાનને હરાવીને જીતથી સંગીન પ્રારંભ કર્યો છે.

અગાઉ ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો.

અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા.

નસીમ શાહે કેએલ રાહુલને આઉટ કરીને પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી
નસીમ શાહે કેએલ રાહુલને આઉટ કરીને પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી
હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

બે વખત બચ્યો શાન મસૂદ

પાકિસ્તાનની ઇનિંગની શાન મસૂદને બે વખત જીવતદાન મળ્યું છે. પહેલા 6.3 ઓવરે હાર્દિકે રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મસૂદ બચી ગયો હતો. તે સાવ થોડાક માટે રહી ગયો હતો. તો આના પછીની ઓવરમાં થર્ડમેન ઉપર અશ્વિને તેનો કેચ છોડીને તેને બીજું જીવતદાન આપ્યું હતું.

T20 વર્લ્ડ કપમાં ભારત જ્યારે પણ ટૉસ જીત્યું છે, ત્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું છે
ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી. ત્યારે આ રેકોર્ડને જોતા, આજે પણ ભારતીય ટીમ સારું પરફોર્મંસ આપીને આ ખરાખરીના જંગમાં જીત મેળવશે. આ અગાઉ ટીમે 3 વખત ટૉસ જીત્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જ જીત મેળવી છે.

બન્ને ટીમની પ્લેંઇગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, હૈદર અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

ભારત અને પાકિસ્તાન મેચમાં ચાહકો ઉમટી પડ્યા છે...

T20 વર્લ્ડ કપ 2022ના સૌથી મોટો મુકાબલો માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આજે, ભારત અને પાકિસ્તાનની ટીમ બપોરે 1.30 વાગ્યે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતરશે, ત્યારબાદ લગભગ 1 લાખ દર્શકો સ્ટેડિયમમાં તેનો આનંદ માણશે અને લગભગ 300 મિલિયન લોકો ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેનો આનંદ માણશે. હવામાન મોરચે પણ રાહતના સમાચાર છે. ગઈકાલ સુધી મેચ દરમિયાન વરસાદની સંભાવના 90% હતી. હવે તેની સંભાવના ઘટીને 15% થઈ ગઈ છે.

આજ સવારના હવામાન અપડેટ મુજબ, મેલબોર્નમાં વાતાવરણ વાદળછાયું હતું, પરંતુ હવે તે વાદળો વિખેરાઈ ગયા છે. વરસાદની સંભાવના પણ હવે ઓછી થઈ ગઈ છે.

મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા.
મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા.
મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં.
મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં.

આ સ્ટોરીમાં આગળ હવે પિચ રિપોર્ટ અને બન્ને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ વાંચો

37 વર્ષ પછી મેલબોર્નમાં બન્ને ટીમની વચ્ચે મેચ રમાશે
ઓસ્ટ્રેલિયાના MCG સ્ટેડિયમમાં 37 વર્ષ પછી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાશે. આ મેદાને છેલ્લીવાર બન્ને ટીમ 1985માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટકરાઈ હતી.

મેલબોર્નની પિચ કેવી છે?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની છેલ્લી 5 મેચની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. આ પાંચેય મુકાબલામાં હાઈએસ્ટ સ્કોર 175 રનનો રહ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાની સામે બનાવ્યો હતો.

પહેલી ઇનિંગમાં એવરેજ સ્કોર 145 રન છે. તો બીજી ઇનિંગમાં એવરેજ સ્કોર 140 રન છે. ભારતે આ મેદાનમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ 184 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો આ મેદાનમાં એવરેજ સ્કોર 125 રન છે. આ પિચમાં ફાસ્ટ બોલરોને મદદ મળતી હોય છે. આ પિચ પર પેસર્સે 59 વિકેટ ઝડપી છે.

T20 વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારી
બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં 6 વખત ટકરાઈ છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે.

T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી.

ઓસ્ટ્રેલિયામાં પણ ભારતનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયામાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયાએ ત્યાં 12 મેચ રમી છે. આમાં 7 જીતી છે અને 4 હારી છે. એક મેચ અનિર્ણિત છે. ભારતે આ તમામ 12 મેચ માત્ર ઓસ્ટ્રેલિયા સામે જ રમી છે.

તમે મેચ ક્યાં અને કયા સમયે જોઈ શકો છો!
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યાથી રમાશે. ટોસ અડધો કલાક વહેલો એટલે કે બપોરે 1:00 વાગ્યે થશે. તો મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ થશે. આ સાથે તમે લાઇવ અપડેટ્સ દિવ્ય ભાસ્કરને અપ પર જોઈ શકો છો.

શાહિન શાહ આફ્રિદી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો રહેશે. 2021ના T20 વર્લ્ડ કપમાં શાહિને 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રોહિત, વિરાટ અને કેએલ રાહુલ દુબઈમાં મળેલી હારનો બદલો લેવા આજે મેદાને ઉતરશે. તો એશિયા કપ માટે પાકિસ્તાન ના રમવા જવા અંગે BCCIના નિવેદન પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું, અને તેઓએ આવતા વર્ષે ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપને બૉયકૉટ કરવાની ધમકી આપી હતી. ત્યારે આજની મેચમાં સૌ કોઈની નજર રહેશે.