ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝની બીજી મેચ આજે રાયપુરમાં રમાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે આપેલા 109 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 20.1 ઓવરમાં 2 વિકેટે પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 72 રનની પાર્ટનરશિપ થઈ હતી. કેપ્ટન રોહિત શર્મા 50 બોલમાં 51 રન કરીને આઉટ થયા હતા. શુભમન ગિલે 40 રન કર્યા હતા. વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયા હતા. ઈશાન કિશન 8 રને નોટઆઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી શિપ્લે અને મિચેલ સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા 3 મેચની વન-ડે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાશે.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: કેપ્ટન રોહિત શર્મા હેનરી શિપ્લેની બોલિંગમાં LBW આઉટ થયા હતા.
બીજી: વિરાટ કોહલી સેન્ટનરની બોલિંગમાં સ્ટ્મ્પ્ડ થયા હતા.
છેલ્લી 5 ઇનિંગમાંથી ચાર વખત 50+ રનની પાર્ટનરશિપ
રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે આજે 72 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ છેલ્લી 5 ઇનિંગમાં ચોથી વખત 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ઓપનિંગ જોડી શાનદાર ફોર્મમાં છે.
સતત 7મી વન-ડે સિરીઝ જીતી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી ગઈ છે. આ સાથે જ તેઓએ ઘરઆંગણે સતત 7મી વન-ડે સિરીઝ જીતી છે. ટીમ છેલ્લા 4 વર્ષથી ઘરઆંગણે વન-ડે સિરીઝ હારી નથી. અગાઉ 2019માં ઓસ્ટ્રેલિયાએ તેમને 5 મેચની સિરીઝમાં 2-3થી હરાવ્યું હતું. 2010થી, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે 25 વન-ડે સિરીઝ રમી છે. જેમાંથી તેઓએ 23માં જીત મેળવી છે અને માત્ર 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે.
સતત છઠ્ઠી વન-ડે જીતી છે ભારત
ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતીને સતત છઠ્ઠી વન-ડે મેચ જીતી છે. છેલ્લે બાંગ્લાદેશે ભારતને મીરપુરમાં 7 ડિસેમ્બર 2022ના રોજ હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડની ઇનિંગ...
ટીમ ઈન્ડિયાને 109 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ 34.3 ઓવરમાં માત્ર 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ સૌથી વધુ તરખાટ મચાવ્યો હતો. મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક અને સુંદરને 2-2 વિકેટ, અને સિરાજ, શાર્દૂલ અને કુલદીપને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ગ્લેન ફિલિપ્સે 36 રન બનાવ્યા હતા. તો મિચેલ સેન્ટનરે 27 રન અને માઇકલ બ્રેસવેલે 22 રન કર્યા હતા. આ સિવાય ન્યૂઝીલેન્ડના અન્ય કોઈ જ બેટર ડબલ ડિજીટમાં રન બનાવી શક્યા નહોતા. ટીમ ઈન્ડિયાના બધા જ બોલર્સે વિકેટ ઝડપી હતી.
આવી રીતે પડી ન્યૂઝીલેન્ડની વિકેટ...
પહેલી: પહેલી ઓવરના છેલ્લા બોલે મોહમ્મદ શમીએ ફિન એલનને બોલ્ડ કર્યો હતો. આ સાથે શમીએ વિકેટ-મેડન ઓવર નાખી હતી.
બીજી: છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર મોહમ્મદ સિરાજે હેનરી નિકોલસને સ્લિપમાં ઉભેલા શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ત્રીજી: મોહમ્મદ શમીએ બીજી વિકેટ ઝડપતાં ડેરિલ મિચેલને કૉટ એન્ડ બોલ કર્યો હતો.
ચોથી: હાર્દિક પંડ્યાએ 9.4 ઓવરે કૉટ એન્ડ બોલ કર્યો હતો. ડેવોન કોનવે 7 રને આઉટ થયો હતો.
પાંચમી: શાર્દૂલે કેપ્ટન ટૉમ લાથમને પહેલી સ્લિપમાં ઊભેલા ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
છઠ્ઠી: મોહમ્મદ શમીએ ત્રીજી વિકેટ ઝડપી હતી. તેણે માઇકલ બ્રેસવેલને 22 રને વિકેટકિપર ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
સાતમી: હાર્દિકે બીજી વિકેટ લેતાં ઑફ કટર નાખ્યો હતો. જેને સેન્ટનર કવર પર મારવા ગયો હતો. જોકે એડ્જ વાગતા સેન્ટનર બોલ્ડ થયો હતો.
આઠમી: વોશિંગ્ટન સુંદરે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો હતો. ગ્લેન ફિલિપ્સે મિડ-વિકેટ તરફ શોટ રમ્યો હતો, જેને ત્યાં ઊભેલા સૂર્યાએ કેચ કરી લીધો હતો.
નવમી: વોશિંગ્ટન સુંદરે બીજી વિકેટ લેતાં ફર્ગ્યુસનને 1 રને આઉટ કર્યો હતો. મિડ-વિકેટ પર સૂર્યકુમારે બીજો કેચ કર્યો હતો.
દસમી: કુલદીપ યાદવે બ્લેર ટિકનરે LBW આઉટ કર્યો હતો.
મેચના ફોટોઝ...
ટૉસ વખતે કોલ લેવાનું ભૂલી ગયા રોહિત
ટૉસ વખતે એક રમૂજી ઘટના બની હતી. ટૉસ જીત્યા પછી રોહિત શર્મા કોલ લેવાનું ભૂલી ગયા હતા. તે સતત વિચારતા જ રહ્યા હતા. 15 સેકેન્ડ પછી તેમણે ફિલ્ડિંગ પસંદ કરી હતી.
હવે જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ: ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલસ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, હેનરી શિપ્લે, બ્લેર ટિકનર અને લોકી ફર્ગ્યુસન.
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.