આજે ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટની સામે કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડ્યા પછી ડેવોન કોનવે અને હેનરી નિકોલસે ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 106 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓપનર ડેવોન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 100 બોલમાં 138 રન બનાવ્યા હતા. ટીમનો સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર હેનરી નિકોલસ રહ્યો હતો. તેણે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં હીરો શાર્દૂલ ઠાકુર રહ્યો હતો. તેણે માત્ર 9 બોલની અંદર ગેમ પલટી દીધી હતી. શાર્દૂલે તેની ચોથી અને પાંચમી ઓવર, એમ બે ઓવરની અંદર જ 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ, જ્યારે હાર્દિક અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી.
પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ
ટીમ ઈન્ડિયા વન-ડેમાં પણ નંબર-1
ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડે મેચ જીતી લીધી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 90 રને હાર આપી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા વન-ડેમાં પણ નંબર-1 બની ગઈ છે. આ જીત સાથે જ ભારતના 114 પોઇન્ટ્સ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા વન-ડે ઉપરાંત T20માં પણ નંબર-1 છે, જ્યારે ટેસ્ટમાં બીજા નંબરે છે.
ન્યૂઝીલેન્ડની સામે ત્રીજીવાર ક્લિન સ્વિપ કર્યું
ટીમ ઈન્ડિયાએ આજની મેચ જીતી લીધી હતી. આ સાથે જ તેઓએ ન્યૂઝીલેન્ડને ક્લિન સ્વિપ કર્યું હતું. 13 વર્ષ પહેલા 2010માં ટીમ ગૌતમ ગંભીરની કેપિટનશિપમાં આવું પરાક્રમ કરી ચૂકી છે. ત્યારે ભારતે ન્યૂઝીલેન્ડને 5 મેચની સિરીઝમાં 5-0થી હરાવ્યું હતું. તેની પહેલા ટીમ ઈન્ડિયાએ 1988માં 4 મેચની સિરીઝમાં ક્લિન સ્વિપ કરી હતી.
ઘરઆંગણે 38માંથી 29 મેચ જીતી
બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં 116 વન-ડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 58 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. એક ટાઈ થઈ છે અને 7 મેચ અનિર્ણિત રહી છે. ઘરઆંગણે ભારતે કિવીઝ સાથે 38 મેચ રમી છે. તેમાંથી 29 મેચમાં જીત મળી છે, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી છે.
સતત સાતમી વન-ડે જીતી ટીમ ઈન્ડિયા ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડે 90 રને જીતી લીધી હતી. આ સાથે જે તેઓએ સતત સાતમી વન-ડે મેચ જીતી છે. છેલ્લે બાંગ્લાદેશે ભારતને મીરપુરમાં 7 ડિસેમ્બર 2022ના રોજ હરાવ્યું હતું.
આવી રીતે પડી ન્યૂઝીલેન્ડની વિકેટ...
પહેલી: ફિન એલન પહેલી ઓવરના બીજા બોલે જ બોલ્ડ થયો હતો. તેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.
બીજી: કુલદીપ યાદવે હેનરી નિકોલસને LBW આઉટ કર્યો હતો.
ત્રીજી: શાર્દૂલ ઠાકુરે ડેરિલ મિટેલને આઉટ કર્યો હતો. તેનો કેચ વિકેટકીપર ઈશાન કિશન કર્યો હતો.
ચોથી: સતત બીજા બોલે શાર્દૂલે વિકેટ લીધી હતી. તેણે કેપ્ટન ટૉમ લાથમને આઉટ કર્યો હતો.
પાંચમી: 28મી ઓવરના ચોથા બોલ પર શાર્દૂલે મિડવિકેટ પર કોહલીના હાથે ગ્લેન ફિલિપ્સને કેચ આઉટ કરાવ્યો હતો.
છઠ્ઠી: ઉમરાન મલિકે 142 કિમીની ઝડપે નાખેલા બોલના કારણે સેન્ચુરીયન ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.
સાતમી: માઇકલ બ્રેસવેલ કુલદીપના બોલને રમવા થોડો આગળ વધ્યો હતો. જોકે કુલદીપે વાઇડ નાખતાં, ઈશાને બ્રેસવેલને સ્ટમ્પ્ડ કર્યો હતો.
આઠમી: કુલદીપે ત્રીજી વિકેટ લેતાં ફર્ગ્યુસનને આઉટ કર્યો હતો. તેનો કેચ એક હાથે રોહિત શર્માએ મિડ-વિકેટ પર પકડ્યો હતો.
નવમી: યુઝવેન્દ્ર ચહલે જેકોબ ડફીને LBW આઉટ કર્યો હતો.
દસમી: યુઝવેન્દ્ર ચહલે બીજી સફળતા મેળવતા મિચેલ સેન્ટનરને આઉટ કર્યો હતો. તેનો કેચ મિડ-વિકેટ પર ઊભેલા વિરાટ કોહલીએ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ...
ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 385 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનર્સે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં રોહિત શર્માએ વન-ડે કરિયરની 30મી સદી ફટકારતાં 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. તો શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મનો પરચો ફરી બતાડ્યો હતો. તેણે વન-ડે કરિયરની ચોથી અને સિરીઝની બીજી સદી ફટકારી હતી. તેણે 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 54 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 27 બોલમાં 36 રન કર્યા હતા. શાર્દૂલે અંતમાં 25 રન કરીને હાર્દિકને સાથ આપ્યો હતો.
ન્યૂઝીલેન્ડના બોલર્સની આજે ધોલાઈ હતી. 25 ઓવર સુધી કિવીઝને એક પણ સફળતા મળી નહોતી. જોકે રોહિતને આઉટ કર્યા પછી કિવીઝ ગેમમાં પરત ફર્યું હતું અને ટીમ ઈન્ડિયાની 9 વિકેટ પાડી દીધી હતી. જેકોબ ડફીએ 10 ઓવરમાં 100 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બ્લેર ટિકનરે પણ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે માઇકલ બ્રેસવેલને 1 વિકેટ મળી હતી.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: રોહિત શર્મા 101 રન બનાવીને આઉટ થયા હતા. માઇકલ બ્રેસવેલે તેમને બોલ્ડ કર્યા હતા. પહેલી વિકેટ 26મી ઓવરે પડી હતી.
બીજી: શુભમન ગિલ 112 રને આઉટ થયો હતો. તે બ્લેર ટિકનરે આઉટ-સાઇડ ઑઉ સ્ટમ્પે સ્લોઅર બોલ નાખ્યો હતો. જેને ગિલ પુલ શોટ મારવા જતા એડ્જ વાગી હતી અને બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા કોનવેએ કેચ કરી લીધો હતો.
ત્રીજી: કોહલી અને ઈશાન વચ્ચે મિસ કોમ્યુનિકેશનના કારણે ઈશાન કિશન 17 રને રનઆઉટ થયો હતો.
ચોથી: વિરાટ કોહલી કવર પરથી શોટ મારવા જતાં 36 રને ફિન એલનના હાથે કેચઆઉટ થયા હતા.
પાંચમી: સૂર્યકુમાર યાદવે મિડવિકેટ પર શોટ ફટકાર્યો હતો, જેને ત્યાં ઊભેલા ડેવોન કોનવેએ કેચ કરી લીધો હતો. જેકોબ ડફીને વિકેટ મળી હતી.
છઠ્ઠી: ટિકનરે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પમાં નાખેલા બોલને સુંદર કટ શોટ મારવા ગયો હતો. જોકે એડ્જ વાગતા પોઇન્ટ પર ઊભેલા ડેરિલ મિચેલે પાછળ દોડીને શાનદાર કેચ કર્યો હતો.
સાતમી: શાર્દૂલ ઠાકુર સ્કુપ શોટ મારવા જતા કેચઆઉટ થયો હતો.
આઠમી: જેકોબ ડફીએ સ્લોઅર બોલ નાખ્યો હતો, જેના કારણે હાર્દિકને ટાઇમિંગ મળ્યું નહોતું અને તે લોંગ-ઓન પર કોનવેના હાથે કેચઆઉટ થયો હતો.
નવમી: ઇનિંગ્સના છેલ્લા બોલે કુલદીપ બીજો રન લેવામાં રનઆઉટ થયો હતો.
શુભમન ગિલે ચોથી સદી ફટકારી
યુવા ઓપનર હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે આ સિરીઝની બીજી સદી ફટકારી દીધી છે. ગિલે તેના વન-ડે કરિયરની ચોથી સદી ફટકારી છે. તેણે પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. ગિલ 78 બોલમાં 112 રન બનાવીને આઉટ થયો હતો.
રોહિત શર્માએ 3 વર્ષ પછી સદી ફટકારી
કેપ્ટન રોહિત શર્માએ આજે વન-ડે કરિયરની 30મી સદી ફટકારી છે. તેઓએ આશરે 3 વર્ષ પછી સદી ફટકારી છે. છેલ્લે તેમણે 19 જાન્યુઆરી, 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સદી ફટકારી હતી.
રોહિત-ગિલની જબરદસ્ત બેટિંગ
રોહિત શર્મા અને શુભમન ગિલ હાલ જોરદાર બેટિંગ કરી હતી. બન્ને બેટર્સે સેન્ચુરી ફટકારી છે. રોહિત શર્મા 101 રન બનાવીને આઉટ થયા હતા. . બન્ને ઓપનર્સ 9+ની રનરેટથી રન બનાવ્યા હતા. પહેલી વિકેટ માટે બન્ને વચ્ચે 212 રનની પાર્ટનરશિપ થઈ હતી.
પાવરપ્લેમાં 82 રન, 70 રન બાઉન્ડ્રીથી આવ્યા ટીમ ઈન્ડિયાએ આજે શાનદાર શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં (10 ઓવર) વિના વિકેટે 82 રન બનાવી લીધા હતા. આ એક શાનદાર શરૂઆત હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ 82 રનમાંથી 70 રન તો બાઉન્ડ્રીથી આવેલા છે.
ઓપનિંગ કરતા રોહિત શર્માએ 10 વર્ષે પૂરા કર્યા
કેપ્ટન રોહિત શર્માએ ફૂલટાઇમ ઓપનર બેટર તરીકે 10 વર્ષ પૂરા કર્યા છે. તેઓએ ઓપનિંગમાં 55ની એવરેજથી અને 93ની સ્ટ્રાઈક રેટથી 7300+ રન બનાવી લીધા છે.
મેચના ફોટોઝ...
પ્લેઇંગ-11માં ફેરફાર
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના સ્થાને યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકને ટીમમાં સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડે પણ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. તેઓએ હેનરી શિપ્લેની જગ્યાએ જેકોબ ડફીને લીધો છે.
હવે જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
ન્યૂઝીલેન્ડ: ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલસ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, જેકોબ ડફી, બ્લેર ટિકનર અને લોકી ફર્ગ્યુસન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.