કોહલીનો રેકોર્ડ જોખમમાં:આજે ન્યૂઝીલેન્ડ સામે મેચ, ગુપ્ટિલ વિરાટનો રેકોર્ડ તોડશે, રોહિત, ચહલ અને રાહુલે કમાલ કરી તો ઘણા રેકોર્ડ્સની હારમાળા સર્જાશે

20 દિવસ પહેલા
  • રોહિત શર્મા પાસે સિક્સર કિંગ બનવાની તક
  • યૂઝવેન્દ્ર ચહલ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે

આજે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. ઈન્ડિયન ટીમ નવા કેપ્ટન અને કોચ સાથે ઉતરશે. ચાલો તમને જણાવીએ કે સિરીઝમાં કયા-કયા રેકોર્ડ્સ બની શકે છે.

વિરાટ કોહલીનો રેકોર્ડ તૂટી શકે છે
ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ જો સિરીઝમાં 81 રન બનાવી લે છે તો ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલ, આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 3227 રન બનાવ્યા છે. આ સિરીઝમાં વિરાટ ટીમમાં નથી તેથી ગુપ્ટિલ સરળતાથી આ રેકોર્ડ પોતાને નામ કરી શકે છે.

રોહિત શર્મા પાસે સિક્સર કિંગ બનવાની તક
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ત્રણ સિક્સ મારશે તો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના 450 છગ્ગા થઈ જશે. તે આવું કરનાર માત્ર ત્રીજો બેટર બનશે. તેના સિવાય આ કારનામું શાહિદ આફ્રિદી અને ક્રિસ ગેલ કરી ચૂક્યા છે. જો રોહિત શર્માઆ સિરીઝમાં ફોર્મમાં રહ્યો અને 10 છગ્ગા લગાવી દીધા તો ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના 150 છગ્ગા થઈ જશે અને આવુ કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની જશે. તે અગાઉ માત્ર માર્ટિન ગુપ્ટિલે ક્રિકેટના આ નાના ફોર્મેટમાં 150 છગ્ગા લગાવ્યા છે.

કે.એલ. રાહુલ પાસે મોટી તક
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે.એલ.રાહુલ જો પૂરી સિરીઝમાં 249 રન બનાવે છે તો તેના ટી-20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન પૂરા થઈ જશે. રાહુલ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન બનાવ્યા છે.

વળી, જો આ સિરીઝમાં ઈશાન કિશન એક કેચ ઝડપી લે તો ટી-20 ક્રિકેટ (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ)માં 50 કેચ પૂરા થઈ જશે.

ચહલ પણ રેકોર્ડ્સ તોડશે
ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા ન બનાવી શકનાર યુઝવેન્દ્ર ચહલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં કેટલાય રેકોર્ડ્સ પોતાના નામે કરી શકે છે. જો ચહલ કિવી ટીમ વિરુદ્ધ 4 વિકેટ ઝડપી લે તો ટી-20 ઈન્ટરનેશનલમાં ચહલ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની જશે. અને જો આ સિરીઝમાં તેના ખાતામાં 8 વિકેટ આવે તો ટી-20 ક્રિકેટ (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ)માં તેની 250 વિકેટ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...